ના હોય! હવે માત્ર એક સેકન્ડમાં કરી શકાશે આંખની તપાસ, એ પણ આટલા નજીવા ખર્ચે

હવે એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં આંખના પડદાની સંપૂર્ણ તપાસ કરી શકાય તેવું અત્યાધુનિક 'અલ્ટ્રા વાઈડ ફિલ્ડ નોન માયડ્રિએટ નોન ટચ ઇમેજિંગ સિસ્ટમ' ઉપલબ્ધ થઈ છે.

ના હોય! હવે માત્ર એક સેકન્ડમાં કરી શકાશે આંખની તપાસ, એ પણ આટલા નજીવા ખર્ચે

અતુલ તિવારી, અમદાવાદ: અત્યાર સુધી આંખનો પડદો ચેક કરાવવો હોય તો આંખમાં ટીપાં નાંખીને કીકી પહોળી થયા બાદ આંખના પડદાની તપાસ ડોક્ટરો દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હવે એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં આંખના પડદાની સંપૂર્ણ તપાસ કરી શકાય તેવું અત્યાધુનિક 'અલ્ટ્રા વાઈડ ફિલ્ડ નોન માયડ્રિએટ નોન ટચ ઇમેજિંગ સિસ્ટમ' ઉપલબ્ધ થઈ છે. આ મશીનને કારણે હવે આંખના પડદાની તપાસ માટે દર્દીએ કીકી પહોળી થવા માટે એક કલાકની રાહ જોવાની જરૂર રહેશે નહીં.

વીટ્રીઓ રેટિના સર્જન અને દેશના પ્રથમ ઓક્યુલર ટ્રોમા ફેલો ડોક્ટર પાર્થ રાણાએ આ આધુનિક મશીન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આંખની તપાસ માટે 'અલ્ટ્રા વાઈડ ફિલ્ડ નોન માયડ્રિએટ નોન ટચ ઇમેજિંગ સિસ્ટમ' લાખોની કિંમતનું તેમજ ઈમ્પોર્ટ કરવું પડતું હોઈ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ક્યાંય ઉપલબ્ધ ન હતું, પરંતુ હવે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના દર્દીઓ માટે આ ખાસ એકમાત્ર મશીન વસાવ્યું છે.. જેની મદદથી આંખની કીકીને ડાયલેટ કર્યા વિના જ આંખના પડદાની 200 ડીગ્રી સુધીની વિસ્તૃત ઇમેજ મળતી હોવાથી 0.3 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં આંખના પડદાની સંપૂર્ણ તપાસ શક્ય બની છે. 

તો અગાઉ આંખની તપાસ માટે 45 મિનિટથી લઈ 1 કલાકનો સમય લાગતો હતો પરંતુ હવે આ આધુનિક મશીનની મદદથી ઉભા ઉભા ગણતરીની સેકન્ડમાં જ દર્દીના આંખની તપાસ કરી શકાશે. તેમજ ડાયાબીટીસ, આંખનો પડદો ફાટી જવો, આંખના પડદાનો ઘસારો, આંખના નંબર ઉતારવા માગતા લોકો માટે આ મશીન મહત્વપૂર્ણ બનશે. 

અગાઉ કીકીને ડાયલેટ કરવા આંખમાં ટીપાં નાખવા પડતા, ત્યારબાદ 12 થી 24 કલાક નજીકનું ઝાંખું દેખાતું અને ફોટો ફોબિયાથી દિવસે તડકામાં અને રાત્રે વાહનોની લાઈટથી આંખનો પ્રકાશ સહન કરી શકાતો ન હતો. દર્દી જોઈ ના શકવાથી એક દિવસની રજા લેવી પડતી જે સમસ્યા હવે આ મશીન દ્વારા થતી તપાસ બાદથી દૂર થશે.

કેટલો થશે ખર્ચ
આ પ્રકારની તપાસ માટે 5 હજારથી 7 હજાર સુધીનો ખર્ચ દર્દીઓને થતો હોય છે પરંતુ માત્ર 700 રૂપિયાની નજીવી કિંમતમાં આ મશીનની મદદથી દર્દીને આંખની તપાસ કરી આપવામાં આવશે, સાથે જ આંખમાં જે સમસ્યા છે તેનો ફોટો પણ ગણતરીની મિનિટમાં દર્દીને આપવામાં આવશે. ત્યારબાદ સારવાર પછીની સ્થિતિ પણ દર્દી ફોટોના માધ્યમથી જોઈ અને સમજી શકશે જેથી દર્દી પોતે પણ જાણી શકશે કે તેની આંખમાં શુ સમસ્યા હતી અને શું સારવાર કરવામાં આવી. આ પ્રક્રિયા આંખની સારવાર કરાવવા ઈચ્છતા દર્દીઓ તેમજ ડોક્ટરોમાં પણ વિશ્વાસનો સેતુ બાંધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news