3 વર્ષમાં રાજકોટના આ વિસ્તારનો આવશે સિતારો, AIMS હોસ્પિટલથી વર્ષો જૂની માંગ સંતોષી
રાજકોટ (Rajkot) ના વિકસિત એવા જામનગર રોડ (Jamnagar Road) પર હેવી ટ્રાફિકના કારણે માધાપર ચોકડીથી લઇને નાગેશ્વર સુધીનો વિસ્તાર મુખ્ય અકસ્માત ઝોન બની ગયો છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) ના વિકસિત એવા જામનગર રોડ (Jamnagar Road) પર હેવી ટ્રાફિકના કારણે માધાપર ચોકડીથી લઇને નાગેશ્વર સુધીનો વિસ્તાર મુખ્ય અકસ્માત ઝોન બની ગયો છે. જો કે રીંગરોડ-2 બન્યા પછી મોરબી રોડ બાયપાસ એટલે કે રોણકીથી માધાપર ચોકડી તરફ આવતા હેવી ટ્રાફિકને લઇને માધાપર ચોકડીએ વહેલી સવારથી મોડી રાત સુધી ચક્કાજામ જેવી જે સમસ્યા સર્જાઇ રહી છે.
તેના કાયમી ઉકેલરૂપે અહીં અન્ડરબ્રિજ (Underbridge) અને તેની ઉપરથી ઓવરબ્રિજ (Overbridge) એમ ડબલ લેયર બ્રિજ મંજૂર થયુ છે. હાલ સર્વિસ રોડનું કામ ચાલુ છે. સૌપ્રથમ માધાપર ચોકડીથી જામનગર રોડ એટલે કે નાગેશ્વર તરફ સર્વિસ રોડનું કામ કરીને ટ્રાફિક બન્ને બાજુના સર્વિસ રોડ પર ડાયવર્ટ કરીને વચ્ચેના રોડ પર પીલર ઉભા કરીને ઓવરબ્રિજ (Overbridge) ના રોડનું કામ કરાશે એમ આર.એન્ડ.ડી.ના અધિકારી વિજય કાલરિયાએ જણાવ્યુ હતુ.
માધાપર ચોકડીથી જામનગર રોડ (Jamnagar Road) તરફ છેક ઘંટેશ્વર સુધી રહેણાંક વિસ્તાર બની ગયો છે. હજારો લોકો વસવાટ કરે છે. આ તમામ ઉપર સતત અકસ્માતનો ખતરો રહે છે. અનેક લોકોએ અહીં જીવ ગુમાવ્યા છે. અહીં બ્રિજ બનાવવાની વર્ષો જુની માગણી હતી. અહીં બ્રિજ બનાવવા માટે અનેક વિકલ્પો વિચારવામા આવ્યા હતા.
સૌપ્રથમ એવો વિકલ્પ વિચારવામા આવ્યો હતો કે, જામનગર રોડ સાંઢિયાપુલ તરફની દિશાથી ચાલુ કરીને જામનગર રોડ નાગેશ્વર તરફ ઓવરબ્રિજ બનાવવો. પરંતુ બાદમાં જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલ આવવા ઉપરાંત રિંગરોડ-2 તરફ વધતા જતા હેવી ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડબલ લેયર એટલે કે એક અન્ડરબ્રિજ અને તેની ઉપરથી વર્ટિકલ રીતે ઓવરબ્રિજ બનાવવો.
આ નવી ડિઝાઇન મંજૂર થયા બાદ ડિમાર્કેશન સહિતની કામગીરી ઝડપભેર કરવામા આવ્યા બાદ સર્વિસ રોડનું કામ ચાલી રહ્યુ છે. સૌપ્રથમ માધાપર ચોકડીથી જામનગર રોડ તરફ નાગેશ્વર બાજુ સર્વિસ રોડનું સંપુર્ણ કામ કરાશે. નાગેશ્વર તરફ બન્ને બાજુ બોક્સ ગટરનું કામ 50 ટકા પુર્ણ થઇ ચુક્યુ છે તેવું આર.એન્ડ.ડી. ડિપાર્ટમેન્ટના અધિકારી વિજય કાલરિયાએ જણાવ્યુ હતુ.
સર્વિસ રોડની નીચે બનશે ડક કેનાલ, રોડમાં વરસાદી પાણી નહીં ભરાય
માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના રિંગરોડ-2નો 11 કી.મી.નો રોડ માત્ર ત્રણથી ચાર ઇંચ વરસાદમાં બેટમાં ફેરવાય જાય છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, અહીં વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા જે તે વખતે ન થઇ અને હવે કાયમીની પડોજણ ઘર કરી ગઇ છે. પરંતુ માધાપર ચોકડીએ ડબલ લેયર બ્રિજની ટેકનિકલ ડિઝાઇન એવી રીતે બનાવવામા આવશે કે વરસાદી પાણી બન્ને બાજુ સર્વિસ રોડની નીચે બનેલી ડક કેનાલમાં ચાલ્યુ જશે.
વિસ્તાર મનપામાં ભલે ભળ્યો, કામ R&D જ કરશે
માધાપર ચોકડીએ બ્રિજનો પ્રોજેક્ટ મંજૂર થયો ત્યાંરે આ વિસ્તાર મહાપાલિકાની હદમાં ભળ્યો ન હતો. મનપામાં ભળનાર નવા પાંચ ગામમાં માધાપરનો સમાવેશ પણ થયો છે. આ સાથે રિંગરોડ-2ના બાકીના ફેઝનું કામ રાજકોટ મહાનગરપાલિકા હસ્તક આવી ગયુ પરંતુ માધાપર ચોકડીએ બ્રિજના પ્રોજેક્ટનું કામ રોડ એન્ડ ડેવલપમેન્ટ હસ્તક જ રાખવામા આવશે.
કામ પુર્ણ થવામા ઓછામાં ઓછા ત્રણ વર્ષ થઇ જશે
અન્ડરબ્રિજ અને તેની ઉપરથી ઓવરબ્રિજ કાઢવાના આ મેગા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત થયા બાદ આંશિક લોકડાઉનમાં મજૂરોની અછત સહિતના પડકારો આવતા જાય છે. 18 માસમાં કામ પુર્ણ થઇ જાય તેવી તંત્રની ગણતરી હતી. પરંતુ કામ પુર્ણ થવામા ઓછામાં ઓછા ત્રણ વર્ષ થઇ જાય તેવુ ખુદ રોડ એન્ડ ડેવલપમેન્ટનું માનવુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે