આ સરકારી શાળામાં એડમિશન લેવા થાય છે પડાપડી, લાંબુ હોય છે વેઇટીંગ લિસ્ટ

આ નવનિર્મિત શાળામાં ‘બિલ્ડીંગ એઝ લર્નિંગ એઇડ’ (BALA) ની વિભાવનાને સાકાર કરતા વર્ગખંડો અને શાળાની લોબીમાં સુંદર શૈક્ષણિક ચિત્રો બનાવાયાં છે. 

આ સરકારી શાળામાં એડમિશન લેવા થાય છે પડાપડી, લાંબુ હોય છે વેઇટીંગ લિસ્ટ

મુસ્તાક દલ, જામનગર: જામનગર શહેરના લાલવાડી વિસ્તારની એક એવી સરકારી શાળા કે જયાં એડમિશન માટે વેઈટીંગ લિસ્ટ છે. રાજય સરકારની ઉત્તમ માળખાંકીય સુવિધા અને શ્રેષ્ઠ શિક્ષણના સંકલ્પને સાકાર કરતી જામનગરની સરકારી શાળા ખાનગી શાળાઓને ટક્કર આપે છે. 

રાજ્ય સરકારનો શિક્ષણ સુધારનો દ્ર્ઢ નિર્ધાર અપેક્ષિત પરિણામો આપી રહ્યો છે તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલી જામનગર મહાનગરપાલિકા સંચાલિત શાળા નં-1માં જોવા મળે છે જયાં એડમિશન માટે વેઈટીંગ લિસ્ટ છે અને આજુબાજુની બધી ખાનગી શાળાઓમાંથી પોતાનાં સંતાનોને ઉઠાડીને વાલીઓ આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. ચાલુ વર્ષે જ 250 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી આ શાળામાં એડમિશન લીધું છે.

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિની રજૂઆત સ્વીકારીને પાયાની જરૂરિયાતો સાથેની  શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવા માટે લાલવાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક  શાળા નં-1 ના નવા મકાનના નિર્માણનો પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં સંપન્ન કરાયો છે. આ નવનિર્મિત શાળામાં ‘બિલ્ડીંગ એઝ લર્નિંગ એઇડ’ (BALA) ની વિભાવનાને સાકાર કરતા વર્ગખંડો અને શાળાની લોબીમાં સુંદર શૈક્ષણિક ચિત્રો બનાવાયાં છે. 

સી.સી.ટી.વી. કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ, ક્લાસરૂમ ફર્નિચર, સાયન્સ લેબોરેટરી, કુમાર- કન્યાઓ અને શાળાના કર્મચારીઓ માટે અલગ ટોયલેટ બ્લોક્સની સુવિધા ઉપરાંત કલા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમતને પ્રોત્સાહિત કરવા સ્પોર્ટ્સ કીટ અને સંગીતનાં સાધનોથી પણ આ શાળાને સજ્જ કરવામાં આવી છે. શાળા પરિસરમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ દ્વારા હરિયાળીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનની સાથે સહયોગીતામાં મધ્યાહન ભોજન કાર્યક્રમ અંતર્ગત બાળકોની પૌષ્ટિક આહારની જરૂરિયાત સંતોષવામાં આવી છે. જામનગર જિલ્લાની આ અને આવી કેટલીયે સરકારી શાળાઓ એ ઉત્તમ માળખાંકીય સુવિધા અને શ્રેષ્ઠ ગુણવતાના શિક્ષણના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news