KUTCH: આરોપીના કસ્ટોડિયલ ડેથ મુદ્દે PI સહિત 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
Trending Photos
* ચોરીનાં ગુનામા ઝડપાયેલા યુવાનને પુછપરછનાં નામે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો
* યુવાનને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા બાબતે પોલીસ ઇન્સપેક્ટરને જવાબદાર ઠેરવાયા
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બનેલા ક્સ્ટોડીયલ ડેથના બનાવમાં પોલીસવડાએ પીઆઇ સહિત છ પોલીસકર્મીઓને સસ્પેનડ કરી દેતા સમગ્ર જિલ્લામાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઘરફોડ ચોરીના કેસમાં મુન્દ્રાના સમાઘોઘાના 27 વર્ષિય યુવકને શકમંદ તરીકે આઠ-આઠ દિવસ સુધી ગેરકાયદે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી અમાનુષી અત્યાચાર ગુજારવાના બનાવમાં પીઆઈ અને 3 પોલીસ કોન્સ્ટેબલો પર કાર્યવાહી કરવામાં આવી છે. સમાઘોઘાની ઘરફોડ ચોરીના બનાવમાં મુંદરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, અશોક કનાડ અને જયદેવસિંહ અજીતસિંહ ઝાલાએ 12મી જાન્યુઆરીની સાંજે અરજણ ગઢવી નામના 27 વર્ષિય યુવકને શકમંદ તરીકે ઉઠાવી પોલીસ મથકમાં ગોંધી પૂછપરછ હાથ ધરી હતી.
ગુનાની કબૂલાત માટે ત્રણેય કોન્સ્ટેબલે અરજણ પર અમાનુષી શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. પોલીસ કર્મચારીઓએ ચોપડા પર ક્યાંય અરજણની અટકાયત દર્શાવી નહોતી. દરમિયાન, 19મીની સવારે અરજણ ગઢવીનું પોલીસ મથકમાં જ મોત નીપજી ગયું હતું. આ ઘટના સંદર્ભે મૃતકના કૌટુંબિક ભાઈએ ત્રણેય કોન્સ્ટેબલો સામે હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. બનાવ બાદ ત્રણે કોન્સ્ટેબલ ફરાર છે. પોલીસ વડાએ ત્રણેયને સસ્પેન્ડ કરી દીધાં છે. બનાવની ગંભીરતા પારખી એસપી સૌરભસિંઘે પીઆઈ જે.એ.પઢિયાર સામે પણ ઈન્ક્વાયરીનો હુકમ કરી તેમની ભુજ જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં બદલી કરી દીધી હતી.
ઈન્ક્વાયરીના રીપોર્ટમાં પ્રાથમિક રીતે જ કસ્ટોડિયલ ડેથના બનાવમાં પીઆઈની બેદરકારી સ્પષ્ટ થતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયાં છે. ઘટના બાદ છેલ્લાં બે દિવસથી સોશિયલ મિડીયામાં આરોપી કોન્સ્ટેબલો સાથી કોન્સ્ટેબલો સાથે દારૂની મહેફિલ માણતાં હોય તેવી તસવીર વાયરલ થઈ હતી. એક વર્ષ જૂની પાર્ટીની આ તસવીર અંગે જિલ્લા પોલીસ વડાએ તપાસ હાથ ધરાવી મહેફિલમાં સામેલ બે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને પી.પી.ચુડાસમાને સસ્પેન્ડ કરી દીધાં છે.
પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘે જણાવ્યું કે, આ બનાવમાં તમામ જવાબદારોને કડક સજા કરવામાં આવશે. હાલમાં આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન છે. બીજી તરફ જિલ્લામાં પોલીસ કર્મચારીઓ પાસે અપ્રમાણસર મિલકત અને લાંબા સમયથી એક જ પોલીસ મથકમાં કર્મચારીઓ ફરજ બજાવતા હોવાથી ભ્રષ્ટાચાર અને લોકોને ખોટી કનડગત થવાની ફરિયાદો ઉઠવા પામી છે. જે સંદર્ભે પોલીસવડાએ કહ્યું કે,તાજેતરમાં જ આવા પોલીસકર્મીઓની બદલી કરાઈ છે. હજી પણ બદલીઓ થશે, આવક કરતા વધારે સંપત્તિ હશે તો પણ પગલાં લેવામાં આવશે તેવી બાંયધરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે