પાલનપુરમાં અનામતની માંગ સાથે નિકળી પાટીદારોની સદભાવના યાત્રા, હાર્દિક અને લાલજી રહ્યા ઉપસ્થિત
પાલનપુરથી પાટીદારોની સદભાવના યાત્રા થઇ રહી છે. પાલનપુરથી નિકળી યાત્રા ઊંઝા ઉમિયા માતાના મંદિરે પહોચશે.
Trending Photos
અલ્કેશ રાવ/પાલનપુર: પાટીદાર અનામત આંદોલનને લઈ હાર્દિક પટેલના ઉપવાસને લઈને ભલે સરકાર ન ઝૂકી હોય પરંતુ પાટીદાર સમાજ પોતાની માંગ પર અડગ છે અને સર્વ સમાજને સાથે રાખી સદ્દભાવના જળવાય તે હેતુથી બનાસકાંઠાના પાલનપુરથી ઊંઝા સુધી 45 કિલોમીટરની લાંબી સદભાવના યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત મોટી સાંખ્યમાં પાટીદારો જોડાયા હતા.
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દિન પ્રતિદિન પ્રબળ બની રહ્યું છે. હાર્દિક પટેલે ભલે ઉપવાસ આંદોલન સમેટી લીધા હોય અને સરકાર અનામતની માંગ પ્રત્યે ભલે કોઈ પ્રતિક્રિયા ન આપતી હોય પરંતુ પાટીદારોનો જુસ્સો હજુ એવો ને એવો જ છે. પોતાની માંગને લઈ પાટીદાર સમાજ મક્કમ છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરથી આજે ઊંઝા સુધી સદભાવના યાત્રા નીકાળવામાં આવી છે. જેમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ તેમજ એસપીજી પ્રમુખ લાલજી પટેલ અને પાટીદાર આગેવાન ગીતા પટેલ સહિત મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.
પાલનપુરના લક્ષ્મીપુરામાંથી આ યાત્રાનું પ્રસ્થાન થયું છે જેમાં હાથમાં બેનરો લઈને જય પાટીદારના નારાઓ સાથે ટ્રેક્ટરોમાં સવાર થઈને મોટી સંખ્યામાં પાટીદારો નીકળ્યા હતા અને પોતાની અનામતની માંગ સાથે ખેડૂતોના દેવામાફી અને આંદોલનકારી અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની માંગને પ્રબળ બનાવી છે. અનામત આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહિ પરંતુ તમામ બિનઅનામત વર્ગ સાથે જોડાય અને સદ્દભાવના કેળવાય તે હેતુથી આ સદભાવના યાત્રા હોવાનું હાર્દિક પટેલ અને લાલજી પટેલે જણાવ્યું હતું.
પરપ્રાંતીયો પર થતા હુમલાને લઇને હાર્દિકે આપ્યું નિવેદન
જોકે આ પ્રસંગે પરપ્રાંતીય ઉપર થઈ રહેલા હુમલાઓ મામલે હાર્દિક પટેલે કહ્યું હતું કે, દેશમાં દરેક નાગરિકોને રહેવાનો અધિકાર છે અપરાધીની કોઈ નાત જાત કે ધર્મ હોતો નથી તેઅપરાધી જ છે. જોકે સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ મામલે હાર્દિકે કહ્યું હતું કે, 31મી તારીખ પાટીદારો પણ સરદારના સ્ટેચ્યુનું અનાવરણ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે