ભાજપમાં કોંગ્રેસવાળી! ગુજરાતમાં 2 મંત્રી સહિત ભાજપના 3 લોકસભા ઉમેદવાર સામે ભડકો

Gujarat Politics : ગુજરાતમાં લોકસભા પહેલાં ભાજપમાં કકળાટ જઈ રહ્યો નથી.  સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે બીજી વખત ઉમેદવાર જાહેર કર્યા બાદ પણ વિરોધ યથાવત રહ્યો છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવાર કાર્યકર્તા પણ ન હોવા છતાં ટિકિટ અપાતા વિરોધ થઈ રહ્યો છે. આ જ સ્થિતિ મનસુખ માંડવિયા અને રૂપાલાની સામે છે. બંને સામે હવે ધીરે ધીરે વિરોધનો વંટોળ જામ્યો છે. 

ભાજપમાં કોંગ્રેસવાળી! ગુજરાતમાં 2 મંત્રી સહિત ભાજપના 3 લોકસભા ઉમેદવાર સામે ભડકો

Loksabha Election 204 : ગુજરાતમાં ભાજપ ભલે 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માટેના દાવા કરી રહ્યું હોય પણ અંદરો અંદરનો કકળાટ ઓછો થી રહ્યો નથી. દર ચૂંટણીમાં કોંગ્રેસમાં થતો કકળાટ હાલમાં ભાજપમાં જોવા મળી રહ્યો છે. ભાજપે 2 લોકસભાની સીટના ઉમેદવારો બદલી દેવાનો પ્રયોગ કરવો પડ્યો છે. આમ છતાં હજુ પણ મોદી સરકારના 2 મંત્રી અને સાબરકાંઠાના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઓછો થયો નથી. ગુજરાતમાં ભાજપે 26 ઉમેદવારો જાહેર તો કરી દીધા છે, હવે આ લોકો ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે. ગુજરાતમાં બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, વલસાડમાં ધવલ પટેલ, આણંદમાં મિતેશ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના નામનો કકળાટ શરૂ થયો હતો. આ ઉમેદવારોએ તો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો પણ ભાજપે ગુજરાતમાં નવા પ્રયોગના ભાગરૂપે સાબરકાંઠા અને વડોદરામાં તો ઉમેદવાર બદલી દીધા છે. આ વર્ષે ભાજપમાં કકળાટ તો કોંગ્રેસમાં ટનાટન ચાલી રહ્યું હોવાનો ઉભરો સોશિયલ મીડિયામાં આજે પરેશ ધાનાણીએ ઠાલવ્યો છે. 

વડોદરાના જ્યોતિબેન પંડ્યા એ તાજેતરનું ઉદાહરણ

વડોદરામાં તો વિવાદ અટક્યો છે પણ સાબરકાંઠામાં નવા ઉમેદવાર સામે પણ વિરોધ શરૂ થઈ ગયો છે. ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે એટલે જાહેરમાં બળાપો કાઢનારને ઘરભેગા થવું પડે છે. વડોદરાના જ્યોતિબેન પંડ્યા એ તાજેતરનું ઉદાહરણ છે. ગુજરાતમાં પુરષોત્તમ રૂપાલા અમરેલીના હોવા છતાં પણ ભાજપે રાજકોટથી ટિકિટ આપી છે. પરશોતમ રૂપાલાનું નામ જાહેર થયા બાદ રાજકોટમાં સી આર પાટીલ અને વિજય રૂપાણી જુથ વચ્ચે, વાંકાનેરમાં ધારાસભ્ય જીતુ સોમાણી અને સાંસદ મોહન કુંડારીયા જૂથ વચ્ચે તો જસદણમાં ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા વચ્ચેનો જુથવાદ પૂરો થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જૂથવાદને કારણે એકબીજાથી અંતર બનાવતા નેતાઓ ક્યારેક સ્ટેજ પર સાથે જોવા મળી રહ્યા છે તો ક્યારેક એક પંગતમાં બેસીને સાથે જમી રહ્યા છે. ભાજપે ચોખ્ખી સૂચના આપી છે કે કોઈ પણ ભોગે 5 લાખની લીડથી જીતવાનું છે પણ રૂપાલાનો બોલકો સ્વભાવ હવે ભાજપને ભારે પડી રહ્યો છે. 

રૂપાલાને બફાટ ભારે પડશે
રૂપાલાએ એક સભામાં બફાટ કરી દીધા બાદ તેમને ભાન થયું કે આ ભૂલ થઈ છે તો પરસોત્તમ રૂપાલાએ પોતાની ટિપ્પણી અંગે માફી માંગી હતી. ક્ષત્રિય સમાજ સામે પોતાના ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ સામે રૂપાલાએ માફી માંગી હતી. માફી માંગતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજના આગેવાનોને મારા રામ રામ, રાજકોટમાં વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં મેં ભાષણ કર્યું હતું. જેનો એક વીડિયો વાયરલ થયો છે. આ બાદ રાજપૂતના સમાજના કેટલાક આગેવાનોએ તેના પર પ્રતિક્રીયા આપી છે. તેઓેએ રોષ પણ વ્યક્ત કર્યો છે. સલાહ પણ આપી છે, આ તમામ આગેવાનોમાં ક્ષત્રિય સમાજના અને રાજવી પરિવારના મારે ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે. હું જે વાત કરતો હતો તેમાં મારો હેતુ વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થતા જુલમોનું નિરૂપણ કરવાનો હતો. રાજવી કે ક્ષત્રિયો અંગે બોલવાનો હેતું ક્યારેય ન હતો. ભવિષ્યમાં પણ નહિ હોય. છતા મારા પ્રવચન થકી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજ માટે મારા દિલમાં ખેવના ધરાવું છું. તેથી તેમની ગરિમાને ઘસાતું બોલવાનો મારો ઈરાદો ન હોય. જોકે, આ વિવાદ હાલમાં અટકે તેવી સંભાવના એટલા માટે ઓછી છે કે, ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાત આંદોલન કરવા અંગેની ચીમકી આપવામાં આવી છે. ટીકા ટીપણીઓ કરી અને માફી માગી લેવી યોગ્ય ન હોવાનું માની ક્ષત્રિય સમાજમાં આ રોષ વધી શકે છે. 

પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઉપલેટા તાલુકાના નવાપરા ગામમાં મનસુખ માંડવીયા વિરુદ્ધ બેનરો લાગ્યા છે. આ બેનરોમાં માંડવીયા સાથે લલિત વસોયા પણ છે. આ પોસ્ટર વોરમાં લોકલ ઉમેદવારની માંગ કરાઈ છે. મનસુખ માંડવિયા મૂળ ભાવનગરના છે. જેઓને ભાજપે પોરબંદરથી ટિકિટ આપી છે. આ જ સ્થિતિ વલસાડમાં ધવલ પટેલ સામે છે. જેઓ મૂળ સુરતી છે પણ ભાજપે વલસાડથી ટિકિટ આપતાં આયાતી ઉમેદવારનો થપ્પો લાગ્યો છે. આ જ સ્થિતિ મનસુખ માંડવિયાની છે.  પોસ્ટરમાં આક્ષેપો છે કે આપણું કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે...? પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર, પોરબંદર લોકસભામાં નહિ ફાવે આયાતી ઉમેદવાર, મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે એ કોણ સાથેના લાગ્યા બેનર... નવાપરા ગામમાં વિવિધ જગ્યા પર પોસ્ટરો લાગતાં ભાજપે પણ આ મામલે સતર્કતા દાખવી છે. માંડવિયા હાલમાં પોરબંદરની ગલિયો ખૂંદી રહ્યાં છે. ભાજપે અહીં માંડવિયાની જીત માટે માણાવદરથી લાડાણી અને પોરબંદરથી મોઢવાડિયોનો ખેલ પાડ્યો છે.  સ્થાનિક ઉમેદવારની માંગ સાથે લોકોમાં રોષનો જુવાળ ભભૂકતાં મનસુખ માંડવિયા પણ એલર્ટ બન્યા છે. 

સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા સામે રોષ
ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે . જેને પગલે ભીખાજીના સમર્થકોમાં રોષ ફેલાયો છે. નવા ઉમેદવારની જાહેરાત પછી જ સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ છે. ભીખાજીની ટિકિટ કાપવામાં પ્રફુલ પટેલની  મુખ્ય ભૂમિકા હોવાનું ભીખાજીના સમર્થકો માની રહ્યા છે. જેથી પ્રફુલ પટેલ સામે સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપી દેતા હવે વિવાદ સપાટી પર આવ્યો છે. જો ભાજપમાંથી ટિકિટ લેવી હોય તો શોર્ટ કટ રસ્તો એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવું. આ લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તો સોશિયલ મીડિયામાં એક ઓડિયો પણ વાયરલ થઈ છે. ભીખાજીએ મીડિયા સામે કબુલાત કરી હતી કે, તેમને પોતાની ઇચ્છાથી નહીં પરંતુ ભાજપ પક્ષની સૂચના મુજબ જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર રોકવા પક્ષમાંથી સૂચના આવી હોવાની ભીખાજીએ કબુલાત કરી હતી. ભીખાજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, ચૂંટણી નહીં લડવાના નિર્ણયથી દુઃખી છું. સ્વચ્છ પ્રતિભા, વિસ્તારમાં કરેલી કામગીરી જોઈ પક્ષે મોકો આપ્યો હતો. પરંતુ કેટલાક લોકોની હેરાનગતિથી આ નિર્ણય લેવાયો હોવાનું તારણ આપ્યું હતું. તેમને કહ્યું કે, મારો કોઇ ગૉડફાધર ના હોવા છતા મેં રાજકીય ઓળખ બનાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news