લો બોલો! લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરનાર તંત્રના ફૂડ વિભાગની જ હાલત કફોડી
વડોદરા કોર્પોરેશનના પબ્લિક હેલ્થ લેબોરેટરી માટે 1.68 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક સાધનો ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવતા વિવાદ થયો છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરનાર કોર્પોરેશનના ખોરાક શાખાનું પોતાનું સ્વાસ્થ્ય ખરાબ હોય તેવી સ્થિતિ છે. શહેરની જનસંખ્યા દિવસે દિવસે વધી રહી છે, પણ ખોરાક શાખામાં સ્ટાફની નવી ભરતી જ કરવામાં આવી રહી નથી. જેના કારણે કામગીરી પર મોટી અસર થઈ રહી છે.
વડોદરા કોર્પોરેશનના પબ્લિક હેલ્થ લેબોરેટરી માટે 1.68 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક સાધનો ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવતા વિવાદ થયો છે. કોર્પોરેશનના ખોરાક શાખા દ્વારા સેમ્પલ લઈ ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. પણ ખોરાક શાખામાં જ પૂરતો સ્ટાફ નથી. ત્યારે કોંગ્રેસે નવા સાધનો ખરીદવાના બદલે નવા સ્ટાફની ભરતી કરવાની માંગ કરી છે.
કોર્પોરેશનના ખોરાક શાખાની સ્થિતિની વાત કરીએ તો વડોદરાની કુલ 22 લાખની વસ્તી પ્રમાણે 22 ફૂડ ઇન્સ્પેકટર હોવા જોઈએ. જેના બદલે હાલમાં કોર્પોરેશનમાં માત્ર 8 ફૂડ ઇન્સ્પેકટર છે. 25 ફૂડ ઇન્સ્પેકટર માટે 25 પ્યુન હોવા જરૂરી, જેની સામે હાલમાં માત્ર 3 પ્યુન ફરજ બજાવે છે, જેમાં પણ 1 પ્યુન બે માસ બાદ નિવૃત્ત થશે. ખોરાક શાખાએ નિયમ પ્રમાણે વર્ષમાં 10368 સેમ્પલ લેવા જોઈએ, જેની સામે અંદાજિત માત્ર 300 સેમ્પલ વર્ષમાં લેવાય છે.
વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખા દાંત વગરની શાખા છે, જે સેમ્પલ તો લે છે પણ તેની પાસે કાર્યવાહી કરવાની કોઈ જ સત્તા નથી. વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષમાં ખોરાક શાખાએ લીધેલા નમૂનાઓમાંથી 75 નમૂના મિસ બ્રાન્ડેડ અથવા સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે, જેમાં પણ માત્ર 48 લોકો સામે જ કાર્યવાહી થઈ છે. જે કાર્યવાહીમાં માત્ર દુકાનદાર કે ફૂડ વિક્રેતાને મહત્તમ 14000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ દુકાનદારનું લાયસન્સ રદ કર્યું નથી કે કોઈ દુકાન સીલ કરી નથી. ફૂડ ઇન્સ્પેકટર પાસે માત્ર નોટિસ આપવાની સત્તા છે, અખાદ્ય ખોરાક વેચતા લોકો સામે કાર્યવાહી કરવાની સત્તા અધિક નિવાસી કલેકટર પાસે છે. જે પણ 12 મહિના સુધી કાર્યવાહી કરતાં નથી.
ખોરાક શાખા જે તે દુકાનમાંથી સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ 15 દિવસ બાદ આવે છે, ત્યાં સુધી તમામ માલ વેચાઈ છે અને લોકો તેને આરોગી પણ લે છે, એટલે લોકોના સ્વાસ્થ્ય સામે ખૂબ ગંભીર ચેડાં થઈ રહ્યા છે. જેથી ખોરાક શાખા માત્ર નામ પૂરતી કામ કરતી હોય તેવું લાગે છે. કોંગ્રેસ નેતાનો આક્ષેપ છે કે ખોરાક શાખા દાંત વગરની શાખા છે, જે માત્ર વેપારીઓને ડરાવી તેમની પાસે હપ્તા લે છે.
ખોરાક શાખાની આટલી દયનીય હાલત હોવા છતાં કેન્દ્ર સરકાર વડોદરા કોર્પોરેશનને શહેરમાં બેસ્ટ હાઇજેનિક ફૂડ માટે દેશમાં ત્રીજો નંબર આપે છે. જેની વાહવાહી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ કરી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ખોરાક શાખામાં નવો સ્ટાફની ભરતી કરવાના બદલે હાલનો સ્ટાફ સારી કામગીરી કરી રહ્યો હોવાની વાત કરે છે જે ગળે નથી ઉતરી રહી. સાથે જ પબ્લિક હેલ્થ લેબોરેટરી માટે જે અત્યાધુનિક સાધનો આવશે તેનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર આપશે તેવી સ્પષ્ટતા પણ કરી રહ્યા છે.
વડોદરા કોર્પોરેશનના ખોરાક શાખાની આટલી ખરાબ હાલત છે ત્યારે શહેરના નાગરિકોને કેટલું હાઇજેનિક ફૂડ દુકાન કે લારી પરથી મળતું હશે તે સમજી શકાય છે. કોર્પોરેશનના શાસકો, અધિકારીઓએ પોતાની વાહવાહી કરવાના બદલે વાસ્તવિકતા સ્વીકારી લોકોના સ્વાસ્થય સાથે ખરા અર્થમાં ચેડાં થતાં અટકે કેવી કામગીરી કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે