હનુમાન જયંતીએ થયા કોમી એકતાના દર્શન, મંદિરમાં એક થયા હિન્દુ-મુસ્લિમ

રામનવમીના તહેવાર વખતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ  કરવામાં આવ્યો હતો. જોકે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોમી એકતાના અનોખા દર્શન થયા છે. હનુમાન મંદિરના નિર્માણમાં મુસ્લિમ સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. 
હનુમાન જયંતીએ થયા કોમી એકતાના દર્શન, મંદિરમાં એક થયા હિન્દુ-મુસ્લિમ

નિલેશ જોશી/ઉમરગામ :રામનવમીના તહેવાર વખતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ  કરવામાં આવ્યો હતો. જોકે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોમી એકતાના અનોખા દર્શન થયા છે. હનુમાન મંદિરના નિર્માણમાં મુસ્લિમ સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. 

ઉમરગામમાં માછી સમાજ સંચાલિત નવનિર્મિત હનુમાનજી મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ઉમરગામની સૌથી મોટી મસ્જિદના મૌલાના સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવી પહોંચ્યા હતા. હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજના યોગદાન તરીકે 21 હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું. સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો માટે ત્રણ દિવસ પાણી પૂરું પાડવાની જવાબદારી પણ મુસ્લિમ સમાજે ઉપાડી હતી.

આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઈ હતી. તમામ મુસ્લિમ મહિલાઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મુસ્લિમ અગ્રણીઓનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. નાનકડા ઉમરગામના તમામ ધર્મના લોકો આ મહોત્સવમાં જોડાઈ એકબીજાના ધર્મને આદર અને સત્કાર આપી કોમી એકતાની મિશાલ પૂરી પાડી છે. આમ ઉમરગામ અને આસપાસના વિસ્તારના લોકોના આસ્થાના પ્રતિક સમા હનુમાનજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇ સહિત અનેક રાજકીય અગ્રણીઓએ પણ હાજર રહી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા. શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કર્યા હતા. સમાજના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તો મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી અને કોમી એકતા અને ભાઇચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ ઉમરગામનું હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કોમી એકતાનું પ્રતિક બન્યો હતો. આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો ભક્તોએ હાજર રહી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news