SHANKAR SINGH TURNS 81: જાણો ટનાટન સરકાર ચલાવ્યાંનો દાવો કરનારા બાપુ 81 વર્ષે પણ કઈ રીતે રહે છે ટનાટન

શંકરસિંહ વાઘેલાનો આજે 81મો જન્મદિવસ: ગુજરાતના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાં એક એવું નામ છે જેણે અનેક પાર્ટીઓ બદલી. ગુજરાતમાં સંઘના કાર્યકરથી લઈને ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતા પણ રહ્યાં છે બાપુ. જ્યારે જ્યારે તેમનું ધાર્યું ન થયું ત્યારે તેમણે પક્ષપલટાનો વિકલ્પ પસંદ કર્યો. પ્રધાનમંત્રી મોદી સાથે પણ તેમને ખુબ આત્મીયતાના સંબંધો રહ્યાં છે.

 SHANKAR SINGH TURNS 81: જાણો ટનાટન સરકાર ચલાવ્યાંનો દાવો કરનારા બાપુ 81 વર્ષે પણ કઈ રીતે રહે છે ટનાટન

વિરલ પટેલ, અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાં એક એવું નામ છે જેણે અનેક પાર્ટીઓ બદલી. ગુજરાતમાં સંઘના કાર્યકરથી લઈને ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતા પણ રહ્યાં છે બાપુ. જ્યારે જ્યારે તેમનું ધાર્યું ન થયું ત્યારે તેમણે પક્ષપલટાનો વિકલ્પ પસંદ કર્યો. પ્રધાનમંત્રી મોદી સાથે પણ તેમને ખુબ આત્મીયતાના સંબંધો રહ્યાં છે. શંકરસિંહ વાઘેલાં 8 દાયકા બાદ પણ આજે પણ કોઈકને કોઈક રીતે ચર્ચામાં રહે છે. ફિટનેસની વાતમાં પણ તેઓ એટલાં સજાગ છે. આજે પણ આટલી ઉંમરે તેઓ દરરોજ નિયમિત રોજના બે થી અઢી કલાક કસરત કરે છે અને ફિટ રહે છે.

શંકરસિંહ વાઘેલા, ગુજરાતના રાજકારણનું એવું નામ જેની રાજકીય કારકિર્દી કોઈ રોલર કોસ્ટર રાઈડથી ઓછી રહી નથી. લાંબી રાજકીય કારકિર્દીમાં શંકરસિંહે અનેક રાજકીય પક્ષો બદલ્યા પરંતુ શંકરસિંહની કોઈપણ પક્ષમાં ઉપસ્થિતિએ મજબૂત પ્રભાવ પાડ્યો છે. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એકસમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર ગણાતા શંકરસિંહ વાઘેલાનો 81મો જન્મદિવસ છે. એક નજર કરીએ શંકરસિંહની રાજકીય સફર પર...
 

No description available.

 

શંકરસિંહની 60 વર્ષીય રાજકીય સફર:
શંકરસિંહ વાઘેલા આજે ભલે ભાજપ પર પ્રહાર કરવાની કોઈ તક નહીં છોડતા હોય પરંતુ એકસમયે તેઓ આ જ પક્ષમાં ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું. શંકરસિંહ વાઘેલા કોલેજકાળમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) માં જોડાયેલા હતા. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ વર્ષ 1975માં જ્યારે ઈમરજન્સી લાદી ત્યારે સરકારના વિરોધમાં ઈન્દિરા ગાંધી સરકારે શંકરસિંહને જેલમાં પૂર્યા હતા. પરંતુ ત્યારબાદ શંકરસિંહ તે જ સરકારની પાર્ટીમાં જોડાયા હતા.

પ્રખર રાજકીય નેતા:
શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ 1940ના દિવસે ગાંધીનગર જિલ્લાના વાસણા ગામમાં થયો હતો. વર્ષ 1960ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. શંકરસિંહ ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક દળની પાંખ 'જનસંઘ' માં જોડાયા હતા. ગુજરાતમાં જનસંઘનો વ્યાપ વધારવાનો ફાળો શંકરસિંહ બાપુને જાય છે.

આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી મોદી જનસંઘના સામાન્ય કાર્યકર હતા. તે સમયે નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા જનસંઘના ઘણા કામ અર્થે સાથે ફરતા. શંકરસિંહ વાઘેલા તેમના સ્કૂટર પર નરેન્દ્ર મોદીને ફેરવતા હતા. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ કરેલી કટોકટીની જાહેરાત બાદ ગુજરાતમાં સરકાર વિરુદ્ધ જન આંદોલન થયુ હતું જેમાં શંકરસિંહનો સિંહ ફાળો રહ્યો હતો.

વર્ષ 1977માં જનસંઘનું જનતા પાર્ટીમાં વિલીનકરણ થયું અને વર્ષ 1980માં જનતા પાર્ટી વિખેરાઈ ગઈ અને જૂનો જનસંઘ 'ભારતીય જનતા પાર્ટી'  તરીકે અસ્તિત્વમાં આવ્યો. 11 વર્ષ સુધી શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 1984માં શંકરસિંહ વાઘેલૈા રાજ્યસભાના સાંસદ રહ્યા. શંકરસિંહે ગુજરાતમાં પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 1985માં ગુજરાતમાં કોંગ્રેસની જીત થઈ અને ભાજપની કારમી હાર થઈ, માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. વર્ષ 1987માં નરેન્દ્ર મોદીને ભાજપનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી.

શંકરસિંહે કેશુબાપાની સરકાર પાડી:
વર્ષ 1995માં કેશુભાઈ પટેલની સરકાર બની. શંકરસિંહ વાઘેલાએ વાંધો પડ્યો અને તેઓ 47 ધારાસભ્યોને લઈ મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો કર્યો. આ બળવાને ખજૂરાહો બળવો તરીકે પણ ઓળખવામાં આવે છે. આના પરિણામના ભાગરૂપે કેશુભાઈ પટેલની સરકાર પડી ગઈ. આ બાદ સુરેશ મહેતાને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો.

શંકરસિંહ ટૂંકાગાળા માટે મુખ્યમંત્રી બન્યા:
પ્રધાનમંત્રી મોદીની કામ કરવાની પદ્ધતિના કારણે શંકરસિંહ વાઘેલા તેમનાથી નારાજ રહેવા લાગ્યા. વર્ષ 1996માં નારાજ શંકરસિંહ બાપુએ ભાજપ છોડી દીધી. શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) નામનો નવો પક્ષ બનાવ્યો. કોંગ્રેસના સમર્થનમાંથી શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા. વર્ષ 1997માં શંકરસિંહને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ શંકરસિંહના નજીકના ગણાતા દિલીપ પરીખ રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

કોંગ્રેસમાં રહ્યુ વર્ચસ્વ:
આવનારી ચૂંટણીઓમાં શંકરસિંહનો રાજપા પક્ષ કોંગ્રેસમાં ભળી ગયો. ત્યારબાદ વર્ષ 2017 સુધી લાંબો સમય શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં રહ્યા. ડો.મનમોહન સિંહની UPA-1 સરકારમાં કાપડમંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા. તો યૂપીએ-2માં શંકરસિંહ વાઘેલાને માત્ર ગુજરાત કોંગ્રેસમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવી.  ધીમે ધીમે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચતા તેઓએ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો. શંકરસિંહે ત્યારબાદ નવો પક્ષ બનાવ્યો જેનું નામ 'જન વિકલ્પ' પાર્ટી રાખ્યું પરંતુ ચૂંટણીમાં નવી પાર્ટી ખાસ ઉકાળી ન શકી.

સોશલ મીડિયામાં સતત એક્ટિવ:
શંકરસિંહ NCPમાં જોડાયા ત્યારબાદ તેમાંથી પણ છેડો ફાડી દીધો. હાલ ભલે શંકરસિંહ કોઈ પક્ષમાં નથી પરંતુ સતત તેઓ સક્રિય રહે છે. સોશલ મીડિયા મારફતે શંકરસિંહ સરકારને સતત ઘેરવાનો પ્રયાસ કરતા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news