ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ સિવિલમાં વિદેશી બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન થયું

સિવિલ હોસ્પિટલમાં કુલ ૭૦ અંગદાન થયા છે. જેમાં ૨૨૧ અંગો મળ્યા જેના થકી ૧૯૮ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ ૬૮ અને ૬૯ માં અંગદાનમાં ક્રમશ: જયાબેન વિંજુડા અને કિરણભાઇ પણ સિવિલ હોસ્પિટલમા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. 

ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ સિવિલમાં વિદેશી બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન થયું

અમદાવાદઃ ગુજરાત સરકારે આદરેલા અંગદાનના સેવાયજ્ઞ અને સેવાકીય કાર્યોની મ્હેક 1301 કિ.મી. દૂર નેપાળ સુધી પ્રસરી છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયેલ 25 વર્ષના નેપાળી યુવક લક્ષ્મણભાઇ મંગેતાના પરિજનોએ અંગદાનનો નિર્ણય કર્યો.

ગુજરાતમાં અન્ય દેશના દર્દીએ અંગદાન કર્યું હોય તેવી સમગ્ર ગુજરાતમાં અને સંભવત: દેશમાં પ્રથમ ઘટના છે. અંગદાન બાદ ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અંગદાન સેવા ટ્રસ્ટ દ્વારા પાર્થિવ દેહને મોટરમાર્ગે નેપાળ પહોંચાડવાની સમગ્ર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

મૂળ નેપાળના અને અમદાવાદમાં 8 વર્ષથી સ્થાયી થયેલ મંગેતા પરિવારના 25 વર્ષીય યુવક લક્ષ્મણભાઇને 10મી જૂનના રોજ માર્ગ અકસ્માત સાંપડ્યો હતો. માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર પ્રકારના  ઇજા થતા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા.

ટ્રોમા સેન્ટરના તબીબોએ જરૂરિ તમામ રિપોર્ટસ કરાવ્યા બાદ  સ્થિતિ ગંભીર જણાઇ આવતા આઇ.સી.યુ.માં દાખલ કર્યા. રિપોર્ટમાં હેમ્રેજ થયું હોવાનું નિદાન થયું હતુ. તબીબોએ લક્ષ્મણભાઇની સધન સારવાર હાથ ધરીને સ્થિતિમાં સુધાર લાવવામાં તમામ પ્રયાસો હાથ ધર્યા. પરંતુ વિધાતાના તરફથી કદાચ લક્ષ્મણભાઇનો સંદેશો આવી ગયો હતો. માટે ચાર દિવસની અથાગ મહેનત બાદ પણ 14 મી જૂને લક્ષ્મણભાઇને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

લક્ષ્મણભાઇના બ્રેઇનડેડ થયાના સમાચાર સાંભળીને પરિવારજનો ગમગીન બન્યા. પરંતુ આ ક્ષણે પરોપરકારનો ભાવ કેળવીને પોતાના અનમોલ રત્નને અમરત્વ પ્રદાન કરવા અંગદાનનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ લક્ષ્મણભાઇના અંગદાનમાં હ્યદય, બે કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળી જવા પામ્યું છે.  અંગદાનમાં મળેલા હ્યદયને ગ્રીનકોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું. જ્યારે લીવર અને સ્વાદુપિંડને મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યા છે. કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં મોકલાયું છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, મૂળ નેપાળમાં અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા મંગેતા પરિવારના લક્ષ્મણભાઇના પાર્થિવદેહને સ્વમાનભેર નેપાળ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથો સાથો સિવિલ હોસ્પિટલના ખર્ચે તેમના પરિવારજનો માટે અન્ય મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ ૭૦ અંગદાન થયા છે. જેમાં ૨૨૧ અંગો મળ્યા જેના થકી ૧૯૮ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ ૬૮ અને ૬૯ માં અંગદાનમાં ક્રમશ: જયાબેન વિંજુડા અને કિરણભાઇ પણ સિવિલ હોસ્પિટલમા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના સબળ નેતૃત્વ હેઠળ આજે રાજ્ય આરોગ્ય વિભાગ આરોગ્યસેવાઓને સમાજના, રાજ્યના અને દેશના તમામ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. ગુજરાતમાં રાજ્ય ઉપરાંત રાજ્ય બહારના દર્દીઓ પણ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે. 

8 વર્ષથી ગુજરાતમાં રહેતા નેપાળી પરિવારે ગુજરાતની માટીનું ઋણ અદા કરીને બ્રેઇનડેડ દિકરાના અંગદાનનો નિર્ણય કરી 5 જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે. ગુજરાત સરકારે આદરેલા અંગદાન અને અંગોના પ્રત્યારોપણના સેવાયજ્ઞની મ્હેક આજે ખરા અર્થમાં જગવ્યાપિ બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news