જુનાગઢનું સક્કરબાગ ઝૂ સિંહનું સંવર્ધન કેન્દ્ર બન્યું, ચાલુ વર્ષે 14 સિંહ બાળનો જન્મ થયો
જુનાગઢનું સક્કરબાગ ઝૂ વિશ્વમાં એકમાત્ર સિંહોના સંવર્ધનનું કેન્દ્ર છે. જ્યાં ગત વર્ષે 24 સિંહ બાળનો જન્મ થયો અને ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં 14 સિંહ બાળનો જન્મ થયો છે.
Trending Photos
સાગર ઠાકર, જુનાગઢઃ જુનાગઢનું સક્કરબાગ ઝૂ ન માત્ર પ્રાણી સંગ્રહાલય પરંતુ સિંહ સંવર્ધન કેન્દ્ર પણ છે. જુનાગઢનું સક્કરબાગ ઝૂ વિશ્વમાં એકમાત્ર સિંહોના સંવર્ધનનું કેન્દ્ર છે. જ્યાં ગત વર્ષે 24 સિંહ બાળનો જન્મ થયો અને ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં 14 સિંહ બાળનો જન્મ થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સિંહ સંવર્ધન માટે થતાં પ્રયાસોને સફળતા મળી છે પરિણામે આજે સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
જુનાગઢના નવાબીકાળના ઐતિહાસિક સક્કરબાગ ઝૂ ની દોઢસો વર્ષ અગાઉ ઈ.સ. 1863 માં સ્થાપના થઈ, ગીરના જંગલમાં એશિયાટીક સિંહોનો વસવાટ અને સિંહો જુનાગઢની ઓળખ સમાન છે. એક સમયે સિંહોની વસ્તી માત્ર બે આંકડામાં સિમીત થઈ ગઈ હતી ત્યારે સિંહ સંવર્ધન શરૂ થયું અને આજે સક્કરબાગ ઝૂ ન માત્ર પ્રાણી સંગ્રહાલય પરંતુ સિંહ માટે વિશ્વનું એક માત્ર સંવર્ધન કેન્દ્ર બન્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા અહીં સિંહ સંવર્ધન માટે વિશેષ સવલતો ઉભી કરવામાં આવી જેમાં હોસ્પિટલ અને કબ નર્સરીનો સમાવેશ થાય છે. સિંહ સંવર્ધન માટે જીનપુલની રચના પણ કરવામાં આવી છે. ગુજરાતમાં જુનાગઢ, પોરબંદર અને વાંકાનેર ખાતે જીનપુલ આવેલા છે.
સિંહોનું સરેરાશ આયુષ્ય 12 થી 14 વર્ષનું હોય છે, 3 વર્ષ પછીની ઉંમરે સિંહણ ગર્ભધારણ કરે છે. સિંહ અને સિંહણ વચ્ચે અંદાજે એક અઠવાડીયા સુધી મેટીંગ ચાલે છે. સિંહોના મેટીંગ પીરીયડ દરમિયાન તેમને સાનુકુળ વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જંગલમાં સિંહણ જ્યારે બચ્ચાંને જન્મ આપે છે ત્યારે તે એકાંત શોધે છે. સક્કરબાગ ઝૂ માં જ્યારે કોઈ સિંહણ બચ્ચાંને જન્મ આપવાની હોય ત્યારે તેના માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાય છે અને ત્યાં કોઈપણ વ્યક્તિની અવર જવર ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે અને સીસીટીવી કેમેરાની મદદથી મોનિટરીંગ કરવામાં આવે છે. સાથે જ તેમની તંદુરસ્તી, ખોરાક વગેરે નાનામાં નાની બાબતો માટે કાળજી લેવામાં આવે છે અને સંવર્ધનના આ પ્રયાસોના પરિણામે આજે સક્કરબાગ ઝૂમાં હાલ 74 સિંહોનો વસવાટ છે. જેમાં 24 નર, 35 માદા અને 15 બચ્ચાંનો સમાવેશ થાય છે.
સક્કરબાગ ઝૂ માં જન્મ થયેલ સિંહ બાળની વિગત જોઈએ તો...
વર્ષ 2018 માં 5 સિંહ બાળનો જન્મ
વર્ષ 2019 માં 7 સિંહ બાળનો જન્મ
વર્ષ 2020 માં 24 સિંહ બાળનો જન્મ
વર્ષ 2021 ( જુલાઈ મહિના સુધી ) માં 14 સિંહ બાળનો જન્મ થયો અને વર્ષના અંત સુધીમાં હજુ સિંહ બાળના જન્મની સંખ્યા વધવાની સંભાવના છે. આમ ઝુંમાં સિંહો માટેની અલાયદી વ્યવસ્થાને કારણે જન્મદરમાં વધારો થયો છે જે પણ સંવર્ધનની એક સિધ્ધી છે.
આ પણ વાંચોઃ Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ગુજરાતની છ મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારે 10 લાખની સહાય જાહેર કરી
લોકોમાં વન્ય પ્રાણીઓને લઈને જાગૃતિ આવે અને વન્ય જીવ સૃષ્ટિ વિષે લોકો માહિતગાર થાય તે હેતુ પ્રાણી સંગ્રહાલયો બનાવવામાં આવે છે. જેમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણનો પણ ઉદ્દેશ્ય છે ત્યારે દરેક પ્રાણી સંગ્રહાલયમાં શક્ય તેટલા વધુ પશુ પક્ષીઓ લોકોને જોવા મળે તે હેતુ કેન્દ્ર સરકાર દ્વારા એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં પ્રાણી સંગ્રહાલયો એક બીજા વચ્ચે પશુ પક્ષીઓની આપલે કરે છે. જેથી પ્રાણી સંગ્રહાલયની વૈવિધ્યતા જળવાય રહે છે. આવા જ એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂ માંથી અત્યાર સુધીમાં 80 સિંહોને દેશ વિદેશના પ્રાણી સંગ્રહાલયોમાં મોકલવામાં આવ્યા છે. આમ સક્કરબાગ ઝૂમાં સિંહોના સંરક્ષણ માટેની પુરતી વ્યવસ્થા છે. જેને લઈને સિંહોનું સંવર્ધન સફળતા પૂર્વક થઈ રહ્યું છે જેના પરિણામે આજે સક્કરબાગ ઝૂ સિંહો માટે જગવિખ્યાત બની ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે