સુરતમાં નશાખોરીના રવાડે ચઢી રહ્યું યુવાધન! મેડિકલ સ્ટોરમાંથી મળ્યો નશાકારક દવાઓનો જથ્થો
સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબલેટનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: અડાજણ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તેમજ ટેબલેટનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર પર એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી સીરપ અને ટેબ્લેટનો જત્થો કબજે કર્યો હતો. તેમજ ડમી ગ્રાહક મોકલી પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રેડ કરી હતી.
સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના ધ્યાને આવ્યું હતું કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબલેટનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય છે. તથા યુવાધન આવી ગોળી અને સીરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડી રહ્યું છે જેથી પોલીસે કમિશ્નર દ્વારા આ મેડીકલ સ્ટોરને શોધી કાર્યવાહી કરવા સુચના આપી હતી.
આ દરમ્યાન એસઓજી પોલીસને માહિતી મળી હતી અડાજણ ગામ સર્કલ પાસે આવેલા સમર્થ પાર્ક શીલા કોમ્પ્લેક્સમાં આવેલી સમર્થ મેડીકલ સ્ટોર ઉપરથી આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ થઇ રહ્યું છે. માહિતીના આધારે એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરી હતી. જેમાં મેડીકલ સ્ટોરના સંચાલક/ભાગીદાર જવાહર મનહરલાલ આસ્લોટ, શિશિર મનહરલાલ આસ્લોટ અને હીનાબેન માર્કડભાઈ પંડ્યાએ કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોરથી કર્યું હતું. જે બાદ પોલીસે અહી દરોડો પાડ્યો હતો.
પોલીસે મેડીકલ સ્ટોરમાં દરોડો પાડી રેક્ષહીલ બોટલ-24, કોડીવેલ બોટલ- 10, વી સકસેસ ટેબ્લેટ કીટ નગ 2 [ગર્ભપાતની ગોળી], મીડોપ્રોટી ટેબ્લેટ નંગ- 52, ટ્રાઈકા સ્ટ્રીપ નંગ 13, પ્રોક્ષીમેડ સ્ટ્રીપ નંગ 44 અને અલ્પવાનોફ સ્ટ્રીપ નંગ 41 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજી પોલીસે જણાવ્યું હતું કે, મેડીકલ સ્ટોરમાંથી મળી આવેલા અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટ અને સીરપ તેમજ ગેરકાયદેસર રીતે બિલીંગ વગર રાખેલી ગર્ભપાતની ગોળીઓ સહીતના તમામ જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે