OBC પંચ સાથે પાટીદારોની બેઠક પૂર્ણ, અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલનનો લલકાર

અનામતની માગણી સાથે ગાંધીનગર પહોંચેલા પાસના કન્વીનરોએ ઓબીસી પંચના અધ્યક્ષા સુજ્ઞાબેન ભટ્ટ સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને પાટીદારોનો સરવે કરવા રજૂઆત કરી હતી 

OBC પંચ સાથે પાટીદારોની બેઠક પૂર્ણ, અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલનનો લલકાર

ગાંધીનગરઃ મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત અંગેનું બિલ વિધાનસભામાં પસાર થઈ ગયા બાદ ગુરૂવારે પાટિદાર નેતાઓ અનામતની માગણી સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. હાર્દિક પટેલ અન્ય ક્યાંક મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આવ્યો ન હતો. તેના બદલે પાસના કન્વીનર મનોજ પનારા, ગીતા પટેલ, ધાર્મિક માલવીયા, જયેશ પટેલ સહિતના પાટીદારો ઓબીસી કમિશનની ઓફિસે પહોંચ્યા હતા. 

અહીં ઓબીસી પંચના અધ્યક્ષા સુજ્ઞાબેન ભટ્ટ સાથે પાટીદારોની એક કલાક લાંબી મેરાથોન બેઠક ચાલી હતી. આ બેઠકમાં ધાર્મિક માલવીયા અને મનોજ પનારાએ પાટીદારોને અનામત કેવી રીતે મળી શકે છે તેના અંગે વિવિધ રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું કે, પાટીદારોને બંધારણીય ધોરણે અનામત જોઈએ છે. આ માટે રાજ્ય સરકારે પાટીદાર સમાજનો સરવે કરવો જોઈએ. 

ઓબીસી પંચના અધ્યક્ષા સાથે બેઠક બાદ બહાર આવેલા પાટીદાર નેતાઓ તરફથી પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે, "પાટીદારોને બંધારણીય રીતે અનામત મળે તેના માટે અમે ઓબીસી પંચને રજૂઆત કરી હતી. જો મહારાષ્ટ્રમાં મરાઠાઓને વર્તમાન 52% અનામત સિવાય અલગથી અનામત મળી શકતી હોય તો ગુજરાતમાં પાટીદારો માટે પણ સરકાર વિચારી શકે છે."

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે, "રાજયના અલગ અલગ વિસ્તારોમાં પાટીદારો અલગ નામથી ઓળખાય છે. આથી, ઓબીસી પંચ સાથે તેના માટે ચર્ચા કરવામાં આવી છે. આવતા દિવસોમાં કમિશન જે કોઈ પણ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે બોલાવશે તેના માટે અમે તૈયાર છીએ. અમે ઓબીસીમાં અનામતની માગણી કરી છે. પાટીદાર આંદોલનમાં અનેક યુવાનો શહીદ થયા છે. જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે".

ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે ગુરૂવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને 16 ટકા અનામત આપવા માટેનું બિલ સર્વસંમતિથી પસાર થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને ત્યાં ચાલી રહેલી વર્તમાન 52% અનામત સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કર્યા વગર મરાઠાઓને અનામત આપવાની છે. 

મરાઠાઓને અનામત મળી જતાં પાટીદાર આંદોલન સમિતિના નેતાઓ ધાર્મિક માલવિયા, મનોજ પનારા, ગીતા પટેલ, જયેશ પટેલ સહિતના નેતાઓ આવેદનપત્ર લઈને  ઓબીસી પંચના અધ્યક્ષને મળવા માટે ગાંધીનગર ખાતે આવેલી કચેરીએ પહોંચ્યા હતા. 

પાટીદાર નેતાઓનું કહેવું છે કે, રાજ્યમાં પાટીદારોને પણ એક સરવે કરવામાં આવે અને તેનો એક સમગ્ર રિપોર્ટ તૈયાર કર્યા બાદ અનામત આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન સમિતી (પાસ) છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાટીદારોને અનામત આપવા માટે રાજ્યમાં આંદોલન ચલાવી રહ્યા છે. પાટીદાર આંદોલનનું નેતૃત્વ હાર્દિક પટેલ કરી રહ્યો છે. 

પાટીદાર આંદોલનના એક અન્ય નેતા લાલજી પટેલે આ અંગે જણાવ્યું કે, "મરાઠાને 2 વર્ષના આંદોલનમાં અનામત મળી ગઈ છે. એ વાતનો આનંદ છે પરંતુ, ગુજરાતમાં સાડા ત્રણ વર્ષથી પાટીદારો આંદોલન ચલાવી રહ્યા છે છતાં અનામત મળી નથી. ગુજરાતની બહેરી મૂંગી સરકાર અનામત આપતી નથી. લોકસભા ચૂંટણી પહેલા અનામત નહીં મળે તો આંદોલનો કરીશું. સરકારને અનામત આપ્યા વગર છૂટકો નથી. સમગ્ર સવર્ણ સમાજને ભેગા કરીને અમારી લડત ચાલુ રાખીશું. ભાજપ સરકાર બે ધારી નીતિ રાખે છે.  મરાઠા ને ન્યાય, અમને અન્યાય, આવું કેમ? અમે આંદોલન કરીને સરકારને બાનમાં લઈશું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news