લીંબડીના રાજમહેલમાંથી ચોરાઈ અમૂલ્ય અને કિંમતી વસ્તુઓ, ચોરીનું લિસ્ટ જાણીને આંખો અંજાઈ જશે
લીંબડી રાજવી પરિવારના પેલેસમાંથી અમૂલ્ય વસ્તુઓની ચોરીની ઘટના બની છે. જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે, 16 થી 26 ફેબ્રુઆરીના 10 દિવસ દરમિયાન આ તમામ વસ્તુઓની ચોરી થઈ હતી. જેમાં વિવિધ એન્ટિક વસ્તુઓ તથા 56 કિલો ચાંદી પણ ચોરાઈ છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :લીંબડી રાજવી પરિવારના પેલેસમાંથી અમૂલ્ય વસ્તુઓની ચોરીની ઘટના બની છે. જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે, 16 થી 26 ફેબ્રુઆરીના 10 દિવસ દરમિયાન આ તમામ વસ્તુઓની ચોરી થઈ હતી. જેમાં વિવિધ એન્ટિક વસ્તુઓ તથા 56 કિલો ચાંદી પણ ચોરાઈ છે.
લીંબડી સ્ટેટના રાજવી પરિવારનો દિગ ભવન પેલેસ આવેલો છે. જ્યાં આ ચોરીનો બનાવ બન્યો હતો. આ વિશે લીંબડીના ઠાકોરસાહેબ જયદીપસિંહ ઝાલાએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, ચોર ટોળકીએ પેલેસના ગ્રાઉન્ડ ફ્લોર પાસે આવેલી લોખંડની બારી તોડી હતી. જ્યાંથી તેઓ મહેલમાં પ્રવેશ્યા હતા. ચોર ટોળકીએ પેલેસના પ્રથમ અને બીજા માળના દસ જેટલા સ્ટોર રૂમના તાળા તોડ્યા હતા. જેમાં અમૂલ્ય વસ્તુઓ મૂકાયેલી હતી. આ અંગે લીંબડી સ્ટેટની સ્કૂલનું સંચાલન કરતા નટુભા ઝાલાએ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
શું શુ ચોરાયું
પેલેસમાં થયેલી ચોરીમાં મુખ્ય 56 કિલો ચાંદી છે. ચોર ટોળકીએ 150 ગ્રામ ચાંદીની કુલ 45 વસ્તુઓની ચોરી કરી છે. આ ચાંદી બીજા માળના સ્ટોર રૂમના પતરાની ચાર પેટીમાં રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજમાતા સાહેબના સમયના 2 રેડિયો, હાર્મોનિયમ અને બેન્જો, જયદીપસિંહજી બાપુના નાનાએ તેમનાં બહેનને આપેલી શુદ્ધ ચાંદીની ફુલદાની, ચુસ્કી, જારી, ટ્રે, હેફ ગ્લાસ, પ્યાલા, કટોરી, વાઈનકપ, ફોટોફ્રેમ, પલંગ પાયા, સદ્દગત ઠાકોરસાહેબ જસવંતસિંહજી બાપુની પિતળની પગ પાદુકાઓ અને રાજમાતાની એન્ટિક વસ્તુઓની ચોરી થઈ હતી.
ચોરી કરનાર મહેલનો જાણભેદુ
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, ચોરી કરનાર ટોળકી મહેલનો જાણભેદુ હોઈ શકે છે. ચોર ટોળકી મહેલના કોઈ પણ સીસીટીવી કેમેરામાં દેખાઈ નથી. જેનો મતલબ કે, તેઓેને મહેલમાં ક્યાં ક્યાં સીસીટીવી લાગેલા છે તેની જાણ હતી. તેમજ ચોરી એક રાતમાં થઈ નથી. અલગ અલગ દિવસોમાં વસ્તુઓ ઉઠાવવામાં આવી છે. જેથી આ ચોરીની તપાસ મામલે એફએસએલની ટીમની મદદ લેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે