રમઝાન પહેલા જામનગરમાં ખૂની ખેલ : રોઝું ખોલવા જઈ રહેલા મુસ્લિમ અગ્રણીની જાહેરમાં હત્યા

Jamnagar Crime News : જામનગરના જાણીતા વકીલ હારૂન પલેજાની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી ...જૂથી અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન .. વકીલ અને મુસ્લિમ સમાજમાં ફેવાયો રોષ,,, જામનગર પોલીસની જુદી જુદી ટુકડીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી

રમઝાન પહેલા જામનગરમાં ખૂની ખેલ : રોઝું ખોલવા જઈ રહેલા મુસ્લિમ અગ્રણીની જાહેરમાં હત્યા

Jamnagar News મુસ્તાક દલ/જામનગર : જામનગરમાં જાણીતા એડવોકેટ અને મુસ્લિમ વાઘેર સમાજના અગ્રણી તેમજ કોંગ્રેસના સિનિયર આગેવાન હારૂન પલેજાની ગઈકાલ સાંજે સરાજાહેર હત્યાના પગલે સમગ્ર હાલાર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે જાણીતા ધારાશાસ્ત્રીની જામનગરમાં સતત બીજી હત્યાની ઘટનાને લઈને જામનગર વકીલ મંડળમાં પણ ભારે નારાજગી જોવા મળી છે અને આવતીકાલે જામનગર વકીલ મંડળ દ્વારા કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગરના મુસ્લિમ વાઘેર સમાજના આગેવાન અને જાણીતા એડવોકેટ હારુન પલેજાની બેડી વિસ્તારમાં મોડી સાંજે સરા જાહેર હત્યા નિપજાવાતાં ભારે તંગદિલી ફેલાઈ છે. જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો દોડતો થયો છે, અને હત્યારાઓને શોધવા માટેની દોડધામ શરૂ કરાઈ છે. જામનગરના મુસ્લિમ સમાજમાં પણ માતમ છવાયો છે. આ ચકચારજનક બનાવની વિગતો એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને વાઘેર સમાજના અગ્રણી તેમજ જાણીતા એડવોકેટ હારુનભાઈ પલેજાની બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા નીપજાવાતાં મુસ્લિમ સમાજમાં માતમ છવાયો છે. 

જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા એડવોકેટ હારુન પલેજા સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોતાનું બુલેટ મોટરબાઈક લઈને બેડેશ્વર વિસ્તારમાં આવેલી વાછાણી ઓઇલ મીલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, અને હાલ રમજાન માસ ચાલી રહ્યો હોય ત્યારે રોઝું ખોલવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન સૌ પ્રથમ તેમના ઉપર પથ્થરમારો થયો હતો. જેથી તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી ગયા હતા. ત્યારબાદ કેટલાક શખ્સો છરી જેવા ધારદાર હથીયાર સાથે ધસી આવ્યા હતા, અને તેમના પર હીચકારો હુમલો કરી દેતાં લોહી લોહાણ થઈને ઢળી પડ્યા હતા. આ ઘટના બાદ તેઓના ભત્રીજા વોર્ડ નં.1 ના કોંગી કોર્પોરેટર નૂરમહંમદ પલેજા અને અન્ય મિત્રો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા, પરંતુ ત્યાં માત્ર તેઓનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને તબીબો દ્વારા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટનાની જાણ થતાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મૃતકના અન્ય સમર્થકો તેમજ જામનગર વકીલ મંડળના પ્રમુખ સહિતના સભ્યો વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને ભારે તંગદીલી ભર્યું વાતાવરણ બની ગયું હતું. 

 

જામનગરમાં હત્યાના બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સૌપ્રથમ જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ જે વિસ્તારમાં બનાવ બન્યો હતો, ત્યાં પહોંચ્યા હતા, અને જાત નિરીક્ષણ કર્યું હતું. જેઓની સાથે શહેર વિભાગના ડી.વાય. એસ.પી. જયેન્દ્રસિંહ ઝાલા, સીટી બી. ડિવિઝનના પી.આઇ. એચ.પી. ઝાલા તથા અન્ય સ્ટાફ, એલ.સી.બી. ની ટુકડી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ જી.જી. હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ હત્યા પ્રકરણમાં બેડી વિસ્તાર ના નામચીન સાયચા બંધુઓ અથવા તો તેના મળતીયાઓ સંડોવાયેલા છે કે કેમ, તે દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. જામનગર પોલીસની જુદી જુદી ટુકડીઓ શહેર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના જિલ્લાઓમાં નાકાબંધી પણ ગોઠવી દેવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે

જોકે જામનગરમાં થોડા વર્ષો પહેલા જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની પણ આ જ રીતે સરાજાહેર ટાઉનહોલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી અને હવે વધુ એક જાણીતા અને પીઢ ધારાશાસ્ત્રી હારૂન પલેજાની પણ સરા જાહેર નિર્મમ હત્યા કરાતા જામનગરના વકીલ મંડળમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે  જ્યારે જામનગર વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી એક પણ કેસ ચલાવવામાં આવશે નહીં અને આરોપીને ઝડપી પાડવા તેમજ સખત સજા આપવાની માંગ કરી છે તથા મૃતક વકીલના પરિવારને ન્યાય મળે તેવી માંગ જામનગરના વકીલ મંડળ દ્વારા કરવામાં આવી રહી છે.

 

અમદાવાદમાં આવીને PM મોદીએ ખજાનો ખોલી દીધો : 1,06,000 કરોડની આપી ભેટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news