સાળંગપુર મંદિર વિવાદ: રાજકોટના વકીલ આકરા પાણીએ, BAPS સહિત અનેક સ્વામિનારાયણ મંદિરોને ફટકારી નોટિસ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરના વિવાદમાં રાજકોટના વકીલે સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, BAPS સ્વામિનારાયણ મંદિર કાલાવડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઈચાને નોટિસ મોકલી છે.
Trending Photos
ઝી બ્યુરો/બોટાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીને સ્વામીના દાસ દર્શાવાતાં શરૂ થયેલા વિવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. બોટાદના સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ હનુમાનજીનું અપમાન કર્યું હોવાના મુદ્દે મોરારિબાપુ, રામેશ્વર દાસ હરિયાણી, કબરાઉ ધામના મણિધર બાપુ સહિત અનેક સંતો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટના એક વકીલે સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, BAPS સ્વામિનારાયણ મંદિર કાલાવડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઈચાને નોટિસ મોકલી છે.
સાળંગપુરના વિવાદિત ભીંતચિત્ર મામલે રાજકોટના એડવોકેટ રવિ રાઠોડે નોટિસ મોકલાવી છે. હનુમાનજીને દાસ બતાવવામાં આવતા નોટિસ ફટકારવામાં આવી છે. સાળંગપુર સહિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ, સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચા સહિતનાને નોટિસ ફટકારવામાં આવી છે. યુટ્યુબના વિવાદિત વીડિયો મામલો પણ નોટિસ ફટકારી છે. રામ ભક્ત હનુમાનજીના વિવાદિત મૂર્તિ પોસ્ટર તેમજ youtubeમાં ભગવાન શંકર તથા માતા પાર્વતીના અપમાનજનક એપિસોડથી હિન્દુ સનાતન ધર્મનું અપમાન તેમજ હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે લીગલ નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટના એડવોકેટ રવિ રાઠોડે મોકલવામં આવેલી નોટિસમાં લખેલું છે કે, સાળંગપુર ખાતે ગત તા. 06/04/2023ના હનુમાન જયંતિના પર્વ પર શ્રી રામ ભક્ત હનુમાનજીની 54 ફુટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરેલ જે મુર્તિની નીચે ચારેય તરફ જે શ્રી રામ ભક્ત હનુમાનજીના ચિત્રો દર્શાવવામાં આવેલ છે, તેમજ યુટ્યુબના માધ્યમથી એનિમેશન સીરિઝ જે નીલકંઢ વર્ણીના જીવનકાળા દર્શાવવા માટે અપલોડ કરવામાં આવેલી છે, જેમાં સનાતન હિન્દુ ધર્મનું અપમાન થયેલ હોય, જે આવું કૃત્ય કરવાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચેલ છે અને સનાતન હિન્દુ ધર્મનો આપની સંસ્થા દ્વારા જે મજાક ઉડાવવામાં આવેલ છે, જેના લીધે આ નોટિસ આપવાની ફરજ પડેલી છે.
આ ધર્મગુરુઓએ નોંધાવ્યો વિરોધ
કિંગ ઓફ સાળંગપુરનાં ભીતચિત્રોમાં હનુમાનજીને નીલકંઠવર્ણીના દાસ દર્શાવાયા છે. હનુમાનજી નીલકંઠવર્ણી સામે માથું ઝુકાવી ઊભા હોય તેવાં ચિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. હનુમાનજીનું અપમાન થયું હોવાના મુદ્દે સાધુ સમાજમાં ઠેર ઠેર વિરોધ નોંધાવાઈ રહ્યો છે. મોરારિબાપુએ કહ્યું છે કે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે કપટ થઈ રહ્યું છે. તો રામેશ્વરદાસ હરિયાણીએ કહ્યું છે કે આ પ્રવૃત્તિ સનાતન ધર્મ વિરુદ્ધની છે. કબરાઉ ધામના મણિધર બાપુએ પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તો જ્યોતિર્નાથ મહારાજે પણ સંત સમાજને એક થઈને આનો વિરોધ કરવાની વાત કરી છે.
કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ પર વધુ એક વિવાદ
હનુમાનજીના અપમાન અંગે રાજ્યભરમાં ભક્તો,સંતો-મહંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાળંપુર બાદ વધુ બે વિવાદ સામે આવ્યા છે. જેનાથી હવે હનુમાનજીના ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીને સ્વામીના દાસ દર્શાવાતાં વિવાદની શરૂઆત થઈ હતી. કિંગ ઓફ સાળંગપુરનાં ભીતચિત્રોમાં હનુમાનજીને નીલકંઠવર્ણીના દાસ દર્શાવાયા છે. હનુમાનજી નીલકંઠવર્ણી સામે માથું ઝુકાવી ઊભા હોય તેવાં ચિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વિરોધનો વંટોળ શરૂ થયો છે.ત્યાર બાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર કરતા હોય તેવી મૂર્તી મૂકાતા વિવાદ ઊભો થયો છે. તો કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ પર હનુમાનજીના મુખ પરના સ્વામિનારાયણનું તિલક જોવા મળતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે.
વિવાદ શું છે?
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. આ ચિત્રો ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામે વિખ્યાત હનુમાનજીની પ્રતિમા નીચે કોતરણી કરીને લગાવવામાં આવ્યાં છે. કેટલાક દર્શનાર્થીઓએ આ ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. વાયરલ થઇ રહેલા ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ સમગ્ર વિવાદ વકર્યો છે. તમને જણાવી દઈએ કે, કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટા વાયરલ થયા બાદ મંદિર પ્રશાસન દ્વારા વિવાદ વધુ ન વકરે તે હેતુથી બંને ભીંતચિત્રો પર પીળા રંગનું પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે મુદ્દો સામે આવ્યા બાદ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, પરંતુ કેટલાક હિંદુ સંગઠનોએ પણ આ ચિત્રો બદલ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત હિંદુ યુવાવાહિની દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ધર્મની માન્યતાઓ અનુસાર, 7 ચિરંજીવીઓમાં હનુમાનજીનો પણ સમાવેશ થાય છે. હનુમાનજીને ભગવાન શંકરનો અંશાવતાર પણ માનવામાં આવે છે. સાથે જ તેઓ ભગવાન રામના અનન્ય ભક્ત પણ છે. તો બીજી તરફ સહજાનંદ સ્વામીનો જન્મ ઈ.સ 1781માં થયો હતો જ્યારે તેમનો દેહાંત 1830માં થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના સહજાનંદ સ્વામીએ કરી હતી, જેમને સ્વામિનારાયણ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે, અમુક વર્ષો પછી સંપ્રદાયમાં ફાંટા પડી ગયા હતા અને BAPS, વડતાલ, સોંખડા જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. હાલ જે વિવાદમાં આવી છે એ વડતાલ સ્થિત સંસ્થા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે