રાજકોટમાં ઓક્સિજન ઉત્પાદનો બહાર ચોકીપહેરો, કલેક્ટરે તમામ એકમો પોતાના કબજામાં લીધા

રાજકોટમાં ઓક્સિજન ઉત્પાદનો બહાર ચોકીપહેરો, કલેક્ટરે તમામ એકમો પોતાના કબજામાં લીધા
  • સિટી સ્કેન કરતી લેબોરેટરી અને ઓક્સિજન સિલિન્ડર વિક્રેતાને ત્યાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાયું
  • સરકારે નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ વસુલ કરતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ કલેક્ટરે જાહેરાત કરી

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ઓક્સિજનની અછતના મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. તમામ ઓક્સિજન ઉત્પાદન એકમો હવે કલેક્ટરે કબ્જામાં લઈ લીધા છે. સાથે જ આગાી 24 કલાક ઓક્સિજનનું ઉત્પાદન કરી સરકારી અને ખાનગી હોસ્પિટલોને જ સપ્લાય આપવા કલેક્ટરે હુકમ કર્યો છે. ઓક્સિજનના તમામ ઉત્પાદન એકમો ઉપર જિલ્લા કલેક્ટરની નિગરાની હેઠળ આવી ગયા છે. તમામ ઓક્સિજન એકમો પર નાયબ મામલતદાર અને PSI નો બંદોબસ્ત ગોઠવાયો છે. 

રાજકોટમાં ઓક્સિજનની અછતને લઈને તંત્ર હરકતમાં આવ્યુ છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આજે ઓક્સિજન ઉત્પાદન કરતા એકમો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતું. સિટી સ્કેન કરતી લેબોરેટરી અને ઓક્સિજન સિલિન્ડર વિક્રેતાને ત્યાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું. કેટલો ચાર્જ વસુલ કરવામાં આવે છે તેને લઈને ચેકીંગ કર્યું હતું. સરકારે નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ વસુલ કરતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ કલેક્ટરે જાહેરાત કરી હતી. 

કલેક્ટરના આદેશ મુજબ, ઉત્પાદન એકમો પર ઓક્સિજનનો જથ્થો ખાલી કરતી વખતે હોસ્પિટલમાં લિક્વીડ ઓક્સિજન ટેન્ક છે, ત્યાં તોલમાપ વિભાગના ઇન્સ્પેકટર અને અધિકારીઓને કાયમી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. સાથે જ તોલમાપ અને પુરવઠા ખાતાને પણ જવાબદારી સોંપવામાં આવી છે. જેથી તેઓ ઓક્સિજન સપ્લાય પર નજર રાખી શકે તેવુ રાજકોટ પોલીસના એસીપી એસઆર ટંડેલે જણાવ્યું. 

રાજકોટની શાંતિ અને સુરભી હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા સર્જાઈ છે. આ કારણે બંને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે ડો.હેમાંગ વસાવડાએ પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જો સાંજ સુધીમાં જથ્થો નહિ મળે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું કે, રાજકોટમાં લેભાગુ તત્વો સક્રિય થયા છે. પોલીસે સીટની નિમણૂંક કરી તપાસ કરવામાં આવે. ઠગ લોકો બેડની વ્યવસ્થા કરી જ ન શકે. આમાં મૂળિયા ઊંડા સુધી હોઈ શકે છે. આમાં લોકોને શંકા જશે કે આમાં કમળ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news