આખુ ભારત હોળી પ્રગટાવે, પણ ગુજરાતનું એક ગામ કુંવારી હોળિકાના લગ્ન કરાવે છે
Holi Celebration : એવું કહેવાય છે કે, હોળિકાનું હોળીમાં દહન થઇ ગયું અને ભગત પ્રહલાદનો બચાવ થયો હતો. તેની ખુશીમાં રંગોત્સવ ઉજવાય છે. જો કે, હોળિકાનું મૃત્યુ થયું ત્યારે તેના લગ્ન થયા ન હતા, જેથી હોલિકાના લગ્ન કરાવવામાં આવતા હોય તેવું કદાચ સમગ્ર ગુજરાતમાં એક માત્ર મોરબી શહેરમાં જ બનતું હશે
Trending Photos
Holi Celebration હિમાંશુ ભટ્ટ/મોરબી : ધૂળેટીના દિવસે રંગે ઊડે તે સ્વભાવિક છે પરંતુ લગ્ન થતાં હોય તેવું તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય. પરંતુ ન માત્ર ગુજરાત પણ દેશની અંદર હોલીકાના લગ્ન કરવવામાં આવે છે. જે જોવા માટે તમારે મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં આવવું પડશે. કેમ કે, ત્યાં વર્ષોથી સતવારા સમાજ દ્વારા હોળીના દિવસે માટીમાંથી હોળિકા કે જેમને વેણી માતાનું નામ આપવામાં આવે છે. તેની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારે બોલે છે રાસગરબાની રમઝટ...
કહેવાય છે ને “વાત જો હોય શ્રદ્ધાની તો તેમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી” તે ઉક્તિને સાર્થક કરતા મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારોમાં ધામધૂમ અને શ્રદ્ધા પૂર્વક હોળી ધુળેટીના તહેવારમાં હોળિકાના લગ્ન કરાવવામાં આવે છે. જો કે, આ લગ્ન માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માટીમાંથી બે પૂતળા બનાવવામાં આવે છે અને હોલિકા રાક્ષસ કુળના હતા, માટે તેના રાક્ષસની સાથે લગ્ન કરવા માટે આવે છે.
હોળિકા ભગત પ્રહલાદને ખોળામાં લઈને જયારે હોળીમાં બેઠા હતા ત્યારે તે કુંવારા હતા અને કુવારા મૃત્યુ થયું હોવાથી વર્તમાન સમયમાં જે રીતે કોઈ કુંવારા મૃત્યુ પામે તો તેની પાછળ જે રીતે લીલ પરણાવવા સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. તેવી જ રીતે હોળિકાનો આત્મા લગ્નમાં રહી ગયો હોવાથી વર્ષો પહેલા ઘણા લોકોના લગ્નમાં યેનકેન પ્રકારે વિઘ્ન આવતા હતા તેવુ પુરાણોમાં ઉલ્લેખ કરાયો છે. જેથી તે સમયથી હોળિકા એટલે કે, વેણી માતા અને શામ બાપના લગ્ન મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલ વાડી વિસ્તારોમાં કરાવવામાં આવે છે. શામ બાપા તેમજ વેણી માતાની જાન વાડીએ વાડીએ ફરતી હોય છે. આજે સવારથી જ મોરબીની ખેરની વાડી, ભાન્ડીયાની વાડી, વજેપર વાડી, વૈષ્ણવની વાડી, બવ્રાની વાડી, ઘુચારની વાડી, જેપુરિયાની વાડી, માંન્ગ્રાની વાડી, ભોલની વાડી, હદાનીની વાડી, રંગાણીની વાડી સહિતની કુલ મળીને 14 જેટલી વાડીમાં આ લગ્ન પ્રસંગ રગેચંગે અને ધામધુમથી ઉજવાઈ રહ્યો છે.
હિન્દુ સંસ્કૃતિમાં જેટલા પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેના પાછળ કોઈને કોઈ ઉદેશ ચોક્કસ હોય છે. તેવી જ રીતે દેશભરમાં આજે લોકો રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે મોરબીના વાડી વિસ્તારમાં વેણી માતા અને શામજી બાપના લગ્ન કરાવવામાં આવે છે. દરેક વાડીમાં ઘરે ઘરે જઈને જે રાસ ગરબા સહિતની રમઝટ બોલાવવામાં આવતી હોય છે તેના થકી જે પણ રકમ એકત્રિત થાય છે, તેમાંથી વાડી વિસ્તારના લોકો દ્વારા શેરી ગલ્લીઓમાં રખડતા કૂતરા, અબોલ પક્ષી સહીના માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પરંપરા આજકાલથી નહિ, પરંતુ હાલમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારની પાંચથી સાત પેઢીઓ કરતા પણ પહેલાથી આ અનોખા લગ્ન કરવામાં આવે છે અને તેમાં તમામ લોકો કાયદેસરના લગ્નની જેમ જ જોડતા હોય છે.
રંગોત્સવની ઉજવણી બધા જ કરે છે, પરંતુ શા માટે રંગોત્સવ ઉજવાય છે તે આજકાલના યુવાનોને ખબર પણ નહિ. એવું કહેવાય છે કે, હોળિકાનું હોળીમાં દહન થઇ ગયું અને ભગત પ્રહલાદનો બચાવ થયો હતો. તેની ખુશીમાં રંગોત્સવ ઉજવાય છે. જો કે, હોળિકાનું મૃત્યુ થયું ત્યારે તેના લગ્ન થયા ન હતા, જેથી હોલિકાના લગ્ન કરાવવામાં આવતા હોય તેવું કદાચ સમગ્ર ગુજરાતમાં એક માત્ર મોરબી શહેરમાં જ બનતું હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે