કાશ્મીરમાં ભાજપના નેતા પણ હતા સરકારી મહેમાન, Z+ સિક્યુરિટીમાં ફરતા : રેલો આવતાં ભાજપનું મૌન

PMO Officer Kiran Patel : પ્રાથમિક તપાસમાં શ્રીનગર પોલીસને ગુજરાતના ઘણા રાજકીય નેતાઓ, વ્યસાયિકો સાથે થયેલા કોલ ઉપરાંત, દિલ્હીમાં પણ અનેક લોકો સાથે નિયમિત રીતે તે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જેથી મસમોટા ખુલાસા બહાર આવે તેવી પૂરી સંભાવના છે

કાશ્મીરમાં ભાજપના નેતા પણ હતા સરકારી મહેમાન, Z+ સિક્યુરિટીમાં ફરતા : રેલો આવતાં ભાજપનું મૌન

Kiran patel : ગુજરાતના મહાઠગ કિરણ પટેલના કેસમાં રોજ નવા ખુલાસા થતા જાય છે. હવે આ રેલો ગુજરાતના CMO સુધી પહોંચ્યો છે.  ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને  જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે ફરતો હતો. જે કેસમાં તેના ૧૪ દિવસના રિમાન્ડ બાદ તે હાલ જ્યુડીશીયસલ કસ્ટડીમાં છે. ઠગબાજ કિરણ પટેલના કૌભાંડો ખૂલતા તે મોટો માસ્ટર માઈન્ડ હોવાનું ખૂલ્યું છે. આ કેસમાં મુખ્યમંત્રી કાર્યાલય - CMOના જનસંપર્ક અધિકારી- PRO હિતેશ પંડયાના પુત્ર અમિત પંડયા અને તેમના મિત્ર જય સીતાપરા ચારેક દિવસથી જમ્મુ કાશ્મીર પોલીસના કબ્જામાં છે. આ બંને મહાઠગ ડો. કિરણ પટેલ સાથે કાશ્મીરની સહેલગાહમાં સામેલ હતા. ગત વર્ષે જુલાઇ મહિનામાં ઉત્તરાખંડમાં કેદારનાથ અને ઋષિકેશમાં જઇને પીએમઓના અધિકારીના નામે કેટલાંક વેપારીઓ સાથે મીટીંગ કરી હતી. જે બાબત સામે આવતા ઉત્તરાખંડ પોલીસની એક ટીમ શ્રીનગર પહોંચી છે અને કિરણ પટેલની પુછપરછ કરી રહી છે. જો કે તેણે ઉત્તરાખંડમાં ઝેડ પ્લસ કે અન્ય કોઇ સુરક્ષા લીધી નહોતી. કિરણ પટેલમા પ્રકરણમાં ભાજપના મસમોટા નેતાઓ અને અધિકારીઓના પગતળે રેલો આવે તેવી સંભાવના છે. અમતિ પંડ્યાના પિતા સીએમઓમાં પીઆરઓ હોવાથી તેમના થકી ઘણા લાભો મેળવ્યા હોવાની ચર્ચા છે. કહેવાય છે કે કિરણ પટેલ ભાજપની ઓફિસોમાં અને નેતાઓ સાથે જ પડ્યો પાથર્યો રહેતો હતો.

જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના મામલે હવે તપાસનો દૌર તેજ બન્યો છે. જેમાં અમિત પંડયા અને જય સીતાપરાને સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં તેમણે  કિરણ પટેલ સાથે આવવા અંગે સંતોષકારક જવાબ આપ્યા નહોતા. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.  જય સીતપરા અને અમિત પંડયાને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. જ્યારે રાજસ્થાનને ત્રિલોકસિંગ સમન્સ મળ્યા બાદ પણ તે હાજર થયો નહોતો. બીજી માર્ચે કિરણ પટેલની ધરપકડ બાદ જય સીતાપરા,  અમિત પંડયા અને ત્રિલોકસિંગને જવા દીધા હતા. પોલીસ સાથે તો સીધું સેટિંગ એમ હોય એમ આ લોકો બચી ગયા હતા પણ કોર્ટ બગડતાં જમ્મુ કાશ્મીર પોલીસ શંકાના ઘેરાવામાં આવી હતી. જો કે કોર્ટે આ બાબતની ગંભીર નોંધ લેતા તેમના વિરૂદ્વ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમિત પંડયા, જય સીતાપરા અને ત્રિલોક સિંગ ગત બીજી માર્ચે કિરણ પટેલ સાથે શ્રીનગર આવ્યા હતા. કહેવાય છે કે તેમને પણ ઝેડ પ્લસ સિક્યોરીટી આપવામાં આવી હતી. સાથેસાથે હોટલ લલિતમાં તેમને પણ સરકારી મહેમાન તરીકે સ્થાન મળ્યું હતું.  પોલીસને અમિત  પંડયાની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે અમિત પંડયા ગુજરાતમાં સીસીટીવીનો બિઝનેસ કરતો હોવાથી કિરણ પટેલે તેને જમ્મુ-કાશ્મીરમાં આ બિઝનેસના વિકાસની પુષ્કળ શક્યતા હોવાનું જણાવ્યું હતું. જેથી અમિત પંડયા આવ્યો હતો. જેમાં તે કેટલાંક વેપારીઓને મળ્યો હતો. કિરણ પટેલના સીડીઆર થી અનેક નામો બહાર આવશે જેમાં મોટા મોટા નેતાઓના નામ બહાર આવે તો પણ નવાઈ નહીં. ગેરકાયદેસર રીતે ઝેડ પ્લસ સિક્યોરીટી આપવાના મામલે પોલીસ માટે તપાસમાં કિરણ પટેલના બે મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ પણ મહત્વની સાબિત થશે.  પ્રાથમિક તપાસમાં શ્રીનગર પોલીસને ગુજરાતના ઘણા રાજકીય નેતાઓ , વ્યસાયિકો સાથે થયેલા કોલ ઉપરાંત, દિલ્હીમાં પણ અનેક લોકો સાથે નિયમિત રીતે તે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જેથી મસમોટા ખુલાસા બહાર આવે તેવી પૂરી સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news