સુખીસંપન્ન ગુજરાતમાં દીકરીઓ પ્રત્યે આવુ ઓરમાયું વર્તન કેમ? રાજકોટમાં નવજાત બાળકી છોડી દેવાઈ

સુખીસંપન્ન ગુજરાતમાં દીકરીઓ પ્રત્યે આવુ ઓરમાયું વર્તન કેમ? રાજકોટમાં નવજાત બાળકી છોડી દેવાઈ
  • સમાજ માટે આવા કિસ્સા લાલબત્તી સમાન છે. સમાજે હવે જાગૃત થવાની જરૂર છે
  • રાજકોટના પડધરીના નાના ખીજડિયા ગામે નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના બની

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ જિલ્લાના પડધરીમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી છે. પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામે તાજી જન્મેલી ફુલ જેવી માસુમ બાળકી મળી આવી છે. ત્યારે ગુજરાતભરમાંથી લોકો આ માસુમ બાળકીને ત્યજી દેનાર માતા અને પરિવાર પર ફિટકાર વરસાવી રહ્યા છે. બેટી બચાવો બેટી પઢાવોની વચ્ચે આવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યા છે. એક સમયે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી. પરંતુ સમય બદલાવાની સાથે કંઈ બદલાયુ હોય તેવુ લાગતુ નથી. લોકોમાં શિક્ષણ આવ્યું, લોકો સુખીસંપન્ન થયા, પણ જૂનવાણી વિચારો હજી બદલાયા નથી. આજે પણ બાળકીઓના ત્યજી દેવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. 

નાના ખીજડિયા ગામે નવજાત બાળકીને ત્યજી દેવાઈ
રાજકોટના પડધરીના નાના ખીજડિયા ગામે નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના બની છે. હાલ બાળકી રાજકોટ સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકીની તબિયત સ્વસ્થ છે, પરંતુ તેની પાસે તેનો પરિવાર જ નથી. આ ઘટના મામલે ધારાશાસ્ત્રી અને સમાજ સેવિકા ભાવનાબેન જોષીપુરાએ કહ્યું કે, સમાજ માટે આ કિસ્સો ધૃણાસ્પદ છે. પોલીસે IPC કલમ 317 હેઠળ જે ગુનો દાખલ કર્યો છે, તેમાં 7 વર્ષના કેદની સજા છે. સમાજ માટે આવા કિસ્સા લાલબત્તી સમાન છે. સમાજે હવે જાગૃત થવાની જરૂર છે. 

ધૃણાસ્પદ - બાળકીને જમીનમાં દાટી દેવાનો પ્રયાસ કરાયો હતો 
નવજાત બાળકી માટે સુનીલ મીનાવા નામના શખ્સ સુપરહીરો બનીને આવ્યા છે. તેમણે બાળકીને બચાવી હતી. ઝી 24 કલાકની વાતચીતમાં તેમણે કહ્યું કે, તેઓ અને વાડી માલિક નવલસિંહ જાડેજા એક ખેતરથી બીજા ખેતરે જતા હતા, ત્યારે તેમણે બાળકના રૂદનનો અવાજ સંભળાયો હતો. નિવસ્ત્ર હાલતમાં રહેલા બાળકીને કપડામાં વીંટાળીને જીવ બચાવ્યો હતો. તેમણે પોલીસને જાણ કરી 108 બોલાવી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. એટલુ જ નહિ, આ સાથે જ એક ધૃણાસ્પદ વાત પણ સામે આવી છે. નદીના પટમાં આ બાળકીને ડાટી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : જાણવા જેવી માહિતી : 46 જેટલા DNA માંથી 23 માતાના અને 23 પિતાના બાળકમાં આવે છે

મહિલાઓ માટે મહિલાઓએ જ આગળ આવવું પડશે
તો બીજી તરફ, બાળકીને ત્યજી દેવાના મામલે અમદાવાદની મહિલાઓ વિરોધ કરી રહી છે. મહિલાઓનું કહેવુ છે કે, આવી ઘટનાઓને લઈ સરકારે યોગ્ય પગલાં લેવા જોઇએ. સાથે જ પરિવારના સભ્યોની પણ માનસિકતા બદલવી જોઈએ. એક માતા પોતાના બાળકને ત્યજી દેતી નથી. પરંતુ પરિવારના કારણે એવું પગલું ભરે છે. મહિલાઓ માટે મહિલાઓએ જ આગળ આવવું પડશે. તમારા બાળકોનો ઉછેર એ રીતે કરવો જોઈએ, જેથી લોકો મહિલાઓનું સન્માન કરતા શીખે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news