ગુજરાત સરકારની વિધવા સહાય યોજનાથી હું ગૌરવભેર જીવી શકું છું: આનંદીબેન
Trending Photos
ગૌરવ પટેલ/ગાંધીનગર : ગુજરાત સરકારની ગંગા સ્વરુપા સહાય યોજના : વિધવા માટે વરદાનરૂપ. દર મહિને રાજ્ય સરકાર તરફથી રુ.૧,૨૫૦ની આર્થિક સહાય ઘરનું ગુજરાન ચલાવવામાં આશીર્વાદરુપ હોવાનું ગીતાબેન દેવીપુજકે જણાવ્યું હતું. ગંગા સ્વરુપા સહાય યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના સહારે મહિલાઓ ગૌરવભેર જીવન જીવી શકે છે. સાણંદ તાલુકાના અણીયારી ગામમાં ૬૦ થી વધુ વિધવા બહેનોને ગુજરાત સરકારની ગંગા સ્વરુપ યોજનાનો લાભ મળી રહ્યો છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણીયારી ગામના નવા પરામાં રહેતા ગીતાબહેન દેવીપૂજકના પતિ વિરમભાઈ દેવીપૂજકનું ૨૮ જૂન, ૨૦૧૯ના રોજ નિધન થયું. વિરમભાઈને સવારે હ્રદયરોગનો હુમલો આવ્યો. ઉંમર લગભગ ૫૦ વર્ષ હશે.વિરમભાઈ ખેતીમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. ઘરના મોભીના અવસાનથી ઘરની સઘળી જવાબદારી ગીતાબહેન પર આવી. ગીતાબહેનને ૧૧ સંતાનો. તેમાંથી ૫ દિકરીઓને સાસરે વળાવી હતી, પણ હજુ ૬ સંતાનોના ભરણ-પોષણનો પ્રશ્ન ઉભો હતો. વળી, ૬ સંતાનોમાંથી માત્ર એક જ દીકરો કરશન( ૧૭ વર્ષ) પરિવારના આર્થિક ઉપાર્જનમાં મદદરુપ થાય એમ હતો. ત્યારે ગુજરાત સરકારની ગંગા સ્વરુપ યોજના દેવીપૂજક પરિવારના વહારે આવી.
ગામના સરપંચ દિલાભાઈ અને ડેપ્યુટી સરપંચ જ્યંતીભાઈ પ્રજાપતિએ બહેનને ગુજરાત સરકારની યોજનાનો લાભ મળે તે માટે ફોર્મ ભરી આપ્યું.જેના પગલે દર મહિને પરિવારને રુ.૧,૨૫૦ ની રકમ મળતી થઈ. વિરમભાઈની આવક મર્યાદિત એટલે એમનું ઘરનું ઘર એટલે કાચુ ઝૂંપડું. એટલે ગીતાબહેનને માથે પરિવારને માથે છાપરું પુરુ પાડવાની જવાબદારી પણ ઉભી હતી.
વિરમભાઈનું અવસાન થતાં ગુજરાત સરકારની સંકટમોચક યોજનામાં પરિવારને રુ. ૨૦,૦૦૦ ની સહાય મળી. જેમાંથી ગીતાબહેને પતરા નંખાવ્યા, જેથી પરિવારને સલામત આશ્રય મળે. અણીયારી ગામના જ આનંદીહેન કાળુભાઈ સોલંકી પણ ગુજરાત સરકારની ગંગા સ્વરુપ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભના કારણે સન્માનભેર જીવન જીવી રહ્યા છે. આનંદીબહેનના પતિ કાળુભાઈનું ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૫માં નિધન થયું. કાળુભાઈ કડિયાકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા. કાળુભાઈના નિધનના પગલે ઘર કેમ ચલાવવું એ પ્રશ્ન ઉભો થયો.
ગુજરાત સરકારની ગંગા સ્વરુપ યોજના આનંદીબહેનની વ્હારે આવી. ખેતમજૂરી કે કડિયાકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા સોલંકી પરિવારને આ યોજનાથી આર્થિક ટેકો મળ્યો. હવે આનંદીબહેનનો દીકરો રોહિત પણ કડિયાકામ કરીને કમાતો થયો છે. તેમના જેઠે આર્થિક ટેકો કરતાં દિકરી આરતીના લગ્ન થઈ ગયા છે. વળી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળતા ઘરનું ઘર પણ બન્યું છે.
આ કામગીરીની વિગતો આપતા અણીયારીના તલાટી કમ મંત્રી જીજ્ઞેશભાઈ ડાભી કહે છે : “અણીયારી ગામમાં ૬૦ અને વનાડિયા ગામમાં ૫૦ વિધવા બહેનોને ગંગા સ્વરુપ યોજનાનો લાભ મળે છે. તેઓ ઉમેરે છે કે, રાજ્ય સરકારની યોજનાનો લાભ વંચિતો સુધી પહોંચે તે માટે અમે સતત પ્રયાસો કરીએ છીએ. આમ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગરીબો અને વંચિતો માટે અમલી બનાવેલી યોજનાઓનો લાભ કર્મયોગીઓના માધ્યમથી જરુરિયાતમંદો સુધી પહોંચી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે