ખંભાત ડેપોના ST ડ્રાઈવરની ગંભીર બેદરકારી, 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ચલાવી બસ

ગુજરાતની સરકારી બસ સેવા એટલે કે એસટીના એક ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખંભાત ડેપોના ડ્રાઈવરે 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ હંકારી મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હતા. 

ખંભાત ડેપોના ST ડ્રાઈવરની ગંભીર બેદરકારી, 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ચલાવી બસ

બુરહાન પઠાણ, આણંદઃ ટ્રાફિકના નિયમ પ્રમાણે રોંગ સાઈડમાં વાહનો ચલાવવા ગંભીર બેદરકારી છે. રોંગ સાઈડમાં વાહનો ચલાવવાથી અકસ્માતનો ભય રહે છે. પરંતુ ગુજરાત એસટીના એક ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખંભાત રૂટ પર પ્રાંતિજ નજીક એક એસટી બસના ડ્રાઈવરે 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ હંકારી હતી.

ડ્રાઈવરની બેદરકારી
ખંભાત એસ.ટી બસ ડેપોનાં ડ્રાઈવર અંબાજી ખંભાત એસટી બસ રૂટ પર ગત ગુરુવારે અંબાજીથી મુસાફરો ભરી ખંભાત જઈ રહ્યાં હતા. ત્યારે હિંમતનગર પ્રાંતિજથી આગળ સલાલ નજીક આગમન હોટલ પાસે એસ ટી બસ ઉભી રાખવાની હતી. ડ્રાઈવરની ભૂલથી એસટી બસ આગળ નીકળી જતાં 9 કિલોમીટર આગળ ગયા બાદ કંડકટરે ડ્રાઈવરને બસ ઉભી રાખવાનું યાદ કરાવ્યું હતું. ત્યારબાદ બેદરકાર ડ્રાઈવરે 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ હંકારી મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 21, 2024

અંબાજીથી ખંભાત જતી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની એસટી બસ જીજે 18-ઝેડટી 0013 નાં ડ્રાઈવર અને કંડકટરની બેદરકારીનાં કારણે ટ્રાફિક નિયમોનો ભંગ કરીને લગભગ 9 કિલોમીટર જેટલી રોંગ સાઈડ હંકારવાના કારણે એસટી બસમાં સવાર ૫૦ જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.

એસટી બસના નિયમો અનુસાર ગુજરાત. સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા નિર્ધારિત કરેલી હોટલ પર જ્યારે બસ 20 મિનિટ સુધી ઉભી રહે ત્યારે કંડક્ટરના કહેવા પ્રમાણે ત્યાંથી 200 રૂપિયાની એક ટિકિટ મળે જે ઉપરના અધિકારીઓને જમા કરાવવાની હોય છે. એટલે કે માત્ર 200 રૂપિયાની ટિકિટ માટે એસટીના ડ્રાઈવરે 9 કિમી સુધી બસ વિરુદ્ધ દિશામાં ચલાવી હતી.

રોંગ સાઇડ એસટી બસ હંકારતા કેટલાક મુસાફરોએ વિરોધ કર્યો હતો. પરંતુ મુસાફરોના વિરોધને ગણકાર્યા વગર ડ્રાઈવર અને કન્ડક્ટરે 200 રૂપિયાની  ટિકિટ માટે લગભગ 18 કિલોમીટર અંતર વધારે કાપ્યું હતું. જેના માટે એસટી બસને અંદાજિત પ્રતિ કિલોમીટર ૩.૫ લિટર લેખે 270 રૂપિયાનો ડીઝલ વધારે ખર્ચવું પડ્યું હતું. સરવાળે તો માત્ર 200 રૂપિયાની ટિકિટ માટે 270 રૂપિયા ખર્ચ કર્યાં હતા. જ્યારે સફર કરી રહેલા મુસાફરોનો સમય પણ બરબાદ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news