સુરેન્દ્રનગર સબ જેલમાં જલસા: મળે છે સિગારેટ-મસાલા સહિતની સુવિધાઓ, વીડિયો થયો વાયરલ
જેલમાં રાતના આઠ વાગ્યેના વિડીયો વાયરલમાં કેદી 10થી 15 મોબાઈલ દેખાડતો હતો. જ્યારે પોલીસે 4 મોબાઈલ ઝડપતા પોલીસ સામે પણ સવાલો ઉભા થયા.
Trending Photos
મુનવર ખાન/ સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સબ જેલમાં જલસા અંગેના વિડીયો વાયરલ થયા બાદ SOG પોલીસે સબ જેલમાં રાતો રાત ચેકીંગ હાથ ધર્યુ હતું. ચેકીંગ દરમ્યાન પોલીસને 4 મોબાઈલ, 8 ચાર્જર તેમજ મોબાઈલ ફોનની 2 બેટરી કેદીની અંગ ઝડતી કરતા જપ્ત કર્યા છે. જેલમાં રાતના આઠ વાગ્યેના વિડીયો વાયરલમાં કેદી 10થી 15 મોબાઈલ દેખાડતો હતો. જ્યારે પોલીસે 4 મોબાઈલ ઝડપતા પોલીસ સામે પણ સવાલો ઉભા થયા.
જેલમાંથી જે વીડિયો વાયરલ થયો છે. તેને જેલના કેદીઓએ જ બનાવીને વાયરલ કર્યો છે. જેલના કેદીઓના દાવા પ્રમાણે સુરેન્દ્રનગર સબજેલમાં કેદીઓને મોબાઈલ, સિગારેટ, તમાકુ અને મસાલા સહિતની સુવિધાઓ આપવામા આવે છે. જેલમાં દારૂ પણ અપાતો હોવાનો કેદીઓનો દાવો છે. વીડિયોમાં કેદી કહી રહ્યો છે કે, જેલમાં કેદીઓને 25 રૂપિયામાં એક મસાલો આપવામા આવે છે. જ્યારે 10 હજારમાં સાદો ફોન અને એન્ડ્રોઈડ ફોન રાખવો હોય તો 15 હજારમાં રાખવા દેવામા આવે છે.
જેલમાં સિગારેટ અને દારૂ પણ મળતો હોવાની વાત કેદીઓ કહી રહ્યા છે. આ સમગ્ર સુવિધા માટે જેલર સાહેબ હપ્તો લઈને આપતા હોવાનું પણ કેદીઓ જણાવી રહ્યા છે. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક કેદીને જેલમાં મારવામા આવ્યો. કેદીને માર મરાતા કેદીઓમાં રોષ ફાટી નીકળ્યો અને તેઓએ જેલની અંદર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો. જો કે જેલરનું કહેવું છે કે આ તમામ પ્રકારની ગેરકાયદે વસ્તુઓ કેદીઓ બહારથી લાવે છે. આ અંગે જ્યારે જિલ્લા પોલીસ વડાનો ટેલિફોનિક સંપર્ક કરાયો ત્યારે તેઓએ ઝી 24 કલાકને કહ્યું કે તેઓ આ ઘટનાથી અજાણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે