અમારા મોત માટે ચાર લોકો જવાબદાર... ગાયબ શિક્ષક પરિવારે ઘરમાં છોડેલી ચિઠ્ઠીમાં ખૂલ્યો ભેદ

વડોદરાનો જોશી પરિવાર છેલ્લા 6 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. જોશી પરિવારના 4 સભ્યો ગુમ થતાં તેમના સંબંધીઓ ચિંતિત થયા છે, સાથે જ પોલીસ પરિવારને શોધવા માટે દોડતી થઈ છે.
અમારા મોત માટે ચાર લોકો જવાબદાર... ગાયબ શિક્ષક પરિવારે ઘરમાં છોડેલી ચિઠ્ઠીમાં ખૂલ્યો ભેદ

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાનો જોશી પરિવાર છેલ્લા 6 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. જોશી પરિવારના 4 સભ્યો ગુમ થતાં તેમના સંબંધીઓ ચિંતિત થયા છે, સાથે જ પોલીસ પરિવારને શોધવા માટે દોડતી થઈ છે.

વડોદરાના કપૂરાઈ ચોકડી પાસે આવેલ કાન્હા આકોકોનના ઈ ટાવરના 303 નંબરના ફ્લેટમાં રહેતા રાહુલ જોશી, તેમની પત્ની નીતા જોશી, પુત્ર પાર્થ જોશી અને પુત્રી પરી જોશી 20 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરેથી અજાણ્યા કારણોસર નીકળી ગયા. પરિવાર ફ્લેટમાંથી નીકળતા સમયે સીસીટીવી ફૂટેજમાં પણ દેખાય છે. છેલ્લા દિવસથી પરિવારનો કોઈ પત્તો ન લાગતાં ગુમ રાહુલ જોષીના ડભોઇમાં રહેતા મોટાભાઈ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે ગુમ થનાર પરિવારની તપાસ શરૂ કરી છે. ગુમ થનાર રાહુલનાભાઈ પ્રણવ જોશીએ કહ્યું કે, મારા ભાઈનો પરિવાર આર્થિક સંકડામણમાં મૂકાયો છે, જેને લઈ ઘરેથી ચાલ્યા ગયા હોવાની શક્યતા છે. રાહુલના પિતરાઈભાઈ અને રાહુલની પત્ની નીતાબેનના ભાઈએ પરિવારને ઘરે પરત ફરવા આજીજી કરી છે, સાથે જ કોઈ પણ સમસ્યા હશે તો પરિવાર મદદરૂપ થશે તેવી ખાતરી પણ આપી છે.

આ પણ વાંચો : તમારો વર તમને છોડીને ગર્લફ્રેન્ડ સાથે ગરબા નથી કરતો ને? નવરાત્રિમાં જાસૂસોની ડિમાન્ડ

ગુમ થનાર રાહુલ જોશી વડોદરામાં ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કાન્હા આઇકોનમાં રાહુલ જોશીએ તેઓના મિત્ર નિરવભાઈના નામે ફ્લેટની લોન લીધી હતી, ફ્લેટ 29 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ફ્લેટનો માસિક હપ્તો રાહુલ જોશી અને તેઓના મિત્ર નીરવભાઈ 50% ભરતા હતા. જેથી પોલીસે નાણાં લેણદેણની કોઈ બાબત છે કે કેમ તેને લઈ નીરવ નામના શખ્સની પૂછપરછ પણ હાથ ધરી હોવાની માહિતી છે. રાહુલભાઇના ફ્લેટમાં રહેતા તેમના પાડોશીઓ કહે છે કે ફ્લેટમાં મોટાભાગના લોકો પાસેથી તેમને ઉધાર પર નાણાં લીધા છે, સાથે જ બહારથી પણ નાણાં લીધા હોવાથી લોકો રૂપિયાની માંગ કરવા ઘરે આવતા હતા. રાહુલભાઇ અને તેમના પરિવારનો સ્વભાવ ખૂબ સરસ હતો અને છેલ્લા દોઢ વર્ષથી અહીંયા તેવો રહેતા હતા. પોલીસે આજે પરિવારના સભ્યોને સાથે રાખી રાહુલભાઇના ફ્લેટનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા ઘરેથી 10 પાનાંની ચીઠ્ઠી મળી આવી, તેમજ 1 ચીઠ્ઠી અલગથી મોટા અક્ષરે લખેલી પણ મળી આવી. આ ઉપરાંત ઘરમાંથી 4 મોબાઈલ ફોન પણ મળી આવ્યા. 

આ પણ વાંચો : આગ પર મશાલ રાસ Live! જામનગરમાં યુવાનો ખુલ્લા પગે અંગારા પર રમે છે મશાલ રાસ
 
ગુમ થનાર રાહુલ જોશીએ 10 પાનાંની ચીઠ્ઠીમાં એવું તો શું લખ્યું છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે. ચીઠ્ઠીમાં રાહુલ જોશીએ પરિવારના મોત માટે 4 લોકોને જવાબદાર ઠેરવ્યા છે. ચીઠ્ઠીમાં લખ્યું છે કે, નીરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ મેવાડાને સજા આપો, આ ચારેય અમારા મોત માટે જવાબદાર છે. પોલીસને મળેલી ચિઠ્ઠી હવે ગુમ થવાના કારણ પરથી પરદો ઉઠાવી શકશે. સાથે જ પોલીસ હવે ચીઠ્ઠીમાં જેમના પર આક્ષેપો થયા છે તેમને પૂછપરછ માટે બોલાવશે.

મહત્વની વાત છે કે 6 દિવસ બાદ પણ પરિવારનો પત્તો ન લાગતાં પાણીગેટ પોલીસ ઉપરાંત એસ.ઓ.જી, ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસે પરિવારને શોધવા તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ એ જ ઉઠી રહ્યો છે કે આખરે પરિવાર ગયો તો ક્યાં ગયો??

Trending news