લવ મેરેજ કે અરેન્જ મેરેજ? જીવન આખું આદ્યાત્મિકતાથી ભરેલું, પત્નીએ આ રીતે કહ્યું અલવિદા…
અંબાલાલ પટેલના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પત્નીનું કોરોના કાળમાં અવસાન થઈ ગયું છે. હાલમાં તેમને 3 બાળકો છે. એક દીકરી અને 2 દીકરા. સૌથી મોટો દીકરો રાજેન્દ્ર પટેલ અમેરિકામાં કેન્સર ક્લિનિક ચલાવતો હતો અને સારો ડોકટર છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: એક તરફ આપણો ભારત દેશ આઝાદ થઈને પોતાની ખુશીઓ મનાવતો હતો. આ તરફ અમદાવાદના વિરામગામના રૂદાતલ ગામમાં કે જે હાલમાં દેત્રોજ નામથી ઓળખાય છે એ ગામમાં પહેલી સપ્ટેમ્બર 1947ના રોજ અંબાલાલ પટેલનો જન્મ થાય છે. ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ છોકરો મોટો થઈને આખા ગુજરાતના હવામાન અંગે આગાહી કરશે અને એ સાચી પણ પડશે. ત્યારબાદ અંબાલાલ પટેલે પ્રાથમિક શાળાનું શિક્ષણ ગામમાં જ લીધું અને માધ્યમિક શાળા માટે તેઓ બાજુના ગામમાં બાણતાઈ ગામમાં ભણ્યા. ત્યારબાદ 1970-1971ની સાલમાં તેઓએ અંગ્રેજી મીડિયમ સાથે એગ્રીકલ્ચરનો BSCનો કોર્સ આણંદ ખાતે કર્યો. ત્યારબાદ તેમનું ભણવાનું પુરુ થયું અને નોકરી મળી.
અંબાલાલ પટેલનું નાનપણ
નાનપણની વાત કરતાં અંબાલાલ જણાવે છે કે મે ખેતી કામ કર્યું, પિતાજીને કામમાં મદદ કરી. એમને ભાથું આપવા જતો અને પછી હું શાળાએ જતો. બધા સાથે મજાક મસ્તી કરતા. નદીના પાણીમાં ન્હાવા જતા, તળાવમાં તરવાનો આનંદ પણ લીધો. ગામમાં રમતો રમ્યા. નાનપણથી જ મંદિરે જવું અને ભગવાનના ભજનો કરવા ખુબ ગમતા અને હજુ પણ ગમે છે. પોતાના વાંચ વિશે અંબાલાલ જણાવતા કે દીવો અને ફાનસથી વાંચન કર્યું. એમાં પણ જ્યારે પિતાજીનું સાંજનું કામ પતે પછી ફાનસમાં મારો વારો આવતા અને હું વાંચન કરતો.
અંબાલાલનો પરિવાર
અંબાલાલ પટેલના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પત્નીનું કોરોના કાળમાં અવસાન થઈ ગયું છે. હાલમાં તેમને 3 બાળકો છે. એક દીકરી અને 2 દીકરા. સૌથી મોટો દીકરો રાજેન્દ્ર પટેલ અમેરિકામાં કેન્સર ક્લિનિક ચલાવતો હતો અને સારો ડોકટર છે. તે હાલમાં ધ્રાંગધ્રા ખાતે બાળકોની હોસ્પિટલ ચલાવે છે. બીજા નંબરનો નાનો દીકરો સતીષ પટેલ ઓસ્ટ્રેલિયામાં છે અને ફૂડ બિઝનેસમાં પોતાનું કામ કરી રહ્યો છે અને દીકરી અલ્કા ભરત પટેલ બારડોલી ખાતે નિવૃત પીડિયાટીશન છે. ઘરે જ રહીને સંતાનોના અભ્યાસમાં ધ્યાન આપી રહી છે.
અંબાલાલનું લગ્ન જીવન
આજનો યુગ જોઈએ તો ડેટિંગ, વાતો, છોકરીને જોવી, એના વિશે જાણવું અને પછી નિર્ણય લેવો. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ જણાવે છે કે અમારે એવું કશું જ નહોતું. મારા માતા પિતા છોકરી જોઈ આવ્યા અને નક્કી કરી નાખ્યું. મે સગાઈ કરી ત્યારે મારી થનારી પત્નીને જોઈ પણ નહોતી. ખૂબ લાંબો સમય સુધી મારી સગાઈ રહી. ( અત્યારે તો લાંબા સમય સુધી સગાઈ રહે તો તૂટી જવાના પણ અઢળક કેસ આપણી સામે છે ) આ રીતે જોયા વગર જ છોકરી ગમાડી લીધી અને 1968 આસપાસ અંબાલાલના લગ્ન થયા. ત્યારે લાજ પ્રથા પણ હતી એ પણ મારા લગ્નમાં હતી.
અંબાલાલ જણાવે છે કે મારુ લગ્ન જીવન ખુબ જ સારુ રહ્યું છે. પત્નીનું જીવન એકદમ ભક્તિમય હતું. લાકડા કાપી લાવી એ રોટલા ઘડે અને પરિવારને ખવડાવે. હંમેશા મારી પત્નીએ મને ખુબ સહકાર આપ્યો. મારી નોકરી તો આખા ગુજરાતમાં ફરવાની હતી. એટલે હું તો આખો દિવસ બહાર જ હોઉ રાત્રે 12 વાગ્યા આજુબાજુ આવતો. છોકરાનો ઉછેર અને પરિવારના દરેક સંબંધો પણ મારી પત્નીએ અવ્વલ નંબરે નિભાવ્યા છે. હું જ્યારે 12 વાગ્યે આવું એટલે મને જમાડે અને પછી હું થોડું વાંચન કરું. બાળકોના વિકાસમાં પત્નીનો પુરો હાથ છે. દરેક બાળકો સરકારી શાળામાં ભણીને જ આગળ વધ્યા છે. જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે મારી પત્નીનું દેહાંત થયું. હું રામાયણ વાચતો હતો અને એ મારી સામે જોયા કરતી હતી. કોઈ દવા કે ઓક્સિજન આપવા વાળું નહોતું. કોરોના હતો કે નહીં એ ખબર નહીં પણ બિમાર પડતાં વેંત જ મારી પત્નીનું અવસાન થયું. મારી સામે જોતા જોતા એમના દેહનો ત્યાગ થયો.
અંબાલાલ પટેલનું અંગત જીવન
પોતાના શોખ અને અંગત જીવન વિશે વાત કરતાં અંબાલાલ પટેલ જણાવે છે કે જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે. ભક્તિનો મને ખૂબ શોખ છે. નરસિંહ મહેતા અને મીરાભાઈના ભજનો, પદો તેમને ખુબ ગમે છે અને તેઓ નિયમિત અભ્યાસ પણ કરે છે. પોતાને ભક્તિભાવથી તરબોળ રાખવામા માનું છું. ગાંધીબાપુ તેમની પ્રેરણા છે. આધ્યાત્મિક જીવન જીવવાનો શોખ છે. શ્રીમદ ભગવત ગીતાનો અભ્યાસ પણ તેઓ કરે છે. વાંચનમાં વેદોનો અભ્યાસ, વિહંગાવલોકન, વૈદિક સાહિત્ય, જ્યોતિષીના પુસ્તકો વગેરે ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ છે. સૌથી મોટી વાત એ છે કે હવામાનના આટલા મોટા નિષ્ણાંત હોવા છતાં તેઓ પોતાને એક સામાન્ય માણસ જ સમજે છે અને ગાંધીનગર ખાતે સાવ સામાન્ય જિંદગી જીવે છે. સાદા મકાનમાં રહેવાનું અને કોઈપણ માણસ આવે એમને માન સન્માન સાથે હોંકારો આપવાનો. તેઓ આજના દિવસે પણ કહે છે કે જે કંઈ છે એ બધું ભગવાનના લીધે છે. ઉપર વારો બધું કરે છે.
અંબાલાલની કાર્ય પ્રણાલી
અંબાલાલ પટેલે નોકરીની શરૂઆત 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે કરી. આખા ગુજરાતમાં ફરવાનું અને ખેડૂતોના બીજનું સુપરવાઈજિંગ કરવાનું. બીજનું ગુણવત્તા શું છે, સારી ગુણવત્તા માટે શું કરી શકાય એની સલાહ પણ ખેડૂત ભાઈઓને અંબાલાલ આપતા. ત્યારબાદ 1986માં અંબાલાલ સેક્ટર-15 ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં આવ્યા. અહીં તેઓ કેમેસ્ટ્રી વિભાગમાં ખાતર ચકાસણીની લેબોટેરટીમાં ફરજ બજાવતા હતા. ત્યારબાદ 1989-1980માં તેઓનું એગ્રી. ઈન્સપેક્ટરમાંથી એગ્રી. ઓફિસર તરીકે પ્રમોશન થયું. એ રીતે હોદ્દા પર રહીને તેમણે સરકારને સેવા આપવાનું શરૂ રાખ્યું. એ પછી 2004-2005ની આજુબાજુ તેઓ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મદદનીશ ખેતી નિમાયક તરીકે જોડાયા. ત્યારબાદ જૈવિક નિયંત્રણ કંટ્રોલ એટલે કે બાયો કન્ટ્રોલ ખાતામાં ફરજ બજાવી અને આખરે 2005માં તેઓ રિટાયર્ડ થઈ ગયા અને હાલમાં ગાંધીનગર ખાતે રહીને પોતાનું જીવન જીવી રહ્યાં છે.
અંબાલાલ પટેલની સોનેરી સિદ્ધિઓ
આમ તો અંબાલાલ પટેલની આગાહી અને મળતો પ્રેમ જ એમની ખરી સિદ્ધિ છે. સાથે સાથે 2003માં અંબાલાલને UNO એવોર્ડ મળેલો છે. રોટલી ક્લબ તરફથી અનેક સન્માન મળેલા છે. ગુજરાતની વિવિધ સંસ્થા દ્વારા પણ સન્માન મળેલા છે. ગુજરાતના અનેક જિલ્લામાં લેક્ચર આપવા ગયા છે અને અનેક હોલમાં સન્માનિત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે