કેવી છે INS વાલસુરાની તાકાત, જેને આવતીકાલે રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરશે

કેવી છે INS વાલસુરાની તાકાત, જેને આવતીકાલે રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરશે
  • ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને 25 માર્ચ, 2022 ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે
  • પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની સેવા બદલ સન્માનિત કરાય છે

મુસ્તાક દલ/જામનગર :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે વિધાનસભા ગૃહમાં સંબોધન બાદ તેઓ આવતીકાલે જામનગર પહોંચશે. જ્યાં તેઓ ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે. ત્યારે શું છે આઈએનએસ વાલસુરા તે જાણીએ...

150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપશે 
ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ (INS) વાલસુરાને આવતીકાલે 25 માર્ચ 2022 ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે.

શા માટે અપાય છે આ એવોર્ડ 
પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે, જેને 27 મે 1951 ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 

શું છે INS વાલસુરા
1942 માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ ૮૦ વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવ અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ કવર બહાર પાડવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news