ફટ ફટ અવાજ કરીને બૂલેટ ફેરવનારાઓ ચેતી જજો, આ અપડેટ વાંચીને ગાડી ચલાવજો

Updated By: Feb 3, 2021, 09:56 AM IST
ફટ ફટ અવાજ કરીને બૂલેટ ફેરવનારાઓ ચેતી જજો, આ અપડેટ વાંચીને ગાડી ચલાવજો
  • મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે

હિતલ પારેખ/ગાંધીનગર :રસ્તા પર અનેકવાર મોટા અવાજ બુલેટ લઈને નીકળતા બાઈક સવાર તમે જોયા હશે. જેમની બુલેટના ઘોંઘાટથી કાન ફાટી જાય. જ્યાં સુધી બુલેટ (bullet) દૂર ન જાય ત્યાં સુધી કાનમાં ત્રાહિમામ થઈ જાય છે. પરંતુ હવે રાજ્યમાં આવા બુલેટસવારો માટે નિયમ આવવાનો છે. મોટા અવાજ સાથે ફરતા બુલેટ સામે કાર્યવાહી કરવાની રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ પત્ર લખી ગૃહ વિભાગ સમક્ષ માંગણી કરી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ (rc faldu) એ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને આ માંગણી કરી છે. 

વાહન વ્યવહાર મંત્રી દ્વારા સ્પષ્ટ જણાવ્યું કે, કેટલાક લોકો બુલેટને સ્પીડમાં ભારે અવાજ સાથે નીકળતા પોતાનો પ્રભાવ પાડવાના મલિન ઇરાદાથી આ કૃત્ય કરતા હોય છે. તેઓ બુલેટથી એટલો મોટો અવાજ કરે છે કે, નાના બાળકોને કાયમી બહેરાશની તકલીફ થઈ શકે છે. તો કોઈ માટે પણ આ અવાજ જોખમી સાબિત થઈ શકે છે. આવામાં કાનના પડદા પર અસર પડી શકે છે. આસપાસ કોઈ દર્દી હોય તો તેને પણ તેની અસર પહોંચી શકે છે. 

આ પણ વાંચો : એક નર્સે મોઢું દબાવ્યું, બીજીએ હાથ પકડ્યો... ત્યારે જઈને ડરને માર્યે ચીસાચીસ કરતી ડોક્ટરને વેક્સીન અપાઈ 

મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે. ડ્રાઇવિંગ ઉપરથી કાબૂ ગુમાવવાના કારણે અકસ્માત પણ થતો હોય છે. આમ આ પ્રકારે નીકળતાં વાહનચાલકો સામે ફોજદારી તેમજ દંડનીય કાર્યવાહી કરવાનો આદેશ મંત્રી દ્વારા કરાયો છે. 

આવા વાહનચાલકો સામે પગલાં ભરવામાં આવે તેવા આદેશ કૃષિ ગ્રામ વિકાસ વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ ગુજરાત રોડ સેફટી ઓથોરીટી કમિશ્નરને કર્યાં છે. બુલેટ લઇને નીકળતાં અને સાયલેન્સરનો અવાજ બંધ કરાવવામાં આવે તે માટેની રજુઆત ગાંધીનગરના જાગૃત નાગરિકો દ્વારા પણ કરવામાં આવી છે. 

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના ધુરંધર ક્રિકેટર જયદેવ ઉનડકટે રિની સાથે કર્યા લગ્ન, જુઓ પ્રસંગની ખાસ તસવીરો