ભીખાજી ઠાકોરની ટિકિટ કાપવામાં પ્રફૂલ પટેલ વિલન? સાબરકાંઠામાં ફરી ભડકો

Gujarat Politics : સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરનુ પત્તુ કાપીને એક સમયના કોંગ્રેસી મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષક પત્નીને ટિકિટ અપાતાં વિરોધ વધ્યો છે, ત્યારે આ આગ કોણે લગાવી તે અંગે રાજકારણ ગરમાયું

ભીખાજી ઠાકોરની ટિકિટ કાપવામાં પ્રફૂલ પટેલ વિલન? સાબરકાંઠામાં ફરી ભડકો

Loksabha Election 204 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદ અટકવાનું નામ લઈ રહ્યું નથી. હવે એવા નેતાઓ એક એવા સ્ટેજ પર ભેગા થઈ રહયાં છે. જેઓએ વર્ષો સુધી એકબીજાનો વિરોધ કર્યો હોય પણ એકબીજાની પાડી દેવા ખેલ રચ્યા હોય, બંને એકબીજાની પોલ જાણતા હોય પણ હવે એક જ સ્ટેજથી એકબીજાનો હાથ પકડીને એક જ મંચ પરથી મતદારોએ અપીલ કરી રહ્યાં છે. આ હવે સામાન્ય થઈ ગયું છે. ગુજરાતમાં ઓપરેશન લોટસ બાદ ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે. જેના લાભ અને ગેરલાભ બંને લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યાં છે. ગુજરાતની સાબરકાંઠા બેઠક પર ભાજપના ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયા બાદ એક સમયના કોંગ્રેસી મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષક પત્નીને ટિકિટ અપાતાં વિરોધ વધ્યો છે. ભાજપ શિસ્ત બદ્ધ પાર્ટી હોવાથી વિવાદો બહાર આવી રહ્યાં નથી પણ અરવલ્લી જિલ્લાના ભાજપના ગ્રૂપોમાં પ્રફૂલ પટેલ ટાર્ગેટ બની રહ્યાં છે. દીવ-દમણ અને લક્ષદ્રીપના પ્રભારી એવા પ્રફૂલ પટેલના કારણે ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયાના બુમરાણ મચી રહી છે.  

મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ

ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે . જેને પગલે ભીખાજીના સમર્થકોમાં રોષ ફેલાયો છે. નવા ઉમેદવારની જાહેરાત પછી જ સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ છે. ભીખાજીની ટિકિટ કાપવામાં પ્રફુલ પટેલની  મુખ્ય ભૂમિકા હોવાનું ભીખાજીના સમર્થકો માની રહ્યા છે. જેથી પ્રફુલ પટેલ સામે સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપી દેતા હવે વિવાદ સપાટી પર આવ્યો છે.

આ લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ

જો ભાજપમાંથી ટિકિટ લેવી હોય તો શોર્ટ કટ રસ્તો એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવું. આ લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તો સોશિયલ મીડિયામાં એક ઓડિયો પણ વાયરલ થઈ છે. ભીખાજીએ મીડિયા સામે કબુલાત કરી હતી કે, તેમને પોતાની ઇચ્છાથી નહીં પરંતુ ભાજપ પક્ષની સૂચના મુજબ જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર રોકવા પક્ષમાંથી સૂચના આવી હોવાની ભીખાજીએ કબુલાત કરી હતી. ભીખાજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, ચૂંટણી નહીં લડવાના નિર્ણયથી દુઃખી છું. સ્વચ્છ પ્રતિભા, વિસ્તારમાં કરેલી કામગીરી જોઈ પક્ષે મોકો આપ્યો હતો. પરંતુ કેટલાક લોકોની હેરાનગતિથી આ નિર્ણય લેવાયો હોવાનું તારણ આપ્યું હતું. તેમને કહ્યું કે, મારો કોઇ ગૉડફાધર ના હોવા છતા મેં રાજકીય ઓળખ બનાવી છે. 

  • સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર સામે કાર્યકરોનો રોષ
  • સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકરનો ઓડિયો વાયરલ
  • કાર્યકરોએ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો રોષ
  • કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ મળતાં ભારે રોષ
  • નવા ઉમેદવારોની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં વોર શરૂ

સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર સામે ભાજપના જ કાર્યકરો કોઈના કોઈ માધ્યમથી વિરોધ નોંધાવી રહ્યા છે, પહેલાં ભાજપે અરવલ્લી જિલ્લાના ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી બાદ તેમનો વિરોધ થતા ભાજપે ટિકિટ પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી, બાદમાં ભાજપે મહિલાને ટિકિટ આપી છે, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહના ધર્મપત્ની શોભના બાને ટિકિટ અપાતાં તેમનો પણ વિરોધ થઈ રહ્યો છે. 

  • અરવલ્લીમાં ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટનો મામલો
  • ભીખાજી ઠાકોરે ફેસબુક પર પોસ્ટ મૂકી કર્યો ખુલાસો
  • હું ભાજપ છોડીને અન્ય કોઈપણ પક્ષમાં જોડાવાનો નથી
  • કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા
  • ભીખાજીએ પોસ્ટ મૂકી કોંગ્રેસમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો

મહત્વનું છે કે ગઈકાલે ભીખાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાવાના છે તે અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ હતી. ભીખાજી ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. જેમણે જણાવ્યું હતું કે, હું ભાજપ છોડીને અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો નથી. જેઓએ બીજા પક્ષમાં જોડાવાની વાતને માત્ર અફવા ગણાવી હતી. ભીખાજી ઠાકોર (ડામોર) અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે. આ સાથે જ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ ધરાવે છે. ભાજપે અરવલ્લી જિલ્લામાંથી જ ઉમેદવારની પસંદગી કરી હતી. ભીખાજી ઠાકોરની ટિકિટ કપાતાં તેમના સમર્થકોએ 2 દિવસ પહેલાં જ ભાજપ તારા વળતાં, ભીખાજી નહીં તો ભાજપ નહીં ના પોસ્ટરો સાથે રેલી પણ કાઢી હતી. ગુજરાતમાં સાબરકાંઠામાં સતત વિરોધ વધી રહ્યો છે. ભાજપે મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપી છે. 

કોણ છે શોભનાબેન બારૈયા? જાણો
લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે સાબરકાંઠા બેઠક પર મેદાને ઉતાર્યા છે એ શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિવારના પુત્રી શોભનાબેન બારૈયા ખુદ પણ શિક્ષિકા છે. તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 30 વર્ષથી તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓએ ચૂંટણી લડવા માટે રાજીનામું ધર્યું છે. શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા પણ પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહેન્દ્રસિંહ બારૈયા આ પહેલા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રહી ચૂક્યા છે. 

કોણ છે પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ
હાલ પ્રફૂલ ખોડાભાઈ પટેલ લક્ષદ્વીપના કર્તાહર્તા છે. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે પ્રફૂલ પટેલ થોડા સમય માટે રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. ડિસેમ્બર 2020માં લક્ષદ્વીપના તત્કાલિન પ્રશાસક દિનેશ્વર વર્માના નિધનના કારણે પ્રફૂલ પટેલને પદભાર સોંપવામાં આવ્યો હતો. પ્રફૂલ પટેલ એવા નેતાઓમાં સામેલ છે જેમના પર પીએમ મોદીને ખુબ ભરોસો હોય છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા વર્ષની શરૂઆતમાં પ્રફૂલ પટેલના આગ્રહ  પર જ લક્ષદ્વીપના પ્રવાસે પહોંચ્યા હતા. પ્રફૂલ પટેલ ત્યાંના પ્રશાસક બન્યા બાદ સતત તેઓ ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લાગેલા છે. જેથી કરીને તેને ભારતના અન્ય સ્થળો સાથે સારી રીતે જોડી શકાય. 

સીએમ રેસમાં નામ ઉછળ્યું હતું
ગુજરાતમાં જ્યારે વિજય રૂપાણીનું રાજીનામું પડ્યું હતું ત્યારે કોઈ પાટીદાર ચહેરાના કમાન સોંપવાની વાતો ચાલતી હતી અને તે વખતે પણ પ્રફૂલ પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. કારણ કે અગાઉ તે રાજ્યના રાજકારણમાં સક્રિય રહી ચૂક્યા હતા. તેઓ વિધાયક  હોવાની સાથે સાથે મંત્રીની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. પ્રફૂલ પટેલ ઓગસ્ટ 2010થી લઈને ડિસેમ્બર 2012 સુધી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news