સુરત DRI ટીમ દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરીનું મોટું કૌભાંડ પકડવામાં આવ્યું
એન્જલ એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા ઓછી કિંમત બતાવીને વિદેશથી મગાવાતા હતા ટીવી અને તેના સ્પેરપાર્ટ્સ
Trending Photos
સુરતઃ સુરત DRI દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરીનું એક મહાકૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. સુરતની એન્જલ એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા ટીવીની સંખ્યા ઓછી બતાવીને અન્ડરવેલ્યુએશન દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરી કરવામાં આવી હતી. DRI દ્વારા પકડવામાં આવેલા સામાનની ડ્યુટી સાથેની કિંમત રૂ.6 કરોડની આસપાસ થવા જાય છે.
સુરત DRIની ટીમ દ્વારા શહેરની એન્જલ એન્ટરપ્રાઈઝ કંપની દ્વારા ઓછી વેલ્યુ અને સ્પેરપાર્ટ્સ મગાવાની આડમાં ચલાવવામાં આવતું મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. DRIની ટીમે કંપનીના વરાછા ખાતે આવેલા ગોડાઉન પર દરોડો પાડ્યો હતો અને 2000 ટીવી સહિત વિવિધ સ્પેરપાર્ટ્સનો માલ-સામાન સીઝ કર્યો હતો.
એન્જલ એન્ટરપ્રાઈઝ નામની આ કંપની વિદેશથી ટીવીના વિવિધ સ્પેરપાર્ટ્સ અને સામગ્રી મગાવીને પેરિસા (PARISA) નામના ટીવી બનાવતી હતી.
DRIને સુરતના ગોડાઉનમાં રૂ.3 કરોડની બજાર કિંમતના ટીવી અને સ્પેરપાર્ટ્સ મળી આવ્યા હતા. DRI દ્વારા મુંબઈ પોર્ટ પર કંપનીએ મગાવેલા 4000 ટીવી પણ સીઝ કર્યા છે.
DRIના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કંપની સ્પેરપાર્ટ્સના નામે વિદેશથી ટીવી મગાવતી હતી. સ્પેરપાર્ટ્સની ઓછી કિંમત દર્શાવીને કસ્ટમ ડ્યુટીની ચોરી કરવામાં આવતી હતી. હાલ DRI દ્વારા જે માલ-સામાન સીઝ કરાયો છે તેની ડ્યુટી સાથેની કિંમત રૂ.6 કરોડ થવા જાય છે. ટીમ વધુ તપાસ ચલાવી રહી છે. કંપનીના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે