સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મૂકાય, તે પહેલા જ કરાવી લો અહીં ઓનલાઈન ટિકીટ બુકિંગ
Trending Photos
1 નવેમ્બરથી દુનિયાનું સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકોને નિહાળવા માટે તૈયાર છે. ત્યાર બાદ ગુજરાતના ટુરિઝમને વેગ મળશે. નર્મદા કાંઠે સહેલાણીઓની ભીડ જામશે. દિવાળીથી ફેબ્રુઆરી સુધી ભારતભરમાં ફરવાનો સમય હોય છે. ઠંડીની આ મોસમમાં ટુર ઓપરેટર્સના લિસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ પણ સામેલ થઈ ગયું છે. જેમાં હવે બુકિંગ કરાવવા માટે લોકોની હોડ જામશે. દિવાળીના વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા જવાનું પ્લાનિંગ કરતા હોવ તો તેના ટિકીટથી લઈને અન્ય માહિતી જરૂર મેળવી લેવી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે આસપાસ અન્ય આકર્ષણો પણ મુલાકાતીઓ માટે તૈયાર કરાયા છે. 182 મીટર ઊચી આ પ્રતિમા એકવાર અનાવરણ થશે, તેના બાદ જ તેની રોનક કેવી છે તે માલૂમ પડશે. સ્ટેચ્યુમાં સરદાર પટેલની છાતીના ભાગે એટલે કે 135 મીટરની ઊંચાઈએ વ્યૂઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. બે લિફ્ટથી ઊપર પહોંચીને જે નજારો જોવા મળશે, તે તો અનાવરણ બાદ જ ખબર પડશે. અહીંથી સરદાર સરોવર, સાતપુડા તથા વિંધ્યાયળની પર્વતમાળાઓ, ઝરવાણી ધોધ સહિત આસપાસના રમણીય નજારા જોઈ શકાશે. 31 ઓક્ટોબર પછી દેશમાંથી જ નહિ, વિદેશમાંથી આવતા પ્રવાસીઓ પણ સૌથી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દેશે.
ટિકીટનો ખર્ચ કેટલો
નર્મદા ડેમ કે દક્ષિણ ગુજરાત ફરવા જતા પરિવારો માટે આ ઉત્તમ પીકનીક સ્પોટ બની રહેવાનું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો ખર્ચ વધુ નહિ આવે. યુવતીઓ તેમના એક ટોપ અને યુવકો તેમના એક શર્ટની કિંમતમાં તેને નિહાળી શકશે. માત્ર 500 રૂપિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈ શકાશે. જેમાં બસ ટિકીટના 30 રૂપિયા, એન્ટ્રી ટિકીટના 120 રૂપિયા (12 વર્ષ સુધીની વ્યક્તિની 60 રૂપિયા ) અને વ્યૂઈંગ ગેલેરી નિહાળવાના 350 રૂપિયા સામેલ છે.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા તો સસ્તુ છે...
રસપ્રદ બાબત એ છે કે, અમેરિકાનું ફેમસ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવાના ખર્ચ કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખર્ચ ઘણો ઓછો છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા માટે વ્યક્તિને 28 ડોલર (2100 રૂપિયા) તથા વૃદ્ધોને 21 ડોલર (1600 રૂપિયા) ચૂકવવા પડે છે.
આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 7500 સ્કવેર મીટરમાં સરદાર પટેલ મ્યુઝિયમ ઊભું કરાયું છે. જેમાં 40 હજાર દસ્તાવેજો, 2000 ફોટાં અને રિસર્ચ સેન્ટર દ્વારા સહેલાણીઓની સરદાર વિશેની જાણકારી મેળવી શકશે.
આ પ્રોજેક્ટમાં સરદૃાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, શ્રેષ્ઠ ભારત ભવન, મ્યુઝીયમ, વીજીટર્સ ( વ્યૂઇંગ ) ગેલેરીનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ સુધી ૫ કિ.મી.નો ૪ લેનનો માર્ગ બનાવાયો છે. પરંતુ પાર્કિંગ વ્યવસ્થા નહીં હોવાથી સ્ટેચ્યુ સુધી કાર લઇ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
કેવી રીતે ટિકીટ બુક કરાવશો
રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન ટિકીટ બુકિંગની વ્યવસ્થા કરાઈ છે. www.soutickets.in નામની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ટિકીટ ઓનલાઈન બૂક કરાવી શકાશે. બુકિંગની શરૂઆત 27 ઓક્ટોબરથી જ થઈ ગઈ છે. આ ઉપરાંત સ્ટેચ્યુ પાસેની ઓફિસમાં જઈને પણ ટિકીટ લઈ શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે