સમગ્ર રાજ્યમાં મેઘમહેર, ગુજરાતમાં 65 ડેમો સંપૂર્ણ ભરાયા, કુલ 207 ડેમમાં 73.89% પાણીનો જથ્થો
ગુજરાતમાં ભાદરવા મહિનામાં આવેલા વરસાદને કારણે નવા પાણીની આવક થઈ છે. સમગ્ર રાજ્યમાં 65 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના ડેમો ભરાયા છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવા મહિનામાં સારો વરસાદ પડતા મોટી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના અમુક જિલ્લામાંથી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ બની હતી. વરસાદને કારણે ખેડૂતોને ફાયદો મળ્યો છે. તો અનેક ડેમો, નદીઓ, તળાવો ભરાતા પાણીનું સંકટ પણ દૂર થયું છે. હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની આ સીઝનમાં રાજ્યમાં 65 ડેમો સંપૂર્ણ ભરાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં કુલ 207 ડેમો આવેલા છે.
65 ડેમો સંપૂર્ણ ભરાયા
રાજ્યમાં 207 ડેમમાંથી 65 ડેમ સંપૂર્ણ ભરાયા
ઉ.ગુજરાતના 15 ડેમમાંથી માત્ર 1 ડેમ સંપૂર્ણ ભરાયો
મધ્ય ગુજરાતના 17 ડેમમાંથી 5 ડેમ સંપૂર્ણ ભરાયા
દક્ષિણ ગુજરાતના 13 ડેમમાંથી 5 ડેમ સંપૂર્ણ ભરાયા
કચ્છના 20 ડેમમાંથી માત્ર 1 ડેમ સંપૂર્ણ ભરાયો
સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 53 ડેમ સંપૂર્ણ ભરાયા
રાજ્યના કુલ 207 ડેમમાં 73.89% પાણીનો જથ્થો
ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમમાં જળાશયોમાં ઓછું પાણી
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35.26% જ પાણીનો જથ્થો
મધ્ય ગુજરાતના 17 ડેમમાં 86.59% પાણીનો જથ્થો
દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 90.65% પાણીનો જથ્થો
કચ્છના 20 ડેમમાં માત્ર 30.46% પાણીનો જથ્થો
સૌરાષ્ટ્રના 141 ડેમમાં 82.21% પાણીનો જથ્થો
રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ
આજે પણ રાજ્યમાં અનેક જગ્યાએ સારો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ છે. તો રાજ્યમાં શાહીન વાવાઝોડાના પગલે આગામી બે-ત્રણ દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તો સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
NDRFની ટીમ એલર્ટ
વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે.
શું બોલ્યા હવામાન વિભાગના ડાયરેક્ટર
આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાએ જણાવ્યું કે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનુ વાવાઝોડું ઉઠી રહ્યુ છે. જોકે, આ સાયક્લોન બનશે તો નામ શાહીન રહેશે. સાયકલોન બની પણ જાય તો પણ ગુજરાત માટે કોઈ મોટું સંકટ નથી. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરેબિયન સીમા તેની અસર જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે