રાજકોટમાં ઊલટી ગંગા વહી, દેવાદારોના ત્રાસથી વ્યાજે રૂપિયા આપનાર શખ્સે કરી આત્મહત્યા 

રાજકોટમાં ઉછીના રૂપિયા આપવા એક વેપારીને ભારે પડી ગયા છે. સોની વેપારીએ ઉછીના રૂપિયા આપ્યા અને ત્યારબાદ એક પરિવારના ચુંગાલમાં એવો તો ફસાયો કે તેને આત્મહત્યા કરવા સુધીનું પગલુ ભરવું પડ્યું. સોની વેપારીએ ઉછીના આપેલા 75 લાખ આપવાને બદલે 37 લાખ રૂપિયા માટે ગિરવે મૂકેલા સોનાના દાગીના પરત માંગવા માટે દબાણ કરવા લાગ્યા અને સોની વેપારીના દીકરાના અપહરણની ધમકી આપતા હતા. પોલીસે હાલ આત્મહત્યા માટે મજબૂર કરનાર પરિવારના બે મહિલા સહિત ચારની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં ઊલટી ગંગા વહી, દેવાદારોના ત્રાસથી વ્યાજે રૂપિયા આપનાર શખ્સે કરી આત્મહત્યા 

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ઉછીના રૂપિયા આપવા એક વેપારીને ભારે પડી ગયા છે. સોની વેપારીએ ઉછીના રૂપિયા આપ્યા અને ત્યારબાદ એક પરિવારના ચુંગાલમાં એવો તો ફસાયો કે તેને આત્મહત્યા કરવા સુધીનું પગલુ ભરવું પડ્યું. સોની વેપારીએ ઉછીના આપેલા 75 લાખ આપવાને બદલે 37 લાખ રૂપિયા માટે ગિરવે મૂકેલા સોનાના દાગીના પરત માંગવા માટે દબાણ કરવા લાગ્યા અને સોની વેપારીના દીકરાના અપહરણની ધમકી આપતા હતા. પોલીસે હાલ આત્મહત્યા માટે મજબૂર કરનાર પરિવારના બે મહિલા સહિત ચારની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

રાજકોટના કરણસિંહજી મેઇન રોડ પર રહેતા રમેશ લોઢિયા નામના સોની વેપારીએ એક પરિવારના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. તેઓએ આત્મહત્યા કરી ત્યારે 11 પાનાની એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં રાયજાદા પરિવાર દ્વારા ત્રાસ આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસને જે સ્યુસાઇડ નોટ મળી તેમાં રમેશભાઇએ લખ્યું છે કે, તેઓને શહેરના આશાપુરાનગરમાં રહેતા શોભનાબા રાયજાદા અને તેના પતિ કૃષ્ણસિંહ રાયજાદા સાથે વ્યાપારીક સબંધ હતો. જેના કારણે તેઓએ કટકે કટકે 75 લાખ રૂપિયા જેટલી રકમ ઉછીના પેટે આપી હતી. જે બાદ થોડા વર્ષો પહેલા કૃષ્ણસિંહને વઘારે રૂપિયાની જરૂર પડી હતી. જેથી શોભનાબાએ પોતાના દાગીના આપીને 37  લાખ રૂપિયા ઉછીના આપવા કહ્યું હતું. જે અંગે રમેશે સોનાના દાગીના ગીરવે મૂકીને રાયજાદા પરિવારને 37 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે સમય જતા શોભનાબા અને તેના પતિ રમેશ પાસે તેના દાગીના પરત માંગવા લાગ્યા અને પરત નહિ આપે તો તેના દીકરાનું અપહરણ કરશે તેવી ધમકી આપવા લાગ્યા. રમેશને રાયજાદા પરિવાર પાસે 1 કરોડથી વધુ રકમ લેવાની નીકળતી હોવા છતા તે આપવાને બદલે તેને ધાક ધમકી આપવા લાગ્યા હતા. જેના કારણે રમેશે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, રમેશભાઇના આત્મહત્યા અંગે તેમના પત્ની વૈરાગીબેને ફરિયાદ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, કૃષ્ણસિંહ રાયજાદા, દિવ્યાબા રાયજાદા અને દિલીપસિંહ રાયજાદાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે રમેશભાઇએ જે સ્યુસાઇડ નોટ લખી છે. તેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે અને રાયજાદા પરિવારને ક્યારે અને કઇ રીતે કેટલા રૂપિયા આપવામાં આવ્યા તેની પણ તપાસ હાથ ધરાશે.

અત્યાર સુધી રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ પહેલીવાર એક એવો કિસ્સો બન્યો છે, જેમાં રૂપિયા આપનારને દેવાદારોનો એટલો ત્રાસ હતો કે તેને મરવા માટે મજબૂર થવું પડ્યું છે અને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે આ કેસમાં પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news