ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે અકીલ કુરેશીની નિમણૂક

સિનિયર મોસ્ટ ન્યાયાધિશ અકીલ કુરેશીની મુંબઈ બદલીના વિરોધમાં ગુરૂવારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની મીટિંગ મળી હતી, જેમાં શુક્રવારે હાઈકોર્ટના વકીલોએ હડતાળ પર રહેવાની જાહેરાત કરી હતી

ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે અકીલ કુરેશીની નિમણૂક

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ આર. સુભાષ રેડ્ડીની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે બઢતી સાથે બદલી થતાં રાજ્યની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધિશનું પદ ખાલી પડ્યું હતું. શુક્રવારે 2 નવેમ્બરના રોજ સવારે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે જસ્ટિસ અકીલ અબ્દુલહમીદ કુરેશીની નિમણૂકનો કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયના ન્યાયાધિશ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. મુંબઈ હાઈકોર્ટનો ચાર્જ ન સંભાળે ત્યાં સુધી જસ્ટિસ અકીલ કુરેશી ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ રહેશે. 

ભારતીય બંધારણની કલમ 223ના આધારે મળેલી સત્તાઓના ઉલ્લેખ સાથેના આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ ન્યાયાધિશ અકીલ અબ્દુલહમીદ કુરેશની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ આનંદ અનુભવે છે. તેઓ ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી કે જેમની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે બઢતી સાથે બદલી કરાયી છે તેમના સ્થાને ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકેનો ચાર્જ સંભાળશે.  

ભારત સરકારના સંયુક્ત સચીવ રાજિન્દર કશ્યપના નામથી જસ્ટિસ અકીલ કુરેશીની ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ પદે નિમણૂકનો આ આદેશ આપવામાં આવ્યો હતો. 

આ અગાઉ, ગુરૂવારે જસ્ટિસ અકીલ કુરેશની બોમ્બે હાઈકોર્ટમાં બદલી કર્યા બાદ જસ્ટિસ એ.એસ. દવેની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ તરીકે નિમણૂક કરવાનો આદેશ બહાર પડ્યો હતો. આ આદેશમાં ન્યાયાધિશની બઢતીના કોલેજિયમનો ભંગ થતો હોવાને કારણે ગુજરાત હાઈકોર્ટના વકીલોએ ભારે વિરોધ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના સિનિયર મોસ્ટ જસ્ટિસ અકીલ એ. કુરેશની બોમ્બે હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલો દ્વારા 2 નવેમ્બરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત જસ્ટિસ અકીલ કુરેશની ટ્રાન્સફરને પડકારતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું. 

જસ્ટિસ કુરેશીએ ગુજરાતમાં લોકાયુક્ત મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો
જસ્ટિસ એ.કે. કુરેશીએ વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક અંગેના વિવાદ સંદર્ભે આપેલો ચુકાદો મહત્વપૂર્ણ હતો. ઓક્ટોબર-૨૦૧૧માં ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ કમલા બેનીવાલે આર.એ. મહેતાની નિમણૂક લોકાયુક્ત તરીકે કરી હતી. આ નિર્ણયને ગેરકાયદે ઠેરવી રાજ્યપાલના નિર્ણયને રદ કરવા માટે ગુજરાત સરકારે હાઇકોર્ટની ડિવીઝન બેંચ સમક્ષ રિટ કરી હતી.

જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ સોનિયા ગોકાણીની ડિવીઝન બેંચ તે સમયે આ મુદ્દે ભિન્ન મત પ્રગટ કર્યા હતા. જે પૈકી જસ્ટિસ અકીલ કુરેશીનો મત હતો કે રાજ્ય સરકારની રિટ પર સુનાવણી ન થવી જોઈએ, જ્યારે સોનિયા ગોકાણીએ રાજ્ય સરકારની રિટ સાંભળવા લાયક છે તેવો અભિપ્રાય રજૂ કર્યો હતો. 

ડિવીઝન બેંચના બન્ને જજનો મત અલગ રહેતા બેંચમાં ત્રીજા જજ જસ્ટિસ વી.એમ. સહાયને સામેલ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ વી.એમ. સહાય જસ્ટિસ કુરેશીના મત સાથે સહમત થયા હતા અને જાન્યુઆરી ૨૦૧૨માં ત્રણ જજની બેંચે 2:1 ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, રાજ્યપાલ કમલા બેનીવાલે કરેલી લોકાયુક્તની નિમણૂક યોગ્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news