રાજકોટની યુવતીએ કરફ્યૂમાં રોડ પર કર્યો ડાન્સ, ભૂલ સમજાઈ ત્યાં સુધી તો વીડિયો વાયરલ થઈ ગયો
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં રાત્રિ કરફ્યુ દરમિયાન એક યુવતીનો ડાન્સ કરતો વીડીયો વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટની પ્રીશા રાજપૂત નામની યુવતીનો હોવાનું સામે આવ્યું છે. રાત્રિ કરફ્યૂમાં 10 વાગ્યાનો સમય હતો ત્યારે યુવતીએ આ વીડિયો બનાવ્યો હતો. આ અંગે રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.
કરફ્યૂમાં વીડિયો બનાવીને ચર્ચામાં આવી યુવતી
ગુજરાતભરમાં કરફ્યૂ છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યૂનો સમય છે. તેમ છતાં કેટલાક લોકો તેનો ભંગ કરે છે. ત્યારે આવામાં રાજકોટનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ડાન્સ કરી રહેલી યુવતી ચર્ચાના ચગડોળે ચઢી હતી. કોલેજ અંડરબ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર પ્રીશા રાજપૂત નામની યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જોકે, બાદમાં આ વીડિયો વાયરલ થયો હતો. પ્રીશાએ આ વીડિયો પોતાના RealPrisha_ એકાઉન્ટ પર શેર કર્યો હતો. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પ્રીશા પર લોકોના સવાલો તૂટી પડ્યા હતા.
ભૂલ સમજાયા બાદ વીડિયો ડિલીટ કર્યો
પરંતુ બાદમાં બીકના માર્યે પ્રીશાએ વીડિયો પોતાના એકાઉન્ટ પરથી ડિલીટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ યુવતીએ આ વીડિયો પોતાના ઘર નીચે ફૂટપાથ પર જ બનાવ્યો હોવાનું સ્વીકાર્યું પણ છે. તેમજ યુવતીએ વીડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો એ પોતાની ભૂલ સ્વીકારી છે. સાથે જ સુરતના વાયરલ વીડિયોની જેમ રાજકોટ પોલીસ પણ પોતાને માફ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યુવતી આ મામલે પોલીસને સાથ અને સહકાર આપવા તૈયાર છે. ત્યારે સમગ્ર મામલે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે