આ વર્ષે વલસાડી હાફૂસ સુંઘવા મળે તો ય બહુ છે, વાડીઓમાં નુકસાન એટલુ છે કે માર્કેટ સુધી પણ નહિ પહોંચે

વલસાડ જિલ્લામાં હાફુસ-કેસર-રાજાપૂરી સહિતના કેરીના પાકમાં 70 થી 80 ટકાથી વધુ નુકસાની જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. આ વખતે કેરી રસિયાઓને વલસાડની હાફુસ કેરી ખાવા નહિ મળે તે ચોક્કસ છે.
આ વર્ષે વલસાડી હાફૂસ સુંઘવા મળે તો ય બહુ છે, વાડીઓમાં નુકસાન એટલુ છે કે માર્કેટ સુધી પણ નહિ પહોંચે

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લામાં હાફુસ-કેસર-રાજાપૂરી સહિતના કેરીના પાકમાં 70 થી 80 ટકાથી વધુ નુકસાની જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. આ વખતે કેરી રસિયાઓને વલસાડની હાફુસ કેરી ખાવા નહિ મળે તે ચોક્કસ છે.

વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે કેરીના પાકને થયેલા પ્રારંભિક નુકસાનના કારણે પાક ઓછો ઉતરવાની સાથો સાથે સીઝન પણ મોડી થવાની શક્યતા છે. ગત નવેમ્બર ડિસેમ્બર દરમિયાન બદલાયેલા હવામાન વચ્ચે ફ્લાવરિંગના સમયે જ કમોસમી વરસાદના કારણે પાક પર થયેલી અસરના કારણે 40 ટકાથી પણ વધુ નુકસાન ત્યારે થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હતો. ધુમ્મસ અને ગરમીના પગલે પણ કેરીના પાકને અસર પહોંચતાં નાની કેરી ખરી પડી હતી.

વલસાડ જિલ્લાના ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે જણાવ્યુ કે, વલસાડ જિલ્લામાં આ વખતે કુલ 37 હજાર હેક્ટરમાં આંબાવાડીઓમાં પાક લેવામાં આવ્યો હતો. હાલમાં ગરમીના કારણે કેરીના પાકને ખુબ સાચવણી કરવાની જરૂરત ઉભી થઇ છે. ફ્લાવરિંગના સમયગાળામાં આ પરિસ્થિતિ સર્જાયા બાદ નવું બીજા ફાલની ફુટ શરૂ થઇ હતી. તેમાં પણ ગરમીના કારણે ફળને નુકસાન પહોંચતાં ખેડૂતોને મોંઘવારીના સમયમાં મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોની લાચારી સામે આવતાં કેરીના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર આ વખતે પણ સહાયની વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ખેડૂત આલમમાં ઉઠી છે. ઉનાળામાં પણ 30 થી 40 ટકા જેટલું નુકશાન ખેડૂતોને સતાવી રહ્યો છે.

ગરમીના કારણે પણ મોરવા કાળા પડી જતાં નવું ફ્લાવરિંગ ત્યાર બાદ શરૂ થઇ ગયું હતું. તેમાંય જાન્યુઆરીમાં વાદળિયા અને ધુમ્મસિયા વાતાવરણના કારણે તેને ચિકટ લાગી જતાં ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. બદલાતા હવામાનના પગલે આ વર્ષે કેરીના પાકમાં ઘટાડાની સ્થિતિ સામે આવી છે. આટલું ઓછું હોય તેમ 70 થી 80 ટકા નુકસાનની ભરપાઇ કરવા જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે. જેને પગલે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે સરકારને પત્ર લખી વળતરની માંગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news