ભાજપને ચૂંટણી પહેલા જ જીતી જવું છે!! રૂપાલા બાદ ગુજરાતમાં નવી પોલિટિકલ ગેમ, ફોર્મ રદ કરો

Gujarat Politics : સુરત, અમરેલી અને ભાવનગરમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ થઈ શકે છે રદ, જેની ઠુમ્મર, ઉમેશ મકવાણા અને નીલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પર લટકતી તલવાર, ફોર્મમાં વિસંગતતા સામે ભાજપે વાંધો ઉઠાવતાં આજે ચૂંટણી અધિકારી સાંભળશે ઉમેદવારોનો પક્ષ

ભાજપને ચૂંટણી પહેલા જ જીતી જવું છે!! રૂપાલા બાદ ગુજરાતમાં નવી પોલિટિકલ ગેમ, ફોર્મ રદ કરો

Loksabha Election : ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠક જીતવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. આ ટાર્ગેટ વચ્ચે પાટીલે કાર્યકર્તાઓને દરેક બેઠક પર 5 લાખ લીડથી જીતવાનો નવો ટાર્ગેટ આપ્યો છે. જોકે, આ ટાર્ગેટ વચ્ચે ભાજપને પોતાનો જ ભરતી મેળો ભારે પડ્યો. ભાજપે આયાતી ઉમેદવારોને મહત્વ આપતા પાર્ટી માટે ચપ્પલ ઘસનારા કાર્યકર્તાઓને મજુરિયા હોવાનો અહેસાસ થયો હતો, અને મોટો ભડકો થયો હતો. આ ભડકો માંડ શાંત થયો ત્યાં રૂપાલા વિવાદ આડે આવ્યો. જેની અસર ક્ષત્રિય વોટબેંક પર પડી. ત્યારે હવે ભાજપે ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવાને બદલે નવી રણનીતિ અપનાવી છે. ગુજરાતમાં અચાનક ગઈકાલથી ચૂંટણી પ્રચારના માહોલ વચ્ચે નવી પોલિટિકલ ગેમ જોવા મળી. તે છે ફોર્મ રદ કરો. ઓપરેશન લોટસ બાદ ગુજરાતમાં ઓપરેશન ફોર્મની એન્ટ્રી થઈ છે. જેમાં ચૂંટણી પહેલા વિરોધી ઉમેદવારના ફોર્મ રદ કરવાનો પેંતરો શરૂ કરાયો છે. આ ગેમમાં અત્યાર સુધી વિરોધ પક્ષના ઉમેદવારો ગેનીબેન ઠાકોર, જેની ઠુમ્મર, ઉમેશ મકવાણા અને નીલેશ કુંભાણીના ફોર્મ રદ કરવા મુદ્દે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. 

12 કલાકમાં ગુજરાતમાં ઓપરેશન ફોર્મમાં શું થયું 
લોકસભાના 3 ઉમેદવારોનું ભવિષ્ય આજે નક્કી થશે. આપ અને કોંગ્રેસના 3 ઉમેદવારોની ઉમેદવારી પર સસ્પેન્સ છે. જેની ઠુમ્મર, ઉમેશ મકવાણા અને નીલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પર આજે સુનાવણી થશે. ફોર્મમાં વાંધા હોવાની ફરિયાદ પર આજે સુનાવણી થશે. એફિડેવિટમાં વિસંગતતાઓને લઈને આજે તેમના ફોર્મ રદ થવા કે નહિ તે અંગે નિર્ણય લેવાશે. તો જેની ઠુમ્મરે ઓછી સંપત્તિ દર્શાવી હોવાનો ભાજપનો આરોપ છે. નીલેશ કુંભાણીના ટેકેદારોની ખોટી સહી હોવાની ફરિયાદ થઈ છે. ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વિસંગતતા હોવાની ફરિયાદ થઈ છે. તો ગેનીબેન ઠાકોરની મિલકતને લઈને પણ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા.

ચૂંટણી પહેલા ઉમેદવારોને પાડી દો 
ગુજરાતમા રાજકારણમાં હવે વિપક્ષને પાડી દેવા માટે તેમના ફોર્મમાં વાંધા ઉઠાવવા અને ફોર્મ રદ કરવાનો નવો ખેલ શરૂ થયો છે. તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિપક્ષના ઉમેદવારો પર વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે જ્યાં માંડ સાંધા ભેગા કરીને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કર્યાં, ત્યાં હવે એ જ ઉમેદવારોને પાડી દેવાનો ખેલ ચાલી રહ્યો છે. જે બતાવે છે કે ભાજપને ચૂંટણી પહેલા જ જીતી જવું છે. 

નિલેશ કુંભાણીના ફોર્મમાં વાંધો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. 

જેની ઠુમ્મરનું ફોર્મ રદ થશે?
ભાજપ દ્વારા જેની ઠુમ્મરના ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જેની ઠુમ્મરના ભવિષ્ય પર આજે ફેંસલો થશે. જેની ઠુમ્મરે ઉમેદવારી ફોર્મમાં મિલકત છુપાવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી છે. હવે આ કેસમાં પણ આજે ચૂંટણી અધિકારી બંનેની ફરી દલીલો સાંભળશે. આ વિવાદ પર વિરજી ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

ભાજપ હાર ભાળી ગઈ છે - શક્તિસિંહ ગોહિલ 
ગુજરાતમાં ગઠબંધનના 14 જેટલા ઉમેદવારોની નાની નાની ભૂલો કાઢી ભાજપે કરેલી અરજી સામે ભાવનગર જિલ્લામાં પ્રસંગોપાત આવેલા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું. ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું કે, ભાજપ હવે હાર ભાળી ગઈ છે એટલે ગુજરાતમાં અમારા ગઠબંધનના 14 જેટલા ઉમેદવારોની નાની નાની ભૂલો કાઢી ફોર્મ રદ કરવાની માંગણી ઓ કરી રહી છે. શક્તિસિંહએ ભાજપ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આખા ગુજરાત માં 14 જગ્યાએ નાની નાની બાબતો લઈ ભાજપ વાંધા અરજીઓ કરવા માં આવી છે.ભાજપ પક્ષ 5 લાખની લીડ તો પછી પણ ભાજપ હાર ભાળી ગયું છે. એટલે અમારા ઉમેદવારોને ફોર્મ રદ કરવા મહેનત કરી રહ્યું છે. ભાજપ સમર્થકોને દબાવીને ફોર્મમાં અમે સહી નથી કરી તેવું પોલીસ જાપ્તા નીચે ફોર્મ રદ કરાવવા દબાણો કરી રહી છે. ફોર્મ ભરતી વખતે ટેકેદારો સાથે હતા કેમેરામાં પણ તેઓ આવ્યા હોવા છતાં પણ કયા કારણોસર તેમને આ એફિડીવેટ કર્યા છે તે એક સવાલ છે. આ અંગે અમારી લીગલ ટીમ તેનો જવાબ આપશે. 

ભાવનગરમા લોકસભા ઉમેદવારના ફોર્મમાં વિવાદ અંગે પ્રતિક્રિયા
ભાવનગર-બોટાદ લોકસભા બેઠકની ચૂંટણીમાં 5 ઉમેદવારોના ફોર્મમા વાંધા આવ્યા છે. આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વિસંગતતાઓ સહિતના મુદ્દે ભાજપએ વાંધા અરજી આપી હતી, ત્યારે એફિડેવિટમાં વિસંગતતાને કારણે આજે 11 વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી ફોર્મ રદ કરવા બાબતે ભાજપની મેલી મુરાદ ગણાવી વખોડી કાઢી હતી. ભાવનગર બોટાદ લોકસભાની બેઠકની ચૂંટણી માટે આજે ફોર્મ ચકાસણી બાદ ઉમેદવારોના 13 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાને એફિડેવિટમાં વિસંગતતાના કારણે જવાબ આપવા આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે, જેમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડમી સાથે બે ફોર્મ ભર્યા હતા. આમા કુલ 19 ઉમેદવારોના 30 જેટલા ફોર્મ ભરાયા હતા. જેના ચકાસણી કરવામાં આવતા 13 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. બંને પક્ષોના ડમી ઉમેદવારો તથા 3 અન્ય પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જ્યારે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિડ માં વિસંગતતાને કારણે વાંધા રજૂ કરવામાં આવતા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ઉમેશભાઈ મકવાણાને આજે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું, જે બાબતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી ફોર્મ રદ કરવાની સમગ્ર ઘટનાને ભાજપની મેલી મુરાદ ગણાવી વખોડી કાઢી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news