ખેલ ખેલમાં મદારીઓ કરી ગયા મોટો ખેલ! એક પરિવારના દાગીના નજર સામે જ ગુમ કરી રફુચક્કર
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામે પાંચ મહિના પહેલા વિધી કરવાના બહાને સોના-ચાંદીના દાગીના સાથે છેતરપીંડી કરી ભાગી ગયેલા પાંચ આરોપીઓને કાલોલ પોલીસે ઝડપી પાડયા છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: મદારીનો ખેલ તો આપણે સૌએ જોયો જ છે. પરંતુ આ મદારીઓ ખેલ ખેલમાં એવો ખેલ કરી ગયા કે એક પરિવારના દાગીના નજર સામે જ ગાયબ કરી પોતે પણ રફુચક્કર થઈ ગયા. પંચમહાલથી સામે આવેલા આ ચકચારી કિસ્સાની શુ છે હકીકત?
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામે પાંચ મહિના પહેલા વિધી કરવાના બહાને સોના-ચાંદીના દાગીના સાથે છેતરપીંડી કરી ભાગી ગયેલા પાંચ આરોપીઓને કાલોલ પોલીસે ઝડપી પાડયા છે. પાંચ મહિના પહેલા મદારીનો ખેલ કરવા આવેલા ઈસમોએ તમારા ઘરના સોના-ચાંદીના દાગીના પર કોઈની નજર બગડી છે તો એની વિધી કરવાને બહાને છેતરપીંડી આચરીને દાગીના સાથે ભાગી ગયેલા પાંચ આરોપીઓને કાલોલ પોલીસે પાંચ મહિનાની સતત વોચ બાદ ઝડપી પાડ્યા છે.
કરાના મુવાડા ગામમાં પાંચ મહિના પહેલા મદારીના વેશમાં આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ ગામમાં મદારીનો ખેલ બતાવતા બતાવતા અર્જુનસિંહ ચૌહાણ નામના વ્યક્તિ ના ઘરે પહોંચ્યા હતાં. અહીં આવ્યા હતા બાદ વિવિધ તરકીબો બતાવી પરિવાર ને સંમોહિત કરી જણાવ્યું હતું કે તમે પહેરેલા અને ઘર માં મૂકી રાખેલા દાગીના પર કોઈકે મેંલી વિદ્યા કરી છે અને તેના કારણે તમારા દીકરા પર જોખમ છે જે મુશ્કેલી માં મુકાઈ શકે અથવા તેનું મૃત્યુ પણ થઈ શકે છે.મદારી પર વિશ્વાસ કરી અર્જુનસિંહ અને તેમના પરિવારે આ આફત માંથી ઉગારવા મદારીઓને ઉપાય બતાવવા જણાવ્યું.
મદારી ટોળકીએ તકનો લાભ લઇ ઉપાય બતાવતા કહ્યું કે તમારા સોના ચાંદીના તમામ દાગીના એક ઘડામાં ભરી લાવો પછી મદારીએ એની પર વિધિ કરી અને હાથ ચાલાકીથી દાગીનાની પોટલી બદલી બીજી જ વસ્તુ ઘડામાં મૂકી ઉપર લાલ કપડાંથી બંધ કરી દીધુ અને જણાવ્યું કે સાત દિવસ સુધી આને તિજોરીમાં મૂકી દો અને ખાસ વાત કે આને ખોલતા નહિ આઠમા દિવસે ફોન કરી ખોલજો. અર્જુનસિંહ અને પરિવારે જ્યારે આઠમા દિવસે ફોન લગાવ્યો તો લાગ્યો નહિ અને ત્યારબાદ સતત ચાર પાંચ દિવસ ફોન લગાવ્યો પણ મદારી ટોળકી નો કોઈ સંપર્ક ન થતા આખરે પરિવારે ઘડામાં મુકેલ દાગીના ખોલીને જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘડામાં દાગીના જ ગાયબ હતાં.ઘણા દિવસો સુધી મદારી ટોળકીનો સંપર્ક ન થતા આખરે ભોગ બનેલા અર્જુનસિંહે સમગ્ર ઘટના અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કાલોલ પોલીસે પણ ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ આરંભી ટેક્નિકલ અને હ્યુમન સોર્સ કામે લગાડતા મદારી ટોળકી અને દાગીના અંગે ભાળ મળી હતી.પોલીસે તે દિશા માં સઘન તપાસ અને શંકાસ્પદ ઈસમો સામે આકરી પૂછપરછ નો દોર શરૂ કરતાં પોલીસ ને હકીકત મળી હતી કે મદારીના વેશમાં આવેલ ત્રણ ઈસમો તથા અન્ય બે સાગરીતો મળીને કુલ પાંચ આરોપીઓ બાલાસિનોર પાસે આવેલ હાંડીયા ચોકડી પાસે ભેગા થઈ નજીકના ગામોમાં મદારીનો ખેલ બતાવવા જાય છે.
તેવી બાતમીને આધારે કાલોલ પોલીસે સ્ટાફના માણસો સાથે બાતમી મુજબના સ્થળે તપાસ કરતા બાતમી મુજબના ઈસમોને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન લાવીને પાંચેય ઇસમોની અલગ-અલગ પુછપરછ કરતાં છેતરપીંડી કરીને લઈ ગયેલ સોના ચાંદીના પૈકી ચાંદીના દાગીના રાજુનાથ ચતુરનાથ મદારી (રહે. જુના હાંડીયા, ચોકડી પાસે તા-બાલાસિનોર જી-મહિસાગર)ના ઘરમાં સંતાડી રાખેલ છે તેવી કબૂલાતને આધારે પોલીસે રાજુનાથ મદારીના ઘરે જઈ ઝડતી તપાસ કરતાં રૂ. ૩૬, ૦૦૦ની અંદાજીત રકમના ચાંદીના દાગીનો મુદામાલ મળી આવ્યો હતો.
કાલોલ પોલીસે મુદ્દામાલ રીકવર કરી લોકો સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીનો ગુન્હો આચરીને પાંચ મહિનાથી ફરારને અંતે પકડાયેલ આરોપીઓ (૧) રાજુનાથ ચતુરનાથ મદારી (૨) સાવનનાથ રાજુનાથ મદારી (૩) કરણનાથ રાજુનાથ મદારી (૪) સાગરનાથ રાજુનાથ મદારી (ચારેય રહે. જુના હાંડીયા, તા-બાલાસિનોર જી-મહિસાગર) અને (૫) પ્રેમનાથ નટવરનાથ મદારી (રહે. કપડવંજ, કરશનપુરા ફળીયું તા-કપડવંજ જી.ખેડા)ની અટકાયત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ બાકીના દાગીના શોધવા તેમજ અન્ય કેટલા લોકો સાથે આવી છેતરપિંડી કરી છે તે દિશા ના વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે