આજે વડાપ્રધાન મોદી કરશે પોતાના ડ્રિમ પ્રોજેક્ટ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ

આજે દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરીને દેશને સમર્પિત કરશે. 

 આજે વડાપ્રધાન મોદી કરશે પોતાના ડ્રિમ પ્રોજેક્ટ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ

નર્મદાઃ આજે સમગ્ર ભારતવાસીઓ માટે ગૌરવનો દિવસ છે. દેશના લોખંડી પુરૂષ અને દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા નદીના કિનારે આવેલા સરદાર સરોવર ડેમના સાધુ બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની 182મી મીટર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવાના છે. આ લોકાર્પણની સાથે જ એક ઈતિહાસ બની જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન મોદી ગુજરાત આવી ગયા છે. તેઓ સવારે 9 કલાકે કેવડિયા કોલોની પહોંચશે. 

બપોર સુધી દેશની આન-બાન-શાન કહેવાય તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થઈ ગયું હશે. જે લોકોએ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવાના ખ્વાબ સેવ્યા હશે, અને ત્યાં સુધી જઈ શક્યા ન હોય, તેવા લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઈ અજાયબીથી ઓછું નથી. 182 મીટરની પ્રતિમાના 135 મીટરની ઊંચાઈ પર બનેલી વ્યૂઈંગ ગેલેરી પર બેસીને નીચેનો નજારો કદાય ભારતના એકપણ સ્પોટ પર જોવા મળતો ન હોય. તેથી અનેક લોકો આ પ્રતિમા જોવા માટે તલપાપડ હશે. 

— ANI (@ANI) October 30, 2018

વડાપ્રધાન મોદીનો આજનો સંપૂર્ણ કાર્યક્રમ
સવારે 9 વાગ્યે કેવડિયા પહોંચશે PM નરેન્દ્ર મોદી
વડોદરા ઉતરાણ કરી સીધા કેવડિયા જાય તેવી શક્યતા
કેવડિયા પહોંચ્યા બાદ વેલી ઓફ ફ્લાવર પહોંચશે PM 
વેલી ઓફ ફ્લાવરની મુલાકાત બાદ ટેન્ટ સિટીની લેશે મુલાકાત
બન્ને સ્થળોએ 15 થી 20 મિનિટ સુધી કરશે નિરીક્ષણ
ટેન્ટ સિટીની મુલાકાત બાદ મુખ્ય કાર્યક્રમમાં  આપશે હાજરી
1 કલાક સુધી ચાલશે મુખ્ય કાર્યક્રમ
મુખ્ય કાર્યક્રમ બાદ સરદાર પટેલની પ્રતિમા તરફ થશે રવાના
રસ્તાની બન્ને બાજુએ જુદી જુદી ઝાંખીઓ કરશે રજૂ
અન્ય રાજ્યોની સંસ્કૃતિ અંગે દર્શાવાશે ઝાંખી
સૌ પ્રથમ વોલ યુનિટીનું PM મોદીના હસ્તે થશે લોકાર્પણ
લોકાર્પણ બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે
પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એક્ઝીબિશનની લેશે મુલાકાત
એક્ઝિબિશન બાદ લિફ્ટ મારફથે વ્યૂઇંગ ગેલેરી પહોંચશે
PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ આશરે ત્રણ કલાકનો રહેશે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી મોટી પ્રતિમા હશે. તેની ઉંચાઈ 182 મીટર છે. અત્યારે વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્પ્રિંગ ટેમ્પલ છે, જે ચીનમાં આવેલું છે. તેની ઉંચાઈ 153 મીટર છે. ત્યારબાદ જાપાનની ઉશિકુ દાઇબુત્સુ 120 મીટરની સાથે વિશ્વની બીજી સૌથી ઉંચી પ્રતિમા છે. અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 93 મીટર સાથે વિશ્વની ત્રીજી સૌથી ઉંચી પ્રતિમા છે. ત્યારબાદ ધ મધરલેન્ડ કોલ્સ રશિયામાં આવેલી છે. તેની ઉંચાઈ 85 મીટર છે. 36.6 મીટરની ઉંચાઈની સાથે બ્રાઝિલનું ક્રાઇસ્ટ ધ રીડીયર વિશ્વની પાંચમી સૌથી ઉંચી પ્રતિમાં છે.   

નિર્માણ સામગ્રી 
કોંક્રિટ - 75,000 ક્યુબિક મીટર
સ્ટીલનું માળખું - 5,700 મેટ્રિક ટન 
રિઈન્ફોર્સ્ડ સ્ટીલના સળિયા - 18,500 ટન 
તાંબાનું પતરું - 22,500 ટન 

નિર્માણ સ્થળની ખાસિયતો 
- સરદાર પટેલની મૂર્તિ બહારથી દેખાવમાં તાંબાના પતરાની બનેલી દેખાશે 
- મુસાફરોને બહાર નિકળવાનો સમય ઘટાડવા માટે ફાસ્ટ એલેવેટર્સ લગાવાશે 
- વિશાળ મ્યુઝિયમ/ પ્રદર્શન હોલ જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને દેશ માટે આપેલા યોગદાનની પ્રદર્શની હશે 
- સરદાર પટેલની યાદમાં એક સુંદર બગીચો પણ બનાવવામાં આવશે 

ઓબ્ઝર્વેશન ડેસ્કમાંથી દેખાશે અદભૂત નજારો 
નદીથી 500 ફૂટની ઊંચાઈએ એક ઓબ્ઝર્વેશન ડેસ્ક બનાવાશે, જેમાં એકસાથે 200 લોકો સમાઈ શકશે. અહીંથી લોકોને સતપુડા અને વિંદ્યાચલની પર્વતમાળાનો સુંદર નજારો દેખાશે, 212 કિમી લાંબો સરદાર સરોવર ડેમનો સંગ્રહક્ષેત્ર જોવા મળશે અને 12 કિમી લાંબો ગરૂડેશ્વર સંગ્રહસ્થળ પણ અહીંથી દેખાશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસન સ્થળ પણ બનશે 
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ કરવામાં આવનારો છે. વિશ્વની સૌથી મોટી મૂર્તિ જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓની સગવડનું પણ અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમના માટે એક વિશાળ પબ્લિક પ્લાઝા જેમાં બેસીને તમને નર્મદા નદી અને મૂર્તિ બંને જોવા મળશે. અહીં ફૂડ સ્ટોલ, ગિફ્ટ શોપ્સ, છૂટક દૂકાનો અને અન્ય મનોરંજનની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

બુર્જ ખલિફા ઈમારતની જેમ દર્શાવવામાં આવશે ફિલ્મ
આ સાથે સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દુબઈની બુર્જ ખલિફા ઈમારતની માફક ફિલ્મ દર્શાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. જેમાં જર્મન ટેકનોલોજીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ફિલ્મ બતાવવામાં આવશે. દુબઈની બુર્જ ખલિફામાં દરરોજ અલગ-અલગ પ્રોજેક્શન મેપિંગથી દર્શાવાતી ફિલ્મ તેમજ પ્રસંગોપાત વિવિધ ખાસ પ્રકારની થીમ પર દર્શાવાતી ફિલ્મની  જેમ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પણ ફિલ્મ બતાવવામાં આવશે.

કેવી રીતે પહોંચવું
નર્મદાથી સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ છે. જે વડોદરાથી 90 કિલોમીટરની આસપાસ છે. વડોદરા એરપોર્ટ પરથી અન્ય રાજ્ય સાથે કનેક્ટેડ અનેક ફ્લાઈટ્સ છે. જો તમે ટ્રેનથી જવા માંગતા હોવ તો નર્મદા જિલ્લા પાસે બ્રોડગેજ રેલવે કનેક્ટિવિટી છે, જેનું નજીકનું રેલ્વે સ્ટેશન અંકલેશ્વર છે. અંકલેશ્વર લોંગ રુટ તથા મોટા સ્ટેશન સાથે કનેક્ટેડ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી ઉભી રહે છે. તે જિલ્લાનું કેન્દ્ર રાજપીપળાથી 65 કિ.મી.ના અંતરે છે.

રોડ દ્વારા 
રોડ ટ્રીપના શોખીનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાનો રસ્તો બહુ જ એડવેન્ચરસ બની રહેશે. વડોદરાથી નર્મદા જવાના માર્ગે એન્ટ્રી કરશો તો આજુબાજુ એવન્યુ જેવા રસ્તાઓ જોવા મળશે.રાજ્યનું સેન્ટર નર્મદા જિલ્લાનો હાઈવે નંબર 11 દ્વારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર પહોંચી શકાય છે. જો તમે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવી રહ્યા હોવ તો મુંબઈથી નેશનલ હાઈવે નંબર 48થી સ્ટેટ હાઈવે 64 લેવો. જ્યાંથી આગળ વધી શકાય છે. 

ટિકીટનો ખર્ચ કેટલો
નર્મદા ડેમ કે દક્ષિણ ગુજરાત ફરવા જતા પરિવારો માટે આ ઉત્તમ પીકનીક સ્પોટ બની રહેવાનું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો ખર્ચ વધુ નહિ આવે. યુવતીઓ તેમના એક ટોપ અને યુવકો તેમના એક શર્ટની કિંમતમાં તેને નિહાળી શકશે. માત્ર 500 રૂપિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈ શકાશે. જેમાં બસ ટિકીટના 30 રૂપિયા, એન્ટ્રી ટિકીટના 120 રૂપિયા  (12 વર્ષ સુધીની વ્યક્તિની 60 રૂપિયા ) અને વ્યૂઈંગ ગેલેરી નિહાળવાના 350 રૂપિયા સામેલ છે. 

કેવી રીતે ટિકીટ બુક કરાવશો
રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન ટિકીટ બુકિંગની વ્યવસ્થા કરાઈ છે. www.soutickets.in નામની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ટિકીટ ઓનલાઈન બૂક કરાવી શકાશે. બુકિંગની શરૂઆત 27 ઓક્ટોબરથી જ થઈ ગઈ છે. આ ઉપરાંત સ્ટેચ્યુ પાસેની ઓફિસમાં જઈને પણ ટિકીટ લઈ શકાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news