ઓનલાઇન કામવાળી શોધતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, બે દિવસમાં 7.24 લાખ લઈને રફુચક્કર થઈ ગઈ

Be Alert For Online Maid Service : ઘર કે ઓફિસમાં કામવાળી રાખતા પહેલા ચેતજો... રાજકોટમા એક યુવતીએ ઓનલાઈન વેબસાઈટ પરથી શોધેલી લૂંટેરી કામવાળી બે દિવસમાં 7.24 લાખ લઈને રફુચક્કર થઈ ગઈ હતી.... નોકરરાણીના સ્વાંગમાં આવેલી મહિલાએ રાજકોટ સહિત અનેક રાજ્યોમાં હાથ ફેરો કર્યો છે... રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ આ ભેજાબાજ કામવાળીને દિલ્હીથી પકડી લીધી... કામવાળીએ પંખાના રેગ્યુલેટરમાં છુપાવેલા નાણાં પણ કબજે કર્યાં
 

ઓનલાઇન કામવાળી શોધતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, બે દિવસમાં 7.24 લાખ લઈને રફુચક્કર થઈ ગઈ

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : બોલિવુડની ફિલ્મ હેપ્પી ભાગ જાયેગી તમે જોઈ જ હશે. જેમાં દુલ્હનને લુટેરી બતાવવામાં આવી છે. તેવી જ રીતે રાજકોટની એક યુવતીએ જસ્ટ ડાયલ નામની વેબસાઈટ પરથી ઓનલાઇન કામવાળી શોધી હતી. પરંતુ આ યુવતીને ખબર ન હતી કે હેપ્પી ભાગ જાયેગી મુવીમાં જે રીતે લુટેરી દુલ્હન છે, તેવી જ રીતે આ કામવાળી પણ લુટેરી કામવાળી છે. બે દિવસમાં જ આ કામવાળી રાજકોટથી 7.24 લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગઈ હતી. ત્યારે આ લુટેરી કામવાળીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી બકાલીના સ્વાંગમાં ઝડપી પાડી હતી. આ ભેજાબાજ કામવાળીએ ચોરી કરેલી રકમ સીલીંગ ફેનના રેગ્યુલેટરમાં છુપાવી હતી, જે પોલીસે કબજે કરી હતી અને પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ લૂટેરી કામવાળીએ રાજકોટ સહિત અનેક રાજ્યમાં હાથફેરો કરી ચૂકી છે. ત્યારે ઓનલાઇન કામવાળી શોધતા લોકો માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. 

એક જ દિવસમાં વિશ્વાસ કેળવી લીધો
આ વિશે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ જણાવ્યું કે, રાજકોટમાં નિર્મલા રોડ પર પ્રાચીબેન કોટેચાના ફલેટમાં કામે રહ્યા બાદ એક જ દિવસમાં તેનો વિશ્વાસ કેળવી નોકરીમાં રહ્યાના બીજા જ દિવસે સોના-ચાંદીના ઘરેણા સહિત ૭.૨૪ લાખ જેવો મુદ્દામાલ ચોરી રફુચક્કર થઈ ગઈ હતી. દેશના જુદા જુદા રાજયોમાં ઘરકામ બહાને રહીને ચોરીઓ કરતી કામવાળી અનુદેવી ઉર્ફે ફુલવતી ઉર્ફે સોની શકિતકુમાર મિશ્રાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીમાં લાંબુ રોકાણ કરી, શાક-બકાલાવાળા ફેરિયાનો વેશ ધારણ કરી ઝડપી પાડી હતી.

ઓનલાઇન કામવાળી શોધતા પહેલા એકવાર ચેતજો
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકે 15 એપ્રિલ 23ના રોજ પ્રાચીબેન કોટેચાએ જાણ કરી હતી કે તેઓ નિર્મલા રોડ પર ધારેશ્ર્વર ડેરીની પાછળ, સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં બીજા માળે રહે છે. તેણે જસ્ટ ડાયલમાંથી મેઇડ પ્લેસમેન્ટ એજન્સીના નંબર મેળવીને એક કામવાળીને પોતાના ઘરે કામે રાખી હતી. જે પછી આ કામવાળી તેના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ બે મોબાઇલ ફોન અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. જેથી આ ભેજાબાજ અને લુટેરી કામવાળીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી હતી, જેમાં બાતમીના આધારે મહિલા આરોપી દિલ્હીથી આવી હોવાનું જાણવા મળતા સીસીટીવી અને હ્યુમન રીર્સોસથી બાતમી મેળવી એક ટીમને દિલ્હી ખાતે મોકલી હતી.

કેવી રીતે આ ભેજાબાજ અને લુંટેરી કામવાળી ઝડપાઈ??
મહિલા આરોપી દિલ્હી આવી હોવાની બાતમી મળી હતી. પરંતુ આ આરોપી સતત પોતાના રહેઠાણની જગ્યા બદલતી હોય અને મોબાઇલ નંબર તેમજ કોઇપણ ટેકનિકલ પુરાવા છોડતી ન હોઈ દિલ્હીમાં તેને શોધવા માટે અને પુરાવા એકત્ર કરવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવી પડી હતી. દરમ્યાન ચોકકસ હકીકત મળતા શાક બકાલીઓનો વેશ ધારણ કરી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે આ મહિલાને દિલ્હીમાંથી ઝડપી પાડી હતી. 

કયા કયા રાજ્યમાં ચોરી કરી છે??
ભેજાબાજ કામવાળીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ઝડપી પાડી ત્યારે તેની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા તેને કબુલાત આપી હતી કે ચારથી પાંચ માસ પહેલા કર્ણાટકના બેંગ્લોરમાં કામવાળી તરીકે રહી હતી અને ત્યાંથી મોબાઈલ ફોન અને 87,000 ની ચોરી કરી હતી. ઉપરાંત હરિદ્વારમાં બે ત્રણ માસ પહેલા ઘરકામના બહાને રહી ચોરી કરી ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી અને ત્યારબાદ યુપીના મોરાદાબાદમાં પણ ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ચોરી કરેલો મુદ્દામાલ સીલીંગ ફેનના રેગ્યુલેટરમાં છુપાવ્યો
ભેજાબાજ કામવાળી ચોરીની ઘટનાને અંજામ આપી તે પોતાનું સતત રહેણાંક બદલતી રહેતી હતી અને કોઈ પણ પ્રકારના પુરાવાઓ છોડતી ન હતી. ચોરી કરેલો તમામ મુદ્દામાલ સીલીંગ ફેનના રેગ્યુલેટરમાં રાખતી હતી. તેમજ તેના બે સાગરિતની શોધખોળ પોલીસે હાથ ધરી છે અને પોલીસને હજુ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી આશંકા છે. જેના આધારે મહિલાના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news