રખડતા ઢોરનો આતંક! વડોદરાની વૃદ્ધાના પરિવારે માગ્યું 25 લાખનું વળતર, કોર્ટમાં પહોંચશે
ગુજરાતના અનેક શહેરોમાં રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળે છે. ઢોરને કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. આવી એક ઘટના માર્ચ મહિનામાં વડોદરા શહેરમાં બની હતી. જ્યાં એક વૃદ્ધાએ ઢોરના હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
Trending Photos
હાર્દિક દીક્ષિત, વડોદરાઃ વડોદરા શહેરમાં ગત ત્રીજી માર્ચે રખડતા ઢોરના હુમલા બાદ વૃદ્ધ મહિલાના થયેલા મોત મામલે હવે પરિવારના સભ્યો કોર્ટ ની શરણે પોહોચ્યા છે.પરિવાર દ્વારા પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર તેમજ પશુ માલિકને નોટીસ પાઠવી વળતરની માંગ કરવામાં આવી છે.
સમગ્ર ઘટના અંગે વિસ્તારથી વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ વચ્ચે શહેરના માણેજા વિસ્તારમાં ઢોર દ્વારા એક વૃદ્ધ મહિલા પર જીવલેણ હુમલો કરાતા આ વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
વડોદરા શહરમાં માણેજા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડ ના મકાનમાં રહેતા ગંગાબેન છીતુંભાઈ પરમાર નામના વૃદ્ધ મહિલા પોતાનાના ઘરેથી કામ અર્થે બહાર નીકળ્યા હતા. દરમિયાન તેમના ઘર નજીક આવેલી પંચ રત્ન સોસાયટી નજીક રખડતા ઢોરો દ્વારા તેમના પર અચાનક જ હુમલો કરી દેવામાં આવ્યો હતો.આ ઘટના એટલી કરુણ હતી કે લાચાર ગંગા બહેન ઢોરના હુમલાથી બચવા માટે બે હાથ જોડી મદદની ગુહાર લગાવતા રહ્યા પરંતુ કોઈ મદદે ન આવતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ.
રખડતા ઢોરના હુમલાના કારણે વૃદ્ધ ગંગા બહેનનું કરુણ મોત નિપજ્યું હતું. ત્યારે આ કિસ્સામાં તેમના પરિવાર ના સભ્યો દ્વારા મદદ માટે કોર્ટના દ્વાર ખટખટાવવા માં આવ્યા છે.મૃતક ગંગા બહેનના પરિવારના સભ્યો દ્વારા વકીલ મારફતે વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ બેજવાબદાર પશુ માલિકને નોટીસ પાઠવી રૂપિયા 25 લાખના વળતરની માંગ કરવામાં આવી છે.
સમગ્ર મામલે વધુ વાતચીત કરતા એડવોકેટ અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં અવાર નવાર રખડતા ઢોરના હુમલાના કારણે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાય છે. ત્યારે વડોદરાના વહીવટી તંત્રના આ ઉદાસીન વલણને બિલકુલ સાંખી ન લેવાય. ગંગા બહેનના મૃત્યુ રખડતા ઢોરના હુમલાના કારણે થયું છે. આ ઘટનામાં પશુ માલિકની બેજવાબદારી તો છે જ તો સાથે સરકારનું મહત્વનું અંગ કહેવાતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પણ એટલા જ જવાબદાર છે. જેના કારણે જ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તેમજ બે જવાબદાર પશુ માલિકને રૂપિયા 25 લાખના વળતર માટે એક નોટિસ ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરોના હુમલા ના કારણે માણેજા વિસ્તારમાં એક પુત્ર તેમજ એક પુત્રીએ પોતાના માથેથી માતાની છાયા ગુમાવી છે. ત્યારે જવાબદાર લોકો પાસેથી વળતર લેવું એ તેમનો હક બને છે જેના કારણે જ પરિવારના સભ્યો દ્વારા જવાબદાર વ્યક્તિઓ પાસેથી વળતરની માંગ કરવામાં આવી છે. હાલ વકીલ મારફતે એક નોટીસ ફટકારાઈ છે. જેની મુદત 60 દિવસની રાખવામાં આવી છે જો 60 દિવસની અંદર અંદર વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ બેજવાબદાર પશુ માલિક દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ નહીં અપાય અથવા તો પરિવારની માંગણી મુજબનું વળતર નહીં ચૂકવાય તો પરિવારના સભ્યો દ્વારા વળતર માટે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવનાર છે.
અહી એ પણ યાદ અપાવવું જરૂરી છે કે વડોદરા શહેરમાં છેલ્લા લાંબા સમય થી નાગરિકો રખડતા ઢોરોનો ત્રાસ ભોગવી રહ્યા છે.પાલિકા દ્વારા રાઉન્ડ ધ કલોક ઢોર પકડવાની કામગીરી કરાતી હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. છતાં આજદિન સુધી નાગરિકોને ઢોરોના ત્રાસ થી મુક્તિ મળી શકી નથી.વડોદરા શહેરમાં ઢોરના હુમલાના કારણે અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાઈ ચૂક્યા છે. સેંકડો લોકોને ઈજાઓ પણ પોહચી ચૂકી છે. તો સાથે જ શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીએ પોતાની આંખ પણ ગુમાવી દીધી છે. ત્યારે માત્ર કાગળ પર ઢોર પકડનાર પાલિકા શહેરના માર્ગો પરથી પણ રખડતા ઢોર પકડે એ અનિવાર્ય બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે