મિની વેકેશનની મજા માણવી હોય તો અમદાવાદ નજીક આવેલા આ 5 સ્થળો છે બેસ્ટ ઓપ્શન

Popular Tourist Attractions in Gujarat: અમદાવાદની આસપાસ એવા અદભુત સ્થળ આવેલાં છેકે, જ્યાં એક બે છૂટક રજાઓમાં પણ તમે રજાની મજા માણી શકો છો. અમદાવાદ નજીકના અદ્ભુત સ્થળો અંગે અમે આપના માટે આ જાણકારી લઈને આવ્યાં છીએ. 

મિની વેકેશનની મજા માણવી હોય તો અમદાવાદ નજીક આવેલા આ 5 સ્થળો છે બેસ્ટ ઓપ્શન

Gujarat Tourist Places: શું તમે વન-ડે પીકનીક માટે અમદાવાદની આસપાસ કોઈ સ્થળ શોધી રહ્યાં છો? કે પછી તમે અમદાવાદ નજીક વીક એન્ડની રજામાં મજા માણવા માગો છો? તો આ આર્ટીકલમાં તમને તમારા વીક એન્ડ અથવા વન-ડે પીકનીક માટે બેસ્ટ પ્લેસ જરૂર મળી જશે. અમદાવાદની આસપાસ એવા અદભુત સ્થળ આવેલાં છેકે, જ્યાં એક બે છૂટક રજાઓમાં પણ તમે રજાની મજા માણી શકો છો. અમદાવાદ નજીકના અદ્ભુત સ્થળો અંગે અમે આપના માટે આ જાણકારી લઈને આવ્યાં છીએ. 

તહેવારોની રજા હોય કે વીક એન્ડમાં આવતી રજા આવા સમયે ઘરે રહેવા કરતા ફ્રેન્ડસ, ફેમિલી કે તમારા પ્રિય પાત્ર સાથે ઓછા ખર્ચામાં અને અમદાવાદની આજુ બાજુમાં એક દિવસનું પિકનિકનું આયોજન કરીને રજાની મજા માણીને મસ્તી ભર્યો દિવસ પસાર કરો. અમદાવાદની આસપાસ અને માત્ર 100થી 150 કિલો મીટરના અંતરે જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીને સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો. બાઈક રાઈડના શોખીનો બાઈક પર પણ આ સ્થળોની મુલાકાત લઈ શકે છે. અમદાવાદ નજીક મજા માણવા જેવા સૌથી બેસ્ટ 15 પીકનીક સ્પોટ અમે આપના માટે લઈને આવ્યાં છીએ. વીક એન્ડ પીકનીક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપશન નહીં મળે.

વિજય નગરના પોળોના જંગલ પ્રવાસીઓમાં ફેવરીટ
સાબરકાંઠા જિલ્લામાં આવેલાં વિજયનગરના પોળોના જંગલો વીક એન્ડ પિકનિક માટે સૌથી હોટ ફેવરીટ ડેસ્ટીનેશન ગણાય છે. આ સ્થળ અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે. વિજયનગરનું પોળોનું સુંદર જંગલ અંદજે 5 કિલો મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. ખાસ કરીને ચોમાસામાં પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે. અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં તમે રોકાણ પણ કરી શકો છો. જેના માટે તમારે એડવાન્સમાં વનવિભાગની મંજૂરી લેવી પડે છે. 

અહીં પહાડો છે, ગાઢ જંગલ છે, ઝરણાં છે, નદી છે અને સમગ્ર વિસ્તાર અસીમ કુદરતી સૌદર્યથી ભરપુર છે. અહીં  શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની મજા પડી જાય છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે ખુબ જ પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ પણ આવેલી છે. ચોમાસા સિવાય પણ તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. પોળોએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળોએ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.

પોળોની આસપાસ અન્ય જોવાલાયક સ્થળોની વાત કરીએ તો, અભાપુરનું શક્તિમંદીર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે. પોળોના પરીસરમાં આવેલી કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે. તેનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે. આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીના સમયનું હોવાનુ મનાય છે. અહીં શરણેશ્વર મહાદેવનું મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે. શરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે. મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે. જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે. 

આ ઉપરાંત લાખેણાનાં દેરાં આવેલાં છે. દંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે. મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનું શિલ્પ સોલંકી કાળનું છે. મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્યમંડપ પણ જોવા મળે છે. જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે. અહીં સદેવંત સાવળિંગાના દેરાં પણ જોવાલાયક છે. આ મંદિરની સાથે સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકહાણી જોડાયેલી છે. આ દેરાંનાં સ્તંભોની કુંભિઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે. નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે.

જાંબુઘોડ઼ામાં ગજબની જમાવટ
અમદાવાદથી આશરે 160 કિલો મીટરના અંતરે આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે 20 કિલોમીટર અને વડોદરાથી આશરે 90 કિલોમીટરનાં અંતરે આવેલું છે. જાંબુઘોડા વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે 1990ની સાલમાં તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે. એ જ કારણ છેકે, અન્ય પ્રાકૃતિક સ્થળની સરખામણીએ આ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે. 

આઝાદી પહેલા, આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે. અહીં દૂર દૂરથી લોકો ખાસ ટ્રેકિંગની મજા માણવા માટે આવતા હોય છે. આ ઉપરાંત અહીં એક વન વિભાગનું આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો પણ આવેલાં છે. દિપડો જાંબુઘોડા અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે. આ ઉપરાંત શિયાળ, વરૂ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓ જેવાકે હરણ, નીલગાય, ચારસિંગા કાળિયાર વગેરેનું પણ જાંબુઘોડા અભયારણ્ય આશ્રય સ્થાન ગણાય છે. વિવિધ જાતનાં સાપ, અજગર, મગરમચ્છ જેવા સરીસૃપો પણ અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે. 

અભયારણ્યમાં આવેલા સાગ, સિસમ, ખેર, મહુડો, વાંસ, બીલી, દુધળો, વગેરેનાં વૃક્ષો ને કારણે પક્ષીઓ પણ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. આ વન્યસૃષ્ટિ અભયારણ્યમાં બનાવવામાં આવેલા બે બંધ - કડા ડેમ અને ટારગોલ ડેમ માંથી તે પોતાની પાણીની જરૂરિયાત પુરી કરે છે. આ બંધો ક્ડા અને ટારગોલ ગામની પાસે બાંધવામાં આવેલા છે. અભયારણ્યમાં શિકારી પ્રાણીઓ માટે શિકાર એવાં શાકાહારી પ્રાણીઓની નજીવી અછતને કારણે ઘણી વાર દિપડા જેવા પ્રાણી સ્થળાંતર કરતા છેક વડોદરા સુધી પહોંચ્યાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. જો તમે જાંબુઘોડાની મુલાકાતે આવ્યાં હોવ તો આ ઉપરાંત તમે અહીં નજીકમાં વૈશ્વિક ધરોહર એવા ચાંપાનેર, પાવાઢ, ઝંડ હનુમાન મંદિર, સુખી બંધ જળાશય સિંચાઈ યોજના અને કડા બંધ જળાશય સિંચાઈ યોજનાની પણ મુલાકાત લઈ શકો છો.

શાંતિ અને મોક્ષનો અહેસાસ આપતું તારંગા હિલ સ્ટેશન
અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે તારંગ હિલ સ્ટેશન. અમદાવાદથી વાયા ગાંધીનગર થઈને વિજાપુરથી તમે તારાંગ તરફ સરળતાથી જઈ શકો છે. ગુજરાતના મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ એક સુંદર અને ખુબ જ શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગરથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ભૌગોલિક રીતે તાંરગ હિલ સ્ટેશન અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. તાંરગ જૈન મંદિરો માટે જાણીતું તીર્થ સ્થાન છે. 

આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76 જેટલી છે અને તે રોડથી 9 કિલોમીટર દુર આવેલ છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે આ મંદિર તેમના ગુરૂ આચાર્ય હેમચંદ્રાચાર્યના કહેવાથી બનાવડાવ્યું હતુ. અહીં કમ્પાઉંડની અંદર 14 મંદિર આવેલા છે જેમાંથી પાંચ દીગમ્બરના મુખ્ય મંદિરો છે. દિગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે. તારંગા એ સિધ્ધ ક્ષેત્ર છે. તારંગા હિલ સ્ટેશન પર ભવ્ય જૈન દેરાસર આવેલું છે જે શ્વેતાંબર અને દિગંબરના છે. એવું કહેવામાં આવે છે કે આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મુર્તિ મળી આવી હતી તેથી આ સ્થળનું નામ તારંગા પડ્યું. અહીં આવેલ અજિતનાથની ગુફાવાળુ સુંદર પ્રતિમા ધરાવનાર ભવ્ય જૈન દેરાસર એક જ શિલામાંથી બનાવવામાં આવ્યું છે. આ સ્થળ મુળનાયક હાઈવેથી 2.75 કિલોમીટર દુર આવેલ છે અને ત્યાં ભગવાન આદિનાથની સફેદ રંગની મૂર્તિ છે. અહીં વર્ષમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે. 

આ ટેકરી પર્વતોની વચ્ચે અને શહેરી વિસ્તારથી દુર આવેલ છે. અહીંનું વાતવરણ ખુબ જ શાંત અને શુધ્ધ છે. અહીં મનની શાંતિ પણ મળી રહે છે. અહીં આવીને તમને એવો અનુભવ થશે કે તમે જાણે કે કુદરતના ખોળામાં આવી ગયાં હોવ. કારણકે, અહીંયા ચારો તરફ લીલોતરી જોવા મળે છે અને પર્વતોની વચ્ચે જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અનુભવ થાય છે. ત્યાંના પર્વતોની સુંદરતા ખુજ મનભાવન છે. જેઓ કુદરતી વાતાવરણના શોખીન હોય તેમના માટે તો આ સ્થળ અતિ સુંદર છે. તારંગા જવા માટે ઘણી બધી સગવડો છે ત્યાં તમે બસ દ્વારા પણ પહોચી શકો છો અને તમારૂ પોતાનું સાધન પણ લઈને જઈ શકો છો. ત્યાં જવા માટેનો રસ્તો પણ સારો છે તેથી બીજી જોઈ તકલીફ પણ પડે તેમ નથી.

નળસરોવર પક્ષી અભયારણ્ય
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે આવેલું છે નળ સરોવર. નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે 4 થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 200 થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને ત્યાંથી સાઇબેરીયા આવે છે. પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે. નળ સરોવરમાં તમને ગુલાબી પેલિકન, મોટા ફ્લેમિંગો, ક્રેક્સ, બ્રાહ્મણ બતક, જાંબુડિયા મૌરહેન, હર્ન્સ, સફેદ સ્ટોર્ક, વિવિધ જાતના કડવા, ગ્રીબ જોવા મળશે. શિયાળા દરમિયાન આ સ્થળની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. 

કારણકે, આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ અહીં વિસામો લેવા આવતા હોય છે. છેક ઈરાન અને અફઘાનિસ્તાન ને વિંધિંને પક્ષીઓ અહીં સુધી આવે છે. આ સરોવર પક્ષીવિદો અને અભ્યાસીઓ માટે અતિ રોમાંચક છે. અનેક જાતના પક્ષીઓને એકસાથે જોવા હોય તો તમારે એકવાર નળ સરોવર આવવું જ પડશે. જોકે, તમે આ સુંદર સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારે વહેલી સવારે જ અહીં આવવું જોઈએ. પક્ષીઓને જોવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવાર અને સમી સાંજનો છે. અહીં નૌકાવિહાર કરીને તમે નાના-મોટા ટાપુઓનું નિરીક્ષણ કરી શકો છો. ચોમાસાની સિઝનમાં પણ તમે આ રમણીય સ્થળની મજા માણી શકો છો. ચોમાસા દરમિયાન સરોવરનું પાણી એકદમ સ્વચ્છ થઈ જાય છે. બોટ રાઇડમાં પ્રારંભ બિંદુથી ધ્રાબલા આઇલેન્ડ સુધીની સફર અને ત્યાંથી પરત લાવવામાં આવે છે. અહીંના વોચ ટાવર પરથી તમે આખાય નળસરોવરનો એરિયલ વ્યૂ માણી શકો છો. અહીં નાના-નાની ઝૂંપડીઓમાં તમે બાજરીનો રોટલો, દેશી સબજી સાથે કાઢિયાવાડી થાળીની મજા પણ માણી શકો છો. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ આ સ્થળ બેસ્ટ છે.

નળસરોવર રોડ પર ઉજાણી ઘરમાં દેશી જમણવારની મજા....
સાણંદથી 36 કિલો મીટર દૂર અને નળ સરોવરથી જતા રસ્તા પર બર્ડ સેન્ચુરી પહોંચતાના 5 કિલો મીટર પહેલાં જ રસ્તામાં "ઉજાણી ઘર" આવે છે. તમે નળ સરોવર આવ્યાં હોવ તો આ સ્થળ પર તમને બાજરીનો રોટલો, બેંગન ભરથાં, મેથી, ભરેલાં મરચાં, માખણ, કડી, ખીચડી, કચુમ્બર અને છાશની અનલિમિટેડ ડીશની મજા માણી શકો છો. અહીં શુદ્ધ, સાત્વિક ઓછા તેલમાં અને ચૂલા પર માટીના વાણસોમાં બનેલું ભોજન કરવાનો લાહવો મળશે. બીજી ખાસ વાત એ છેકે, અહીં જે જોઈએ તે વસ્તુ તમારે જાતે જ લઈ લેવાની હોય છે અને તમામ ભોજન પાણીના વાસણમાં જ પીરસાય છે. અહીં ટેબલ-ખુરશી ઉપરાંત ખાટલા પર બેસીને જમવાની પણ વ્યવસ્થા છે. જો તમે અહીં જાતે રસોઈ બનાવવાનો આનંદ માણવા માંગતા હોય તો એના માટે પણ અહીં વ્યવસ્થા છે. આ ઉપરાંત બાળકો માટે અહીં લખોટી, ભમરડાં, હિંચકા અને જુનૂ વિસરાતી રમતોની પણ વ્યવસ્થા છે. અહીં ફોટો સેશન માટે પણ સારા ઓપ્શન છે. સૌથી મહત્વ ની બાબત આપના દ્વારા બિલ માં ચૂકવાતી રકમ નો નફો આજુબાજુના ગામના 6 વર્ષ સુધી ના કુપોષિત બાળકોના પોષણ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે જાણે અજાણે આપ આ બાળકોના વિકાસ માટે 'નિમિત્ત' બની શકો છો. આ ઉપરાંત નળસરોવર રોડ પર અનેક મોટા રિસોર્ટ આવેલાં છે ત્યાં પણ તમે રજાની મજા માણી શકો છો.

થોળ પક્ષી અભયારણ્ય
અમદાવાદથી આશરે 35 કિલો મીટરના અંતરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે થોળ પક્ષી અભયારણ્ય અને તાળવ. શિયાળા દરમિયાન થોળ ખાતે દેશ-વિદેશથી આવેલાં અસંખ્ય યાયાવર પક્ષીઓ વિસામો લેવા આવતા હોય છે. દૂર દેશાવરથી આવેલાં યાયાવર પક્ષીઓને અહીં પાણી અને ખાવાનું મળી રહે છે તેથી તેઓ શિયાળાના ત્રણથી ચાર મહિના સુધી અહીં જ વિસામો લેતાં હોય છે. જો તમે વન-ડે પિકનિક પ્લાન કરી રહ્યાં હોવ તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. ખાસ કરીને પક્ષી પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. 

જોકે, અહીંના વાતાવરણની મજા માણવા માટે તમારે વહેલી સવારે જ અહીં આવવું પડશે. અહી સવારથી સાંજ સુધી તમે કુદરતના અસીમ સૌંદર્ય અને યાયાવર પક્ષીઓના કલરવની મજા માણી શકશો. અહીં તમે પરિવાર કે મિત્રો સાથે આવ્યાં હોવ તો અહીં કેન્ટિનની સુવિધા પણ છે. બર્ડ સેન્ચુરીની સાથો સાથ અહીં વિશાળ તળાવ પણ આવેલું છે જેને થોળ સરોવરના નામે ઓળખવામાં આવે છે. જંગલની વચ્ચે એકદમ શાંત વાતાવરણ દેશ-વિદેશથી આવેલાં અસંખ્ય પક્ષીઓનો સુમધુર અવાજ અહીંના વાતાવરણને વધુ આહલાદક બનાવી દે છે. તળાવની આસપાસના જંગલમાં અનેક ઘટાદાર વૃક્ષો પણ આવેલાં છે જે આ સ્થળની શોભામાં વધારો કરે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ અહીંના કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કરવા દૂર દૂરથી આવતા હોય છે. શહેરનાં ઘોંઘાટથી દૂર તમને અહીં નિરવ શાંતિનો અહેસાસ થશે. થોળ ખાતે આવતા યાયાવર પક્ષીઓ ઉપરાંત ફ્લેમિંગો, રાજહંસ, વિવિધ પ્રકારના બગલા, વચેટ કાજીયો અને નકટો જેવા સુંદર પક્ષીઓ પણ તમને અહીં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news