ગુજરાતી ભાષા વિશે એવી 10 વાતો જે મોટાભાગના લોકો નહીં જાણતા હોય, ગુજરાતી તરીકે જરૂર જાણો આ વાતો
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: દુનિયાભરમાં કેટલાં લોકો ગુજરાતી બોલે છે? ગુજરાતી ભાષાની શરૂઆત ક્યારે થઈ? ગુજરાતી સાહિત્યની રચના માટે કયા રાજાએ આપ્યું સૌથી મોટું યોગદાન? ગુજરાતી સાહિત્યના સૌથી મોટા સેવક સહિત એવી અનેક વાતો જાણવા જેવી છે જે મોટાભાગના લોકો નથી જાણતા...
Trending Photos
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ આજે 24 ઓગસ્ટને 1833ના રોજ ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર, કવિ-લેખક અને પત્રકાર એવા નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મદિવસ છે. 1833ની 24મી ઓગસ્ટે ગુજરાતના સુરત શહેરમાં કવિ નર્મદનો જન્મ થયો હતો. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નર્મદ તરીકે જ તેઓએ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી. નર્મદે ગુજરાતી ભાષાની અસ્મિતા માટે શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે. તેથી આ દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો તરફથી 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા તરીકે ઉજવણી કરવામાં આવે છે. તો આપણને પણ આપણી માતૃભાષા પ્રત્યે ખુબ માન છે. દ્વારકાધીશથી ગાંધીજી સુધીના 1500 વર્ષના ગાળામાં ગુજરાતી ભાષા સમૃદ્ધ થતી રહી છે. ત્યારે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પર જાણીએ ગુજરાતી ભાષા વિશેની જાણી અજાણી વાતો...
1) દુનિયામાં પ્રથમ ક્રમાંકે અંગ્રેજી ભાષા છે. અંગ્રેજી બાદ ચીનની મેન્ડેરિન ભાષાનું સ્થાન વિશ્વમાં બીજા ક્રમે આવે છે. સ્પેનિશ અને હિન્દી ત્રીજા-ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત ઉપરાંત દુનિયાભરમાં 60 કરોડથી વધારે લોકો ભારતની રાષ્ટ્રિય ભાષા હિન્દીનો ઉપયોગ કરે છે. આમ, વિશ્વભરમાં સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલવામાં આવે છે. દુનિયાભરમાં બોલાતી ભાષાઓની યાદીમાં ગુજરાતી ભાષાનું સ્થાન 24માં ક્રમે આવે છે.
2) દુનિયાભરમાં 7111થી વધારે ભાષા અને બોલી છે. ભારતમાં 1380થી વધારે ભાષા-બોલી છે. જે પૈકી વધુ બોલાતી ભાષાઓમાંથી એક આપણી ગુજરાતી ભાષા છે.
3) ભારત, અમેરિકા, કેનેડા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સમગ્ર યુરોપ સહિત દુનિયાભરમાં અંદાજે 10 કરોડથી વધારે લોકો ગુજરાતી ભાષા બોલે છે. ગુજરાતી માત્ર લખાતી અને વંચાતી ભાષા નથી. ગુજરાતી સૌથી વધુ બોલાતી અને સૌથી વધુ સંભળાતી ભાષાઓ પૈકીની એક ભાષા છે. ગુજરાતી બોલનારા લોકોએ આ ભાષાને દુનિયા સમક્ષ પહોંચાડી છે.
4) સંકલ્પ, સમન્વય, સંઘર્ષ અને સંવાદ આ ચાર 'સ' સાથે ગુજરાતી ભાષાનો સીધો સંબંધ જોડાયેલો છે. અને આ પ્રક્રિયાને ફોલો કરીને જ ગુજરાતી ભાષાનું સંકલન અને સંચાલન થાય છે.
5) ગુજરાતી ભાષાનું સૌંદર્ય તેની લિપિ, વ્યાકરણ, જોડણી, ઉચ્ચાચરણો અને અભિવ્યક્તિમાં છે. ગુજરાતી ભાષાને કોમન જોડણી તરીકે સાંકળવા માટે ઊંઝા જોડણી આંદોલન થયું હતું. જેમાં દીર્ઘ ઈ અને હસ્વ ઉ થી જ જોડાણીનું કામ ચલાવવું અને જોડણી સરળ કરવી એવું આંદોલન ઉંઝામાં ગુજરાતી સાહિત્યકારોએ કર્યું હતું. જોકે, તેને બાદમાં ખાસ સફળતા મળી નથી. નહીં તો કદાચ અત્યારે ગુજરાતીની જોડાણીનું સ્વરૂપ કંઈક અલગ હોત.
6) ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ 'સિદ્ધ હેમ શબ્દાનુશાસન' હતો. જે ઈ.સ. 1135માં લખાયો.
7) ગુજરાતી શબ્દના ત્રણ અર્થ છે. પહેલું ગુજરાતનું અથવા ગુજરાતને લાગતું. બીજું ગુજરાતી ભાષા અને ત્રીજું ગુજરાતનો રહેવાસી.
8) સંસ્કૃત શબ્દ 'ગુર્જરત્રા' અને પ્રાકૃત શબ્દ 'ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ શબ્દ 'ગુજરાત' પરથી વિશેષણ બન્યું 'ગુજરાતી'. સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહે માળવાઓ પર આક્રમણ કર્યું. માળવા જીત્યું. અવંતિનાથ બિરુદ લીધું : પણ એક વાત મહારાજ સિદ્ધરાજના દિલમાં ખટક્યા કરે છે. શૂળની જેમ એ વાત દિલને વીંધે છે ! માલવાના રાજા વિદ્વાન ! પંડિત ! સંસ્કારી ! અને હું શું ? મારું ગુજરાત શું? માલવામાંથી લાવેલો પુસ્તકોનો ભંડાર ફેંદતાં એક પુસ્તક નીકળી આવ્યું. ગ્રંથપાલે એનું નામ વાંચ્યું. એનું નામ ભોજ વ્યાકરણ! મહારાજા કહે : 'એમ આગળ નામ મૂકી દીધે શું વળે ? હું ય કહું કે સિદ્ધ વ્યાકરણ.'
ગ્રંથભંડારના પાલકે કહ્યું : 'મહારાજ ! લખે કોઈ ને નામ આપે કોઈનું એવું આ નથી. આ વ્યાકરણ રાજા ભોજે રચેલું છે. રાજા ભોજ વિદ્વાન હતો. કવિ હતો. નાટકકાર હતો. એની સભામાં પણ વિદ્વાનોની સંખ્યા મોટી હતી. ભોજનું રચેલું આ વ્યાકરણ દેશભરની પાઠશાળાઓમાં ચાલે છે.'
'આપણા દેશની પાઠશાળાઓમાં પણ ?' મહારાજે પ્રશ્ન કર્યો. 'હાજી. વરસોથી પાટણની પાઠશાળાઓમાં ભોજ વ્યાકરણ ચાલે છે. એ વ્યાકરણ ભણીને પંડિત થયેલા આપણે ત્યાં અનેક જણા છે.'
'ખરેખર ! માણસ માટે અમર થવાનો આ સાચો માર્ગ છે. રાજા ગમે તેવો હોય, પણ પોતાના રાજમાં પૂજાય છે, જ્યારે વિદ્વાન તો જગતમાં પૂજાય છે.'
આ વાત સાંભળીને મહારાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને અનુરોધ કર્યો અને તેમણે ગુજરાતીનું પહેલું વ્યાકરણ રચી આપ્યું.
9) ગુજરાતી એ આર્યકુળની ભાષા છે.
10) ભારતના બંધારણની કલમ 8 મુજબ માન્યતા પ્રાપ્ત કરનાર ભાષાઓમાંની એક છે આપણી ગુજરાતી ભાષા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે