75% મહિલાઓ તેઓના વ્યક્તિગત અને વ્યવસાયિક અધિકારોથી અજાણ

"મહિલાઓનું કાયદાના જ્ઞાન દ્વારા સશક્તિકરણ થવું જોઈએ, આધુનિક જમાનામાં વધુને વધુ મહિલાઓએ વ્યવસાયમાં આગળ વધવા સાથે સામાન્ય કાયદાનું જ્ઞાન મેળવવું જોઈએ."

75% મહિલાઓ તેઓના વ્યક્તિગત અને વ્યવસાયિક અધિકારોથી અજાણ

અમદાવાદ: 'યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝશન' (વાયફ્લો) અમદાવાદ દ્વારા 'આઈ આઈ એમ' ખાતે 'મહિલા ઉદ્યોગ સાહસિકો માટેના કાયદા' વિષેનો સેમિનાર યોજાયો હતો. જેમાં વાયફ્લોના સભ્યો સાથે  અમદાવાદના મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યવસાયિકોએ ભાગ લીધો હતો. જાણીતા કાયદા નિષ્ણાંત 'હિરલ ત્રિવેદી' અને 'નમ્રતા ત્રિવેદી'એ આ વિષયના વાર્તાલાપ દ્વારા મહિલાઓને ખુબ જ ઉપયોગી માહિતી આપી હતી.

'યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝશન' (વાયફ્લો ) અમદાવાદના ચેરપર્સન 'શ્રીયા દામાણી'એ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે "લગભગ 75% મહિલાઓ તેઓના વ્યક્તિગત અને વ્યવસાયિક અધિકારો વિષે  જાણતી નથી, અમારા માટે જરૂરી છે કે અમે અમારા મહિલા ઉદ્યોગ સાહસિકોને આ અંગે જાગૃત કરીયે જેથી તેઓ વિકાસ કરી શકે." 

કાયદા નિષ્ણાંત 'હિરલ ત્રિવેદી'એ વાયફ્લો અમદાવાદના કાર્યોના વખાણ કરતા કહ્યુકે " શરૂઆતથી જ વાયફ્લો અમદાવાદ મહિલા સશક્તિકરણ માટે ખુબજ સારા કાર્યો કરી રહી છે. આ વખતે કાયદા અંગેના સેમિનારથી મહિલાઓની સામાન્ય કાયદા અંગેની સમજ વધશે, તેમજ તેઓને સ્વનિર્ભર અને સન્માન સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરશે.  

કાયદા નિષ્ણાંત 'નમ્રતા ત્રિવેદી'ના મતે "મહિલાઓનું કાયદાના જ્ઞાન દ્વારા સશક્તિકરણ થવું જોઈએ, આધુનિક જમાનામાં વધુને વધુ મહિલાઓએ વ્યવસાયમાં આગળ વધવા સાથે સામાન્ય કાયદાનું જ્ઞાન મેળવવું જોઈએ."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news