MHTને મળ્યો UN ગ્લોબલ કલાઈમેટ ચેન્જ એકશન એવોર્ડ, 1 વર્ષમાં કર્યો 105 ટન કાર્બન ડાયોકસાઈડનો ઘટાડો

આ પ્રોજેક્ટ હેઠળ આશરે 28,000 એનર્જી ઓડીટસ કરવામાં આવ્યા હતા, જેનાથી વિજળી ખર્ચમાં વાર્ષિક 7,00,000 ડોલર અથવા તો રૂ.5 કરોડથી વધુ રકમની બચત થઈ હતી. કાર્બન ડાયોકસાઈડમાં વાર્ષિક 105 ટનનો ઘટાડો થયો હતો. 

MHTને મળ્યો UN ગ્લોબલ કલાઈમેટ ચેન્જ એકશન એવોર્ડ, 1 વર્ષમાં કર્યો 105 ટન કાર્બન ડાયોકસાઈડનો ઘટાડો

અમદાવાદ: ગુજરાત સ્થિત સંસ્થા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT)ને તેના પ્રોજેકટ "વિમેન્સ એકશન ટુવર્ડઝ કલાઈમેટ રેસિલન્સ ફોર અર્બન પૂઅર ઈન સાઉથ એશિયા" બદલ વર્ષ 2019નો યુનાઈટેડ નેશન્સનો ગ્લોબલ કલાઈમેટ એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ માટે એમએચટીની પસંદગી “વિમેન્સ ફોર રિઝલ્ટસ કેટેગરી” હેઠળ કરવામાં આવી છે. આ કેટેગરીમાં ક્લાઈમેટ ચેન્જ (જળ-વાયુ  પરિવર્તન) કરવામાં મહિલાઓની સામેલગિરી અને મહત્વપૂર્ણ આગેવાનીને ધ્યાનમાં લેવામાં આવે છે.

"યુએન ગ્લોબલ કલાઈમેટ એકશન એવોર્ડઝ હાંસલ કરનારમાં સમુદાયના નેતાઓ, સરકારો, વિવિધ બિઝનેસ, અને સંગઠનોનો સમાવેશ થાય છે. આ લોકો વિશ્વના દરેક ખૂણેથી અને સમાજનાં તમામ સ્તરેથી  આવે છે." તેમ યુએન ગ્લોબલ કલાયમેટ એકશન પ્રોગ્રામના મેનેજર નિકાલસ સેવેન્નીગસેન જણાવે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ઓછી આવક ધરાવતી અને ગરીબ વિસ્તારોમાં વસવાટ કરતી 25,000 થી વધુ મહિલાઓના પરિવારમાં આ સ્થિતિ સામે ટકી રહેવાની ક્ષમતા ઉભી કરવાનો છે. આ પ્રોજેક્ટ દક્ષિણ એશિયાના ત્રણ દેશોમાં ભારતના અમદાવાદ, ભોપાલ, રાંચી, જયપુર અને ભૂવનેશ્વર તથા બાંગ્લાદેશના ઢાકા અને નેપાળના કાઠમંડુમાં હાથ ધરવામાં આવ્યો હતો.

"આ પ્રોજેક્ટ હેઠળ એમએચટીએ 114 કોમ્યુનિટી એક્શન ગ્રુપ રચના કરી હતી, જે 107 ગરીબ વિસ્તારોની 27,227 મહિલાઓ સુધી પહોંચી હતી. આ મહિલાઓમાંથી અમે  8,165 મહિલાઓમાં જ્ઞાન પ્રાપ્તિ માટેની વર્તણુંક પેદા કરી હતી." વધુમાં 1500 થી વધુ મહિલાઓને ક્લાઈમેટ સાથીસ તરીકે તાલિમ આપવામાં આવી હતી. આ મહિલાઓની જવાબદારી તેમના સમુદાયમાં સ્થાનિક ભાષામાં ક્લાઈમેટ ચેન્જના મુદ્દે વાતચીત કરવાની હતી. આ કવાયતના પરિણામે સામેલ થનારા સમુદાયમાં કલાયમેટ ચેન્જને ભગવાનનું કૃત્ય માનનારા લોકોની સંખ્યા 26 ટકા માંથી ઘટીને 9 ટકા થઈ ગઈ છે.

આ પ્રોજેક્ટ હેઠળ આશરે 28,000 એનર્જી ઓડીટસ કરવામાં આવ્યા હતા, જેનાથી વિજળી ખર્ચમાં વાર્ષિક 7,00,000 ડોલર અથવા તો રૂ.5 કરોડથી વધુ રકમની બચત થઈ હતી. આ પ્રોજેક્ટ આજ સુધી ગરીબ વિસ્તારોમાં ચાલુ છે. એમએચટી જણાવે છે કે આ દરમ્યાન 200 થી વધુ મોડ્યુલર રૂફ્સ અને 500 સોલાર રિફ્લેક્ટીવ વ્હાઈટ પેઈન્ટ રૂફ્સ તૈયાર કરાયા હતા, જેના કારણે કાર્બન ડાયોકસાઈડમાં વાર્ષિક 105 ટનનો ઘટાડો થયો હતો.

એમએચટીએ મહિલાઓનું નેતૃત્વ ધરાવતા સશક્તિકરણ મોડેલમાં નિપુણતા પ્રાપ્ત કરી છે, જે એવું માને છે કે શહેરી વિસ્તારના ગરીબોને જરૂરી જ્ઞાન પૂરૂ પાડવામાં આવે તો દયનિય સ્થિતિ અને જોખમમાં ઘટાડો કરી હવામાન સામે ટકી રહે તેવી ટેકનોલોજીથી સજ્જ બનાવી શકાય. આ લોકોને જો જલવાયુ પરિવર્તન અંગેના ગરીબલક્ષી અને સ્થાનિક સ્તરે સુસંગત ઉપાયોથી સજ્જ કરવામાં આવે તો યોજનાઓનું અમલીકરણ કરી શકે છે. આ બાબત શક્ય બનાવવા માટે એમએચટીએ જરૂરી માળખાગત સુવિધાઓ તેમજ સંસ્થાકિય અને નાણાંકિય વ્યવસ્થા કરી હતી.

આ પ્રકારના પ્રોજેક્ટ દ્વારા એમએચટી મહિલાઓનું સશક્તિકરણ કરીને ક્લાઈમેટ ચેન્જના મુખ્ય જોખમો એટલે કે હીટવેવ્ઝ, પૂર અને પાણીના પ્રકોપ, પાણીની તંગી, પાણી અને મચ્છર આધારિત રોગો સામે પગલાં લેવા સક્રિય બનાવાઈ છે. આ પ્રકારના કાર્યક્રમો વિશ્વનું ઓછું  ધ્યાન ખેંચતા હોવા છતાં ઓછી આવક ધરાવતા પરિવારોને ઓછા-વત્તા અંશે અસર કરી રહ્યા છે. 

યુએન ગ્લોબલ ક્લાઈમેટ એક્શન એવોર્ડઝ
યુએન ગ્લોબલ ક્લાઈમેટ એક્શન એવોર્ડઝ, યુએન ક્લાઈમેટ ચેન્જની પરિવર્તનની પહેલને ગતિ આપે છે. આ વર્ષે દુનિયાભરમાંથી 670 થી વધુ અરજીઓ મળી હતી, જેમાં સ્થાનિક સરકારો, વૈશ્વિક કંપનીઓ પાયાના સ્થળે વિકાસ કામગીરી કરતી સંસ્થાઓ અને મલ્ટી મિલિયન ડોલરના મૂડી રોકાણ પ્રોજેક્ટસનો સમાવેશ થતો હતો. 

આ એવોર્ડનો ઉદ્દેશ ઓછા કાર્બન, પ્રતિકૂળ સ્થિતિમાં ટકી શકે તેવા ભાવિ અને પેરિસ ક્લાઈમેટ ચેન્જ એગ્રીમેન્ટ હેઠળ નવતર પ્રકારના સોલ્યુસન્સ પૂરાં પાડવાના દૂરગામી ધ્યેય ધરાવે છે. આ પ્રોજેક્ટસને ઈનોવેટીવ સોલ્યુશન્સ ગણવામાં આવ્યા છે. તે ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ હલ કરવાનો ઉદ્દેશ તો ધરાવે જ છે, પણ સાથે સાથે દૂરગામી વિકાસના ઈનોવેશન, જાતિય સમાનતા અને આર્થિક તકો જેવા અન્ય ઘણાં ધ્યેય હાંસલ કરવામાં સહાય કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news