જલિયાવાલા નરસંહારનો બદલો લેનાર શહીદ ઉધમ સિંહને મળ્યુ માંડવીના લોકતીર્થમાં સ્થાન
Trending Photos
રાજેન્દ્ર ઠકકર/કચ્છ :મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની ગુજરાત સરકારે મોટું કામ કર્યું છે. માંડવી સ્થિત લોકતીર્થ-શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિતીર્થ કે જયાં ભારતના મહાન ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓના પોટ્રેઇર ચિત્રો શોભાયમાન છે, તેમાં દલિત શહીદવીર ઉધમસિંહની તસવીરને તેમની શહાદતના પરિચય સાથે સ્થાન આપવામાં આવ્યું છે. આ કામગીરીને ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી આવકારી હતી. ‘અકાદમી’ લાંબા સમયથી આ માટે રજુઆત કરી રહી હતી.
binsachivalay exam: આંદોલનના ભૂખ્યા વિદ્યાર્થીઓને પરેશ ધાનાણીએ ખીચડી-શાકનું ભોજન કરાવ્યું
શહીદ વીર ઉધમસિંહનો જન્મ સુનામ (પંજાબ) ખાતે દલિત શીખ પરિવારમાં થયો હતો. પંજાબના ગવર્નર જનરલ ડાયરે બ્રિટિશ શાસનનાં તોરમાં માર્શલ લો જાહેર કરીને, અમૃતસરના જલિયાંવાલા બાગમાં ૧૩મી એપ્રિલ, ૧૯૧૯ના દિવસે અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો હતો. આ નૃશંસ હત્યાકાંડ આચરીને હજારથી વધુ ભારતીયોની હત્યા કરી હતી. ઉધમસિંહ તે ઘટનાના સાક્ષી હતાં, તેથી તેમણે તે જ વખતે બદલો લેવાની પ્રતિજ્ઞા કરી હતી.
દેશદાઝની આગમાં સળગતા રહેલા શહીદ વીર ઉધમસિંહ નામો બદલી, વેશપલટા કરી ઘણા દેશોની રઝળપાટ કરતા રહ્યાં હતા. અમેરિકાથી પાછા આવ્યા ત્યારે ક્રાંતિકારી સાહિત્ય અને શસ્ત્રો રાખવા માટે તેમને જેલની સજા થઈ હતી. ઉધમસિંહ જેલમાંથી છૂટીને લંડન ગયા અને ત્યાં ભરી સભામાં પૂર્વ ગવર્નર ઓ.ડાયરને ઠાર મારીને ઉધમસિંહે જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. બ્રિટિશ સરકારે 1940માં તેમને લંડનમાં ફાંસી આપી હતી. બ્રિટનની અદાલતમાં તેમના પર ખટલો ચાલ્યો ત્યારે ઉધમસિંહે બદલો લેવા જ આ હત્યા કરી હોવાનું અદાલતમાં કબૂલ કર્યુ હતું.
આજે શહીદવીર ઉધમસિંહની તસવીરને પુષ્પાંજલિ અર્પવા ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના પેટ્રન હરીશ મંગલમ, અધ્યક્ષ પ્રવીણ ગઢવી, સદસ્યો નટુભાઇ પરમાર અને અરવિંદ વેગડા તથા દલિત કવિઓ સાહિલ પરમાર, રમણ વાઘેલા જેવા દલિત સર્જકો શહીદવીર ઉધમસિંહની તસવીર સમક્ષ નતમસ્તક થયા હતા અને શહીદ વીર ઉધમસિંહની તસવીરને પુષ્પહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના તત્કાલિન સચિવ આર.સી.મીનાએ અત્યાધિક રસ દાખવીને આ કાર્ય સંપન્ન કરાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે