પોતે અમેરિકા જતા પકડાયો! પછી આ ગુજરાતીએ ઢગલો લોકોને ગેરકાયદે અમેરિકા મોકલી કરોડો કમાયા

દિવ્યેશ પટેલ ઉર્ફે જ્હોનીએ ૨૦૨૦માં પત્ની સાથે વાયા ચીન અને કેનેડા થઈને અમેરિકા પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિલ્હી એરપોર્ટ પર જ તેનું પિક્ચર પૂરૂં થઈ ગયું હતું. પહેલાથી જ એજન્ટો સાથે સંપર્ક ધરાવતા દિવ્યેશે પોતાને અમેરિકા જવા ના મળતા આખરે લોકોને મોકલવાનું શરૂ કરી દીધું હતું, અને ડીંગુચાના મહેન્દ્ર પટેલ સાથે તેની ભાગીદારી હતી.

પોતે અમેરિકા જતા પકડાયો! પછી આ ગુજરાતીએ ઢગલો લોકોને ગેરકાયદે અમેરિકા મોકલી કરોડો કમાયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ અમેરિકા જઈને તગડી કમાણી કરવાના સપના સૌ કોઈ જોતું હોય છે. એમાંય ગુજરાતીઓમાં અમેરિકા અને કેનેડા જવાનો જાણે એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. કેમકે, દરેકના મનમાં એક જ વાત છે ત્યાંની ડોલરિયા કમાણી. અહીં એક વર્ષમાં જેટલું કમાઈ શકાય એટલું ત્યાં ત્રણ મહિનામાં કમાઈ લેવાય છે. જે કારણ છેકે, પબ્લિક હવે ગમેતેમ કરીને યુએસ, યુકે અને કેનેડા જવાની ગોઠવણ કરતી જોવા મળે છે. એવામાં આ ગોઠવણમાં તેમનો સાથ આપનારા ગઠિયાઓની પણ કંઈ કમી નથી. પણ એક ગઠિયો તો એવો નિકળ્યો જેણે ખુન્નસમાં ને ખુન્નસમાં ઢગલાબંધ લોકોને ગેરકાયદે અમેરિકા અને કેનેડા મોકલી આપ્યાં. મહેસાણાના દિવ્યેશ પટેલે પોતે અમેરિકા ના પહોંચી શક્યો તો લોકોને મોકલવાનો ધંધો ચાલુ કરી દીધો...

આ વાત છે ગુજરાતના મહેસાણા જિલ્લાના દિવ્યેશ પટેલ ઉર્ફે જ્હોની નામના એજન્ટની. દિવ્યેશ પટેલે લોકોને યેનકેન પ્રકારેણ અમેરિકા, યુકે, કેનેડા સહિતના દુનિયાભરના દેશોમાં મોકલવાનું કામ કરે છે.  દિવ્યેશે પોતાની પત્ની સાથે વર્ષ 2020માં ગેરકાયદે રીતે વાયા ચીન અને કેનેડા થઈને અમેરિકા જવાનો પ્લાન કર્યો હતો. પરંતુ તે અને તેની પત્ની દિલ્હી એરપોર્ટ પરથી જ પકડાઈ ગયા હતા. પોલીસે પૂછપરછ કરતાં દિવ્યેશ અને તેની પત્ની નીધિ પટેલે પોતાની સાચી ઓળખ જાહેર કરી હતી. તેઓ સંદીપ અને રિટા નામના વ્યક્તિના પાસપોર્ટ પર કેનેડા પહોંચવાની ફિરાકમાં હતા, આ પાસપોર્ટ ભરત પટેલ નામના એજન્ટ પાસેથી તેમણે મેળવ્યા હતા. ભરત પટેલે આ કામ માટે દિવ્યેશ અને તેની પત્ની પાસેથી કુલ ૧ કરોડ રૂપિયા લીધા હતા.

પોલીસે તો દિવ્યેશને પકડ્યો પણ એને તો આમાં પણ ધંધો દેખાયો. તેણે આફતને અવસરમાં પરિવર્તત કરવાનું નક્કી કર્યું. તેણે એવું વિચાર્યુંકે, પોતે અમેરિકા જઈને મજૂરી કરવાને બદલે જો લોકોને જ અમેરિકા મોકલવાનું કામ શરૂ કરી દેવામાં આવે તો તેમાં વધુ કમાણી થશે. ત્યાર બાદ તેણે બેફામ રીતે આ ધંધો શરૂ કર્યો અને ઢગલાંબંધ રૂપિયા બનાવી લીધાં.

ઉલ્લેખનીય છેકે, દિવ્યેશ પટેલ ચોથી ફેબ્રુઆરીના રોજ અમેરિકામાં ઘૂસવાના પ્રયાસ દરમિયાન ગુમ થયેલા નવ ગુજરાતીઓના કેસમાં આરોપી છે, અને પ્રાંતિજ પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે. દિવ્યેશ ૨૦૨૦માં દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસર્સના હાથે ઝડપાયો હતો, તે વખતે તે પોતાની પત્ની સાથે ચાઈના જવા નીકળ્યો હતો. પોલીસ સૂત્રોનું માનીએ તો દિવ્યેશ મહેન્દ્ર પટેલ નામના એજન્ટનો પાર્ટનર છે, મહેન્દ્ર પટેલ તે જ વ્યક્તિ છે કે જેના સગા ભાઈ જગદીશ પટેલનું કેનેડા બોર્ડર પર પરિવાર સાથે કાતિલ ઠંડીમાં થીજી જતાં મોત થયું હતું.

ગુજરાતના જે નવ લોકો અમેરિકા જતાં રસ્તામાં ગુમ થઈને છેલ્લા પાંચ મહિનાથી લાપતા બન્યા છે તેમને મોકલવાનું કામ મહેન્દ્ર પટેલે જ હાથમાં લીધું હતું. આ કેસમાં ચતુર પટેલ અને શૈલેષ પટેલ નામના બે એજન્ટોને પણ આરોપી બનાવાયા છે, જેમાંથી દિવ્યેશ અને ચતુર પટેલ પોલીસના હાથમાં આવી ગયા છે, જ્યારે બાકીના બે એજન્ટો હજુય ફરાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news