ખેડૂતોના મુદ્દે હાર્દિક પટેલે કૃષિમંત્રી સાથે કરી મુલાકાત, દેશી કપાસની MSP નક્કી કરવા રજૂઆત કરી
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. આ પત્રમાં હાર્દિક પટેલે વિરમગામ, દસાડા, માંડલ તેમજ ધોળકા, શંખેશ્વર સહિતના દેશી કપાસની ખેતી કરતા ખેડૂતોનું શોષણ અટકાવવા વિનંતી કરી હતી.
Trending Photos
વિરમગામઃ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. ત્યારબાદ સાંજે હાર્દિક પટેલે કૃષિમંત્રી સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલે દેશી કપાસને ટેકાના ભાવમાં સામેલ કરવાની માંગ કરી હતી. કૃષિ મંત્રી સાથે બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યું કે, દેશી કપાસની એમએસપી નક્કી કરાય નથી. દેશી કપાસમાં ખેડૂતોને ન્યાય અપાવવા અને ટેકાનો ભાવ નક્કી કરવા માટે પત્ર લખ્યો હતો. વિરમગામના ધારાસભ્યએ કહ્યું કે દેશી કપાલ-કાલાનો સમાવેશ કેવી રીતે એમએસપીમાં થાય તેની ચર્ચા કૃષિ મંત્રી સાથે કરી છે.
હાર્દિક પટેલે કૃષિમંત્રીને લખ્યો હતો પત્ર
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. આ પત્રમાં હાર્દિક પટેલે વિરમગામ, દસાડા, માંડલ તેમજ ધોળકા, શંખેશ્વર સહિતના દેશી કપાસની ખેતી કરતા ખેડૂતોનું શોષણ અટકાવવા વિનંતી કરી હતી. પહેલા વેપારીઓ પ્રતિ 20 કિલો કા 14 કિલોની ઘડી ગણાતા હતા જે હવે 14.5 કિલોની કરી નાખે છે. એટલું જ નહિ પરંતુ ઉતારો 14.5 કિલોથી ઓછો આવે તો પૈસા કાપી લે છે જ્યારે વધુ આવે તો માત્ર પાસ લખે છે પરંતુ વધુના રૂપિયા આપતા નથી. એટલું જ નહિ ખેડૂતોને પેમેન્ટ 15 દિવસે આપે છે અને જો તરત જોઈએ તો 1000 રૂ. વટાવ લેખે 15 રૂ. કાપી લે છે.
ખેડૂતોનું શોષણ થાય છે
હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને લખેલા પત્રમાં જણાવ્યું કે, દેશી કપાસ ઉગાડતા ખેડૂતોનું તોલમાપમાં વેપારીઓ દ્વારા શોષણ થાય છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા, ધંધૂકા અને લખતર તાલુકામાં દેશી કપાસનું વાવેતર થાય છે. 6 માસમાં કપાસનો પાક તૈયાર થાય છે. જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાની જરુર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોત્સાહન મળે તે જરુરી છે. હજી સુધી આ કપાસનો ટેકામાં સમાવેશ થયો નથી. બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે.
હાર્દિક પટેલે આપી અહિંસક આંદોલનની ચીમકી
હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે, વેપારીઓ દ્વારા દેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં જે બેવડા ધોરણો (એક મણ કાલામાં 14.5 કિલોથી ઉતારો વધારે આવે ત્યારે વધારે ભાવ આપતા નથી અને જો ઉતાપો 14.5 કિલાથી નીચે જાય તો પોઈન્ટ કાપી લે છે) રાખવામાં આવે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. વેપારીઓને તમારી ઓફિસ તરફથી આ સૂચના આપવામાં આવે. આ સાથે હાર્દિક પટેલે કહ્યુ કે જો ખેડૂતોનું શોષણ ચાલુ રહેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરૂ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે