ગુજરાતમાં કઠોળ-શાકભાજીના ભાવમાં થશે ભડકો! ખેડૂતો રાતા પાણીએ રોવે તેવી સ્થિતિ!

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ સતત બદલાતું રહે છે. જેમાં ઉનાળાના પ્રારંભે જ માવઠાની સ્થિતિ બની છે, જેમાં નવસારીમાં 10થી વધુ દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેતીને મોટી અસર થઈ છે.

ગુજરાતમાં કઠોળ-શાકભાજીના ભાવમાં થશે ભડકો! ખેડૂતો રાતા પાણીએ રોવે તેવી સ્થિતિ!

ધવલ પરીખ/નવસારી: સતત 10 થી વધુ દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેતીમાં કઠોળ અને શાકભાજી પાકોમાં જીવાત પડતા ઘણા ખેડૂતોનો પાક નાશ પામ્યો છે અથવા ઉત્પાદન ઓછું થવાની સંભાવના જોવાઈ રહી છે. ત્યારે હજુ પણ આજ પ્રકારે વાતાવરણ રહે તો ખેડુતે રાતા પાણીએ રોવાનો વારો આવે એવી સ્થિતિ બની છે. 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ સતત બદલાતું રહે છે. જેમાં ઉનાળાના પ્રારંભે જ માવઠાની સ્થિતિ બની છે, જેમાં નવસારીમાં 10થી વધુ દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેતીને મોટી અસર થઈ છે. બાગાયતી, કઠોળ, શાકભાજી અને ધાન્ય પાકોમાં રોગ જીવાત પડવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. નવસારીના કોલાસણા ગામના ખેડૂત મહેન્દ્રભાઈએ આંતર પાક તરીકે મગ વાવ્યા હતા, પરંતુ સતત વાદળછાયાં વાતાવરણ સાથે કમોસમી વરસાદ પણ રહેતા ચિંતા વધી હતી. જેમાં લીલી ઇયળનો ઉપદ્રવ વધતાં 1 થી દોઢ ઇંચના મગના છોડ પણ ખવાઈ ગયા હતા. 

ઈયળના કારણે આખા ખેતરમાંથી મગના છોડ સુકાઈને નાશ પામ્યા અને ખેતર આખું સાફ થઈ જતા ખેડૂત મહેન્દ્રભાઈએ આર્થિક નુકશાની વેઠવા પડી છે. બીજી તરફ શાકભાજીમાં રિંગણમાં પણ ચુસ્યા પ્રકારની ઈયળો સાથે અન્ય જીવાત થતા પણ પીળા પડી જવા સાથે જ ઈયળ ફળમાં પ્રવેશીને પણ નુકશાન પહોંચાડે છે, જેને કારણે રિંગણમા ખરણ વધ્યુ છે, જેથી રાસાયણિક દવાનો છંટકાવ કરવાને કારણે ગુણવત્તા સાથે ઉત્પાદન પર અસર થવાથી પાકમાં નુકશાની વેઠવા પડશે. ત્યારે સરકાર બદલાતા વાતાવરણ સામે નિષ્ણાંતો અને ખેડૂતોના અનુભવ સાથે વિસ્તાર અનુસાર પાક આધારિત સંશોધન કરાવે તેમજ નુકશાની માટે યોગ્ય પેકેજ જાહેર કરે એવી આશા સેવી રહ્યા છે.

બદલાતા હવામાન વચ્ચે વાદળછાયું વાતાવરણ જિલ્લાના બાગાયતી, કઠોળ, શાકભાજી અને ધાન્ય પાકોના ખેડૂતો માટે મુશ્કેલી રૂપ સાબિત થઈ રહ્યુ છે. ચીકુ કેરીમાં ખરણ સાથે ફળમાખીનો ઉપદ્રવ ખેડૂત માટે માથાનો દુઃખાવો બન્યો છે. જ્યારે કઠોળ અને શાકભાજીમાં લીલી ઈયળ અને ચૂસ્યા પ્રકારની ઈયળ આખા પાકને નાશ કરે એવી સ્થિતિ બને છે. ત્યારે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત ડૉ. કે. એ. શાહે ખેડૂતોને સમય સૂચકતા સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા સૂચવેલ દવાઓનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરી છે, જેથી પાકમાં નુકશાની નિવારી શકાય. 

ઉનાળામાં શિયાળા અને ચોમાસા જેવી સ્થિતિથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાય છે. દર વર્ષે વાતાવરણને કારણે લાખોની નુકશાની વેઠતા ખેડૂતો ખેતીથી વિમુખ થાય એવી સ્થિતિ બની છે, ત્યારે કૃષિ પ્રધાન ભારતમાં કૃષિને બચાવવા વૈજ્ઞાનિક ઢબે યોગ્ય પગલાં લેવામાં આવે તો કૃષિ ટકી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news