રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળ મામલે નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઈ શકે છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્ન ગેરવાજબી છે. કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળ મામલે નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઈ શકે છે

હિતલ પારેખ/  ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્ન ગેરવાજબી છે. કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એને સરકાર ચલાવી લેશે નહી. તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજીને બિનશરતી હડતાળ પાછી ખેચીને માનવસેવાના ઉમદા કામમાં લાગી જવા તબીબોને તેમણે અનુરોધ કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, રેસીડેન્ટ તબીબોની માગણીઓ વ્યાજબી હશે, તો તે માટે તેમની સાથે ચર્ચા કરવા રાજય સરકારનુ મન ખુલ્લુ છે પણ ગેરવ્યાજબી માગણીઓને રાજયસરકાર કયારેય સ્વીકારશે નહી કેમ કે, કોઈપણ સમસ્યા હોય એનુ સમાધાન ચર્ચાથી આવે હડતાળ એ કોઈ ઉપાય નથી. ખોટી રીતે હડતાળ પાડીને માનવીય સેવાઓથી દૂર રહેવુ એ યોગ્ય નથી. પહેલા ફરજ પર હાજર થઈ સેવામાં જોડાઈ જાઓ. ત્યારબાદ સરકાર રેસીડેન્ટો સાથે ચર્ચા કરશે. આ તબીબો હવે વિદ્યાર્થી રહેતા નથી કેમ કે, તેઓએ યુનિવર્સીટીની ડીગ્રી મેળવી તબીબ બની ગયા છે. એટલે એમણે હોસ્ટેલ સત્વરે ખાલી કરીને એમને જે સી.એચ.સી અને જિલ્લા-તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં સેવા માટેના ઉંચા પગાર સાથે ઓર્ડર કર્યા છે એમાં સત્વરે જોડાઈ જવુ જોઈએ.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ/ ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફીથી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થતા રાજયના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે એટલે બોન્ડનો જે વિરોધ કરે છે એ વ્યાજબી અને કાયદેસર નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, હાલમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર ડોક્ટરો તથા પી.જી.ના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રેસીડેન્ટ ડોક્ટરો હડતાલમાં જોડાયા છે. બધા હડતાલમાં જોડાયેલ ડોક્ટરોના હિતમાં છે કે તેઓએ ગેરકાયદેસર હડતાલ પાછી ખેંચી લેવી જોઇએ. અન્યથા રાજ્ય સરકાર દ્વારા તેમની સામે અશિસ્ત બદલ પગલા લેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતની 4 કરોડ જેટલી જનતા તાલુકા મથકો તથા ગામડામાં વસતી હોઇ, આ તાલુકા મથકો તથા ગામડાઓમાં રહેતા દર્દીઓની સારવાર સારી રીતે થાય તે જોવાની રાજ્ય સરકારની ફરજ છે, તેથી દર્દીઓના હિતમાં ડોક્ટરોએ કરેલ ગેરકાયદેસર હડતાલ પાછી ખેંચી લે અને જેમને જ્યાં ફરજ આપી છે ત્યાં તેઓ ફરજ પર જોડાઇ દર્દીઓની સેવામાં પુન: લાગી જાય તેવી અપીલ કરેલ છે.

આ પણ વાંચો:- Ahmedabad: તાકાત હોય તો પકડી બતાવે પોલીસ! 48 કલાક પહેલાં હત્યા કરનારે પછી લૂંટ કરીને પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર
     
તેમણે ઉમેર્યુ કે, રાજય સરકાર દ્નારા તમામ બોન્ડેડ તબીબોને કોવિડ સમયેની ફરજ અન્વયે વધારાના લાભો આપવામાં આવ્યાં હતાં. રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં બોન્ડ મુજબ સેવા આપવા માટે તા. 01/08/2021 થી ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે બોન્ડેડ તબીબ તરીકે સેવા આપવા માટે આદેશો કરવામાં આવ્યા છે. જે બોન્ડેડ પીજી તબીબને બોન્ડ મુક્ત થવું હોય તો જે મેડીકલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હોય ત્યાં નિયત થયેલ બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઇ શકે છે.

પટેલે ઉમેર્યુ કે, વર્ષોથી એપેડેમિક એકટ અમલમાં છે અને આ કાયદામાં જ જોગવાઈ છે સરકાર ઈચ્છે એ તબીબો સહિત અન્ય સેવાના લોકોની સેવાઓ લઈ શકે છે. કોરોનાના કારણે રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં સેવાઓ માટે છૂટછાટો આપી હતી. તેમણે કહ્યુ કે, રાજય સરકારનું લક્ષ્ય છે કે, નાગરિકોને ઉમદા પ્રકારની આરોગ્યલક્ષી સેવા આપીને સારવાર પુરી પાડવી એટલે અમે વિધાનસભામા ખાનગી હોસ્પિટલો માટે હોસ્પિટલ એસ્ટાબ્લીસમેન્ટ એકટ પણ પસાર કર્યો છે જેમા ખાનગી હોસ્પિટલો કેવી હોવી જોઈએ એમાં મળતી સેવાઓ કેવા પ્રકારની હોવી જોઈએ એવી અનેક જોગવાઈઓ આપણે કરી છે જેના પરિણામે આગામી સમયમા દર્દીઓને શ્રેષ્ઠ અને સસ્તી સારવાર મળશે.

તેમણે કહ્યુ કે, તબીબી સેવા એ સમાજની એક ઉમદા સેવા છે. આ હડતાળ ગેરકાયદેસર તથા કોઇપણ પ્રકારના કારણો સિવાયની છે. ત્યારે આ તબીબો પોતાની નૈતિક ફરજ સમજીને ગુજરાતની પ્રજાને આરોગ્ય વિષયક સેવાઓ આપી તેમના સરકારે નિયત કરેલા ફરજના સ્થળે તાત્કાલિક હાજર થઇ જાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news