Gujarat Rainfall: અમદાવાદમાં આગામી 2 દિવસ કેવો પડશે વરસાદ? ગુજરાતમાં 4 દિવસ ધડબડાટી બોલાવશે મેઘરાજા

Gujarat Rainfall: ગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદ વરસતો રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Gujarat Rainfall: અમદાવાદમાં આગામી 2 દિવસ કેવો પડશે વરસાદ? ગુજરાતમાં 4 દિવસ ધડબડાટી બોલાવશે મેઘરાજા

Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઈ ચૂકી છે. આજે સવારથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાથે જ વડોદરા શહેર સહિત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વડોદરાના ડભોઈ ભારે બફારા બાદ વરસાદ આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે. તો કચ્છના અબડાસાનું છછી ગામ વિખુટુ પડ્યું છે. એક તરફ નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું છે. તો બીજી બાજુ ડાયવર્ઝન બંધ થતાં ગામમાં પ્રવેશવાનો માર્ગ બંધ થઈ ચુક્યો છે. જેના કારણે જીવના જોખમે રસ્તો પાર કરવા લોકો મજબૂર થયા છે.

ગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદ વરસતો રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ શહેર માટે સતત વિવિધ તબક્કામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજની સાથે આવતીકાલે પણ અમદાવાદમાં વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના સાથે ચેતવણી આપી છે. જ્યારે મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. અહીં પણ પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. આ સિવાય જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના માછીમારોને આગામી ચાર દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજાએ તોફાની ઈનિંગ શરૂ કરી. સતત વરસાદના કારણે સુરત પાણી પાણી થયું છે. ખાડી વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો આ તરફ તાપી જિલ્લાના વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુકરમુંડામાં ધોધમાર 4 ઈંચ વરસાદ પડ્યો. જયારે વલસાડમાં ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ડાંગમાં વરસાદથી રમણીય નજારો સર્જાયો છે. વરસાદના કારણે નાના ધોધ સક્રિય થયા છે.

હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગળ જતા વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે. બે દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજા દિવસ (પહેલી જુલાઈ)એ ભારે વરસાદની સંભાવનાઓ છે.

સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં ચોથા અને પાંચમા દિવસે એટલે કે 2-3 જુલાઈએ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે જે વરસાદ આપતી સિસ્ટમ છે તે નબળી પડી જશે. સૌરાષ્ટ્ર માટે પણ બે દિવસ સારો વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં આજે અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે બીજા દિવસથી ભારે વરસાદની સંભાવનાઓ છે. તેમણે ગીર સોમનાથ, અમરેલી, દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં બનેલી સિસ્ટમ અને મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમની અસરથી પણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. આ સિસ્ટમની અસર નબળી પડવાથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news